*અભિષેક* પ્રકરણ 3
અભિષેક સ્વામી નિર્મલાનંદનો આશ્રમ શોધતો શોધતો બદ્રીનાથ રોડ ઉપર ઘણે દૂર સુધી આવ્યો હતો અને છેવટે એને આશ્રમ મળી ગયો હતો. એના આશ્ચર્ય વચ્ચે ટ્રેઈનમાં જે સાધુ મહાત્મા એને મળ્યા હતા એ પોતે જ નિર્મલાનંદ સ્વામી હતા !
સ્વામીજીએ એને પાછલા જનમના કોઈ પાપકર્મનું પ્રાયશ્ચિત કરવાનું કહ્યું હતું પણ એ વિશે કોઈ ખુલાસો કર્યો ન હતો. સ્વામીજીએ એ જ વખતે એને ગાયત્રી મંત્રની દીક્ષા પણ આપી હતી.
અભિષેક જાણવા માગતો હતો કે સ્વામીજી એની સાથે એના જ કમ્પાર્ટમેન્ટમાં છેક અમદાવાદથી કેમ બેઠા હતા પણ સ્વામીજીએ એનો જવાબ ટાળ્યો હતો અને અચાનક એના આશ્ચર્ય વચ્ચે એ અદ્રશ્ય થઈ ગયા હતા. એ જ્યાં બેઠો હતો એ કુટીર પણ અદ્રશ્ય થઈ ગઈ હતી !
પોતાને જંગલમાં એક વૃક્ષ નીચે બેઠેલો જોઈને અભિષેકને ખૂબ જ નવાઈ લાગી. આવો અનુભવ એને જિંદગીમાં પહેલી વાર થયો હતો. એ ઉભો થયો અને બગલથેલામાંથી મોબાઇલ કાઢીને સમય જોયો તો બપોરના સાડા બાર વાગી ગયા હતા.
આજે મમ્મીનું પિંડદાન અને શ્રાદ્ધ કરવાનું હોવાથી સવારથી કંઈ પણ જમ્યો ન હતો એટલે બરાબરની ભૂખ લાગી હતી. એણે બૂટ પહેરી લીધા અને ઝડપથી ચાલવા માંડ્યું અને થોડીવારમાં મુખ્ય રસ્તા ઉપર આવી ગયો. અડધા કલાકમાં ત્રણ કિલોમીટર જેટલો રસ્તો એણે ઝડપથી કાપી નાખ્યો.
એણે હોટલમાં સાંભળ્યું હતું કે અહીં સ્વર્ગ આશ્રમની બાજુમાં આવેલી ચોટીવાલા રેસ્ટોરન્ટનું ભોજન ગુજરાત જેવું સારું હોય છે એટલે એણે અત્યારે ત્યાં જ જમવાનો નિર્ણય લીધો. ૧૦ મિનિટમાં એ રેસ્ટોરન્ટ પહોંચી ગયો.
ગઈકાલ કરતાં આજે આ રેસ્ટોરન્ટમાં જમવાનું ઘણું સારું હતું. જમી લીધા પછી એ પોતાની હોટલ ઉપર ગયો અને ચાવી લઈને રૂમમાં ગયો. આરામ કરવા માટે એ બેડ ઉપર આડો પડ્યો અને એનું મન વિચારે ચડી ગયું.
છેલ્લા બે દિવસ એના માટે ખૂબ જ રહસ્યમય રહ્યા. સ્વામીજીએ એનામાં આટલો બધો રસ કેમ લીધો ? છેક અમદાવાદથી સ્વામીજી પોતાના જ કમ્પાર્ટમેન્ટમાં કેમ બેઠા ? હવામાંથી ભોજન પેદા કરીને એને જ કેમ જમાડ્યો ? મમ્મી એની સાથે જ છે એવી વાત પણ કરી. મમ્મી માટે પિંડદાન કરવાની સૂચના પણ આપી.
પોતે જ સ્વામી નિર્મલાનંદ હતા છતાં પણ ઋષિકેશના સ્ટેશને એવું કેમ કહ્યું કે સમય મળે તો સ્વામી નિર્મલાનંદની કુટીરમાં જઈ આવજે !! પોતે પહેલી વાર બદ્રીનાથ રોડ ઉપર ગયો ત્યારે એક સંન્યાસીએ કહ્યું કે અહીં આ નામના કોઈ સ્વામી છે જ નહીં. એ તો હિમાલયમાં રહે છે અને એમની ઉંમર ૩૦૦ વર્ષથી પણ ઉપર છે !
પાછા વળતાં વળી બીજા સન્યાસીએ રસ્તો બતાવ્યો તો પહેલાં જે સંન્યાસી મળ્યા હતા એ અદ્રશ્ય થઈ ગયા ! કુટીરમાં સ્વામીજી મળી ગયા તો એમણે ગાયત્રી મંત્રની દીક્ષા આપી. કોઈ પાપ કર્મના પ્રાયશ્ચિતની વાત કરી ! સ્વામીજી ખૂબ જ રહસ્યમય હતા !!
મનમાં ઘણા પ્રશ્નો ઊભા થયા હતા પણ એની પાસે કોઈ જવાબ ન હતો. વિચારોમાં ને વિચારોમાં એને ઊંઘ આવી ગઈ. એ જાગ્યો ત્યારે સાડા ચાર વાગી ગયા હતા.
એણે રૂમ સર્વિસમાં ફોન કરીને ચા મંગાવી દીધી અને એ પછી એ નીચે ઉતર્યો. સૌ પ્રથમ તો એ લક્ષ્મણ ઝુલા બાજુ ગયો અને ત્યાં ત્રંબકેશ્વર મહાદેવનાં દર્શન કરી આવ્યો. એ પછી એણે ગંગા કિનારે બંને બાજુ મોટું ચક્કર લગાવ્યું અને રસ્તામાંથી એક માળા પણ ખરીદી લીધી.
સાંજે ૭ વાગે એની હોટલની બહાર જ ગંગા આરતી થતી હતી એટલે ત્યાં સુધીમાં એ હોટલ પાસે આવી ગયો. ઘણા બધા યાત્રાળુઓ અહીં આવીને આરતી જોવા માટે બેસી ગયા હતા. ગંગા નદીમાં શિવજીની એક મોટી મૂર્તિ હતી અને એની સામે જ આરતી થતી હતી. લગભગ ત્રીસેક મિનિટ સુધી આરતી ચાલી. ગંગા આરતી જોવી એ પણ એક લ્હાવો હતો.
આરતી પતી ગયા પછી ૮ વાગે એ ફરી ચોટીવાલા રેસ્ટોરન્ટમાં જઈને જમી આવ્યો. એ પછી ગંગાના કિનારે લગભગ એક કલાક સુધી બેસી રહ્યો. અહીંનું વાતાવરણ અતિ પવિત્ર હતું અને મનને ખૂબ જ શાંતિ મળતી હતી. ચોમાસુ હતું એટલે વાતાવરણમાં ઠંડક પણ સારી એવી હતી. ગંગા નદી પણ ચોમાસાના કારણે બંને કાંઠે ભરપૂર હતી !
રાત્રે ૧૦ વાગે અભિષેક હોટલમાં પાછો આવ્યો. આવતી કાલે સવારે છ વાગ્યાની ટ્રેઈન હતી જે ઋષિકેશથી જ ઉપડતી હતી. આ ટ્રેઈન પકડવી હોય તો સવારે પાંચ વાગે હોટલ છોડી દેવી પડે. એટલે એણે અત્યારે જ કાઉન્ટર ઉપર પેમેન્ટ કરી દીધું અને ચેક આઉટની વિધિ પણ પતાવી દીધી.
અભિષેક વહેલી સવારે ચાર વાગે ઉઠી ગયો અને નાહી ધોઈને સ્વામીજીની આજ્ઞા પ્રમાણે ગાયત્રી મંત્રની પાંચ માળા કરી. સ્વામીજીની કૃપાથી ગાયત્રી મંત્ર એને એકદમ ફાવી ગયો હતો અને ખૂબ ઝડપથી એ માળા કરી શકતો હતો. માળા કરવાથી એને ખૂબ જ સારું લાગ્યું.
અભિષેકે પાંચ વાગે હોટલ છોડી દીધી અને બહાર થોડે દૂર સુધી ચાલ્યા પછી એને સ્ટેશન જવા માટેની રીક્ષા મળી. થ્રી ટાયર એસીનું રિઝર્વેશન કરેલું હતું એટલે એ એની સીટ ઉપર બેસી ગયો. આ વખતે એણે સાઈડ લોઅર બર્થ પસંદ કરી હતી. ૨૪ કલાકની મુસાફરી પછી બીજા દિવસે સવારે છ વાગે આ ટ્રેઈન મુંબઈના વસાઈ રોડ સ્ટેશને પહોંચવાની હતી.
સવારે સાડા સાત વાગે હરિદ્વાર સ્ટેશન આવ્યું ત્યારે એણે નીચે ઉતરીને સ્ટોલ ઉપરથી ચા પી લીધી. પાણીની એક બોટલ પણ લઈ લીધી. હરિદ્વારથી ઉપરની બર્થવાળા એક વડીલ એની સામેની સીટ ઉપર બેઠા.
આ ટ્રેઈન અમદાવાદ જતી ન હતી. એના બદલે કોટા રતલામ થઈને વડોદરા જતી હતી અને ત્યાંથી વસાઈ રોડ પનવેલ થઈને છેક કેરાલા જતી હતી.
" આપ કહાં તક જા રહે હો ? " પેલા અંકલે સમય પસાર કરવા માટે સવાલ પૂછ્યો.
" મુંબઈ " અભિષેકે ટૂંકો જવાબ આપ્યો. એને ફાલતુ વાતો કરવાનું ગમતું ન હતું.
એ પછી થોડીવારમાં સેન્ડવીચ અને કટલેસ લઈને એક વેન્ડર આવ્યો. અભિષેકને એમાં કોઈ રસ ન હતો. થોડી વાર પછી ગરમ બટેટાપૌંઆ લઈને બીજો એક વેન્ડર આવ્યો. એની પાસેથી અભિષેકે એક ડીશ
બટેટાપૌંઆ લીધા.
બપોરે ૧૨ વાગે ગાઝીયાબાદ આવ્યું ત્યારે પેન્ટ્રી કારનો વેન્ડર જમવાનો ઓર્ડર લેવા માટે આવ્યો. અભિષેકે ઓર્ડર નોંધાવી દીધો. બરાબર એક વાગે દિલ્હીનું હસરત નિઝામુદ્દીન રેલ્વે સ્ટેશન આવ્યું. પેલા અંકલ અહીં ઉતરી ગયા અને એમની જગ્યાએ એક યુવતી આવીને બેઠી.
વીસ મિનિટ પછી ટ્રેઈન ઉપડી એટલે જેમણે પણ ઓર્ડર લખાવ્યા હતા એ બધાનું જમવાનું લંચ બોક્સ આવી ગયું. દરેક ટ્રેઈનોમાં મેનુ લગભગ એક સરખું જ હોય છે. બે પરોઠા, પનીરનું રસાવાળુ શાક, દાલ ફ્રાય અને રાઈસ તથા સાથે દહીં !
જમી લીધા પછી અભિષેકે જોયું કે એની સામે બેઠેલી યુવતી ખૂબ જ આકળવિકળ થઈ રહી હતી. એના જીવને ચેન ન હતું. કોઈ દર્દથી કણસતી હોય એમ એના ચહેરા ઉપર પીડા લિંપાઈ ગઈ હતી. થોડી થોડી વારે એ જમણી બાજુના પેટ અને પાછળ નીચેની પીઠ ઉપર હાથ લઈ જતી હતી. વચ્ચે વચ્ચે ક્યારેક ઉંહકારો પણ ભરતી હતી.
કમ્પાર્ટમેન્ટમાં બેઠેલા બીજા કેટલાક પેસેન્જર્સ પણ આ યુવતી તરફ જોઈ રહ્યા હતા.
અચાનક એ યુવતી ઉપર કોઈનો ફોન આવ્યો તો એણે ગુજરાતીમાં જ વાત કરી.
"હું થોડીવાર પછી તને ફોન કરું છું." યુવતી બોલી અને ફોન કટ કર્યો.
અભિષેક સમજી ગયો કે આ યુવતી ગુજરાતી જ છે. લાગતું હતું કે યુવતી નું દર્દ વધી રહ્યું હતું. એ ખૂબ જ બેચેન બની ગઈ હતી.
"તમને કોઈ તકલીફ છે ? હું તમને કંઈ મદદ કરી શકું ? " છેવટે અભિષેકથી બોલાઈ ગયું.
" મને જમણી બાજુ નીચેના પડખામાં ખૂબ જ દુઃખે છે. દિલ્હી સ્ટેશન આવી ત્યારથી અચાનક આ દુખાવો શરૂ થયો છે. છેક મુંબઈ સુધી જવાનું છે. મને લાગે છે મારે આગલા સ્ટેશને ઉતરી જવું પડશે અને ડોક્ટર પાસે જવું પડશે. આવું દર્દ ક્યારે પણ થયું નથી. " યુવતી બોલી.
" તમને અચાનક પથરીનો દુખાવો ઉપડ્યો છે. તમને જે જગ્યાએ દુખે છે એ ભાગ કિડનીનો છે. હું ડોક્ટર છું. હું તમને ઇન્જેક્શન આપી દઉં છું. પાંચ મિનિટમાં દુખાવો બંધ થઈ જશે. છેક મુંબઈ સુધી તમને કોઈ તકલીફ નહીં થાય. " અભિષેક બોલ્યો અને એણે પોતાની બેગ ખોલીને ઇન્જેક્શનની સીરીંજ તથા દુખાવાનું ડાઈકલોફેનિક ઇન્જેક્શન બહાર કાઢ્યું.
જાહેરમાં એને સૂવાડીને થાપા ઉપર ઇન્જેક્શન આપી ન શકાય એટલે એણે ના છૂટકે જમણા હાથમાં ખભા પાસે ધીમેથી ઇન્જેક્શન આપી દીધું.
ખરેખર ચમત્કાર થયો હોય એમ પાંચ જ મિનિટમાં યુવતીનું તમામ દર્દ ગાયબ થઈ ગયું !
" થેન્ક્યુ વેરી મચ ડોક્ટર. તમે મને એકદમ રીલેક્ષ કરી દીધી." યુવતી બોલી. બીજા પેસેન્જર્સ પણ અભિષેક સામે માનથી જોઈ રહ્યા.
" તમે મુંબઈમાં જ રહો છો મેડમ ?" અભિષેકે પૂછ્યું.
" હા હું બોરીવલી સાંઈબાબાનગર રહું છું. મને મેડમ ના કહો પ્લીઝ. મારું નામ શિવાની છે. શિવાની જોષી. તમે ? " શિવાની હવે હસીને બોલી.
" મારું નામ ડૉ. અભિષેક મુન્શી. હું દહીસર રહું છું અને બોરીવલીની એક હોસ્પિટલમાં સેવા આપું છું." અભિષેક બોલ્યો.
" વાઉ. તમે તો એકદમ નજીકમાં જ છો." શિવાની બોલી.
" ઘરે ગયા પછી ફરી તકલીફ થાય તો પછી મારી હોસ્પિટલમાં જ એડમિટ થઈ જજો. તમને ફ્લશ થેરપી આપી દઈશું એટલે નાની પથરી હશે તો પેશાબ વાટે નીકળી જશે. " કહીને અભિષેકે પોતાનું હોસ્પિટલ કાર્ડ આપ્યું.
" તમે હરિદ્વાર ગયા હતા ? " શિવાની બોલી.
"ના હું મમ્મીનાં અસ્થિ પધરાવવા માટે છેક ઋષિકેશ ગયો હતો." અભિષેકે જવાબ આપ્યો.
" ઓહ્ ...આઈ એમ સોરી." શિવાની બોલી.
એ પછી થોડી શાંતિ છવાઈ ગઈ. શિવાનીએ આગળ કંઈ પણ પૂછ્યું નહીં.
" તમારું દિલ્હીમાં કોઈ રહે છે ? " બપોરે ચા પીધા પછી અભિષેકે સવાલ કર્યો.
" ના રે ના. દિલ્હી એરપોર્ટ ઉપર ઇન્ટરવ્યૂ માટે આવી હતી. સારું પેકેજ હતું પરંતુ ઇન્ટરવ્યૂ એટલું બધું સારું ના ગયું એટલે મારું સિલેક્શન ના થયું. માત્ર એક જ જગ્યા લેવાની હતી. મેં બી.ટેક કર્યું છે અને સાથે એરપોર્ટ ગ્રાઉન્ડ સ્ટાફની ટ્રેનીંગ પણ લીધેલી છે. અત્યારે મુંબઈ એરપોર્ટ ઉપર છું. " શિવાની બોલી.
" ઓકે ઓકે. " અભિષેક બોલ્યો.
સાંજે છ વાગે કોટા સ્ટેશન આવ્યું એટલે અભિષેક નીચે ઉતર્યો. અહીંની કચોરી અને સમોસા ખૂબ જ પ્રખ્યાત હતા એટલે એણે બે ડીશ સમોસા લીધા અને ઝડપથી કોચમાં ચડી ગયો. સમોસાની એક ડીશ શિવાનીના હાથમાં આપી.
" અરે પણ મારા માટે કેમ લઈ આવ્યા ? " શિવાની હસીને બોલી.
" ભૂખ તો બધાને લાગે ને ! હજુ જમવાનું રાત્રે ૮:૩૦ પછી આવશે. " અભિષેક બોલ્યો.
"ઋષિકેશ કેવું લાગ્યું ? મારી પણ એક વાર હરિદ્વાર અને ઋષિકેશ જવાની ઈચ્છા છે. એના વિશે બહુ સાંભળ્યું છે. " શિવાની બોલી.
" વાત જ ના પૂછો. ખૂબ જ રમણીય જગ્યા છે અને મનને અપાર શાંતિ મળે છે. દૂરથી હિમાલયનાં દર્શન પણ થાય છે. જો કે એના માટે બેસ્ટ સિઝન તો ઉનાળાની છે. અત્યારે તો પાણી ધ્રુજી જવાય એટલું ઠંડુ હતું." અભિષેક બોલ્યો.
" મારા પપ્પા તો બે થી ત્રણ વાર હરિદ્વાર અને ઋષિકેશ જઈ આવ્યા છે. હરિદ્વારમાં એ શાંતિકુંજમાં રોકાય છે. એ ગાયત્રીના ઉપાસક છે. નામ પણ એમનું ઋષિકેશ છે ! " શિવાની હસીને બોલી.
" તો તો મારે એમને મળવા માટે આવવું પડશે. મેં પણ ગાયત્રી મંત્રની રોજની પાંચ માળા કરવાનો નિયમ લીધો છે. " અભિષેક બોલ્યો.
" હા હા ચોક્કસ આવો. મને ખૂબ જ આનંદ થશે. ફોન કરીને આવજો. તમે મારો ફોન નંબર સેવ કરી લો." શિવાની બોલી અને એણે અભિષેકને પોતાનો ફોન નંબર આપ્યો.
અભિષેકે નંબર સેવ કરીને એક રીંગ પણ આપી દીધી જેથી એનો નંબર શિવાની પાસે જતો રહે. " તમે પણ આ નંબર સેવ કરી લેજો. "
રાત્રે આઠ વાગે પેન્ટ્રીકારનો વેન્ડર જમવાનું પૂછવા માટે આવ્યો એટલે અભિષેકે એનું અને શિવાનીનું જમવાનું ઓર્ડર કરી દીધું.
સાડા આઠ વાગે જમવાનું આવી ગયું. એનું એ જ મેનુ હતું. અત્યારે પનીરના બદલે છોલે હતા.
અભિષેકની બર્થ નીચેની હતી પરંતુ એણે શિવાનીને નીચે સૂઈ જવાનું કહ્યું અને પોતે ઉપરની બર્થ ઉપર સૂઈ ગયો. એણે મોબાઇલમાં સાડા પાંચ વાગ્યાનું એલાર્મ મૂકી દીધું.
અભિષેક વહેલી સવારે સાડા પાંચ વાગે ઉઠી ગયો. વોશરૂમમાં જઈને મ્હોં ધોઈ નાખ્યું. એ પછી એણે શિવાનીને પણ જગાડી દીધી.
છ વાગે વસાઈ રોડ સ્ટેશન આવી ગયું. હવે અહીંથી અભિષેકને લોકલ ટ્રેઈન પકડીને દહીસર જવાનું હતું તો શિવાનીને બોરીવલી ! અભિષેકે બંનેની ફર્સ્ટ ક્લાસની ટિકિટ લઈ લીધી અને પ્લેટફોર્મ ઉપર આવી ગયાં.
" ચાલો હવે છૂટા પડીએ. તમે મારા ઘરે પપ્પાને મળવા માટે ચોક્કસ આવજો. મને જે ટ્રીટમેન્ટ આપી એના માટે ખૂબ ખૂબ આભાર. " શિવાની બોલી અને લેડીઝ કમ્પાર્ટમેન્ટ આગળ આવતો હોવાથી શિવાની પ્લેટફોર્મ ઉપર આગળ નીકળી ગઈ.
પાંચ મિનિટમાં વિરારથી આવતી ટ્રેઈન આવી ગઈ. અભિષેક દહીસર ઉતરી ગયો અને દહીસર વેસ્ટમાં શૈલેન્દ્ર વિદ્યાલય રોડ ઉપર આવેલા નક્ષત્ર ટાવર્સ જવા માટે એણે રીક્ષા કરી લીધી.
નક્ષત્ર ટાવર ૨૨ માળનું હતું અને એનો ત્રણ બેડરૂમનો વિશાળ ફ્લેટ પાંચમા માળે હતો. એના પપ્પા રેલવેમાં હતા એટલે સ્ટેશનથી નજીક જ એમણે વર્ષો પહેલાં આ ફ્લેટનું બુકિંગ કરાવ્યું હતું. અત્યારે એના ફ્લેટની કિંમત દોઢ કરોડ આસપાસ બોલાતી હતી. એના ઘરથી રેલ્વે સ્ટેશન અને મેટ્રો સ્ટેશન ખૂબ નજીક હતાં.
ઋષિકેશ જતી વખતે એણે કામવાળી બાઈને કહી રાખ્યું હતું એટલે એ કચરા પોતું કરવા માટે આજે આઠ વાગે આવવાની હતી. મમ્મીના મૃત્યુ પછી એણે બધાં કામ માટે બાઈ બંધાવી દીધી હતી. એ સવારે કચરા પોતું અને બે ટાઈમ વાસણ માંજી જતી હતી. વોશિંગ મશીન હોવાથી પોતાનાં કપડાં ધોવાનું કામ એ પોતે જ કરી લેતો હતો.
રસોઈ માટે એણે સાંજનું ટિફિન બંધાવી દીધું હતું. હોસ્પિટલમાં જોબ માટે સવારે ૯:૩૦ વાગે એ ઘરેથી નીકળી જતો હતો એટલે બપોરનું ટિફિન શક્ય ન હતું. બપોરે એ હોસ્પિટલની બાજુમાં આવેલી રેસ્ટોરન્ટમાં જમી લેતો હતો.
અભિષેકે ઘરે પહોંચીને તરત જ બ્રશ કરી લીધું. ફ્રેશ થઈને નાહી પણ લીધું. એ પછી એના પોતાના માટે ચા બનાવી દીધી. એ પછી સ્વામીજીના આદેશ પ્રમાણે ગાયત્રી મંત્રની પાંચ માળા પણ કરી દીધી.
આ બધું પત્યા પછી એણે પોતાનાં મેલાં કપડાં વોશિંગ મશીનમાં નાખી દીધાં અને મશીન ચાલુ કરી દીધું. થોડી વાર પછી ધોવાયેલાં ડ્રાય કપડાં ગેલેરીમાં સૂકવી પણ દીધાં. દર બે દિવસે એ વોશિંગ મશીન ચાલુ કરતો.
આઠ વાગે કચરા પોતા માટે દયાબેન આવી ગયાં અને ત્રણ દિવસથી બંધ રહેલા ઘરની વ્યવસ્થિત રીતે સફાઈ કરી દીધી.
અભિષેક એના સમય પ્રમાણે ૯:૩૦ વાગે હોસ્પિટલ જવા માટે નીચે ઉતર્યો અને નીચેથી રીક્ષા કરી લીધી.
દહીંસરથી એની હોસ્પિટલનો રસ્તો ૨૫ મિનિટનો હતો. અભિષેક રોજ સમયસર પહોંચી જતો અને પોતાની ડ્યુટી સંભાળી લેતો.
" સર હમણાં અડધા કલાક પહેલાં એક મેડમ એડમિટ થયેલાં છે એ તમને યાદ કરતાં હતાં. " અભિષેકને જોઈને રિસેપ્શન ઉપર બેઠેલી નર્સ બોલી.
અભિષેકને ખ્યાલ આવી ગયો કે શિવાનીને ફરી દુઃખાવો ઉપડ્યો હશે. એ પોતાના વોર્ડમાં ગયો. પોતાને આપેલા કબાટમાંથી એપ્રોન કાઢીને પહેરી લીધું. સ્ટેથોસ્કોપ ગળે ભરાવી દીધું . રજીસ્ટરમાં સહી કરી દીધી. અને પછી લેડીઝ વોર્ડમાં ગયો.
જો કે એ હોસ્પિટલમાં આવ્યો ત્યાં સુધીમાં શિવાનીની ટ્રીટમેન્ટ ચાલુ થઈ ગઈ હતી. પાઈન ચડાવેલો હતો. બાજુમાં શિવાનીની નાની બહેન પણ સ્ટૂલ ઉપર બેઠી હતી.
" હું તમારી જ રાહ જોતી હતી. ઘરે પહોંચ્યા પછી ફરી પાછો અસહ્ય દુઃખાવો ચાલુ થઈ ગયો. તમે કહ્યું હતું એટલે પછી આ જ હોસ્પિટલમાં આવી ગઈ. " શિવાની બોલી.
" પથરી નાની હશે તો આ ફ્લશ થેરપી થી બહાર નીકળી જશે. આજકાલ આ તકલીફ સામાન્ય થઈ ગઈ છે. બે દિવસ તમારે રોકાવું પડશે. ચિંતાનું કોઈ કારણ નથી. આજે પથરીની સાઈઝ જોવા માટે તમારો એક્સરે પણ લેવામાં આવશે. " અભિષેક બોલ્યો.
" ઓકે. દુઃખાવાનું ઇન્જેક્શન નર્સે મને આપી દીધું છે એટલે અત્યારે તો કોઈ તકલીફ જ નથી. " શિવાની બોલી.
એ પછી અભિષેકે ઓશીકા પાસે પડેલી શિવાનીની કેસ ફાઈલ જોઈ લીધી. લાઇન ઓફ ટ્રીટમેન્ટ બિલકુલ બરાબર હતી.
" ચાલો હવે હું જાઉં. હજુ હમણાં જ આવ્યો છું એટલે મારા વૉર્ડમાં હજુ રાઉન્ડ મારવાનો બાકી છે. " અભિષેક હસીને બોલ્યો અને બહાર નીકળી ગયો.
" દીદી આ ડૉક્ટરને તમે કેવી રીતે ઓળખો છો ? " નાની બહેન અનેરી બોલી.
" કિસ્મત કનેક્શન ! ટ્રેઈનમાં અમે લોકો સાથે જ હતાં. ટ્રેઈનમાં પણ મને અચાનક દુઃખાવો ઉપડ્યો અને એમણે તરત જ ઇન્જેક્શન આપીને બંધ કરી દીધો. આપણા ઘરે પપ્પાને મળવા પણ આવવાના છે ! " શિવાની બોલી.
" એક જ દિવસની મુલાકાતમાં પપ્પાને મળવા પણ આવવાના છે ? વાત શું છે દીદી !!" અનેરી બોલી.
" ચૂપ કર. એવી કોઈ જ વાત નથી." શિવાની બોલી તો ખરી પણ એને આ રૂપાળો ડૉક્ટર ગમી તો ગયો જ હતો !
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)