અભિષેક પ્રકરણ 10
અભિષેક ખૂબ જ ખુશ હતો. એના એકાઉન્ટમાં સોળ કરોડ જેવી માતબર રકમ જમા થઈ હતી. એણે કદી વિચાર્યું પણ ન હતું કે એક દિવસ પોતે આટલો શ્રીમંત બની જશે !
આટલી બધી રકમ ખાતામાં આવી હોય પછી એનું મેનેજમેન્ટ કરવું પણ જરૂરી હતું. ગમે ત્યારે ઇન્કમટેક્સની નોટિસ પણ આવી શકે છે. હવે વહેલી તકે એના માટે કંઈક વિચારવું પડશે. અભિષેકને અચાનક યાદ આવ્યું કે ઋષિકેશ અંકલ વેલ્થ મેનેજમેન્ટ માટે કોઈ વ્યક્તિની ઓળખાણ કરાવી આપવાના હતા. અભિષેકે ઋષિકેશ અંકલનો જ સંપર્ક કર્યો.
" અંકલ... અભિષેક બોલું. તમે મને વેલ્થ મેનેજમેન્ટ માટે કોઈની ઓળખાણ કરાવવાની વાત કરતા હતા તો મારે એમને મળવું છે. "
" હા હા ચોક્કસ. તમે એક કામ કરો. કાલે સવારે ૧૦ વાગે બોરીવલી વેસ્ટમાં બાભાઈ નાકા પાસે દીપક રેસ્ટોરન્ટ છે ત્યાં આવી જાઓ. હું અત્યારે જ નવીનભાઈ સાથે વાત કરી લઉં છું." ઋષિકેશભાઈ બોલ્યા.
બીજા દિવસે સમય પ્રમાણે અભિષેક દીપક રેસ્ટોરન્ટ પહોંચી ગયો. ઋષિકેશ અંકલ ત્યાં જ ઉભા હતા.
" આવો પહેલાં આપણે નાળિયેર પાણી પી લઈએ. " ઋષિકેશભાઈ બોલ્યા.
" એની કોઈ જરૂર નથી અંકલ. હું ઘરેથી જ આવું છું. " અભિષેક બોલ્યો.
" અરે ભલા માણસ નાળિયેર પાણી તો શુકન ગણાય. સારા કામ માટે શ્રીફળનો પ્રસાદ લેવામાં શું વાંધો ?" ઋષિકેશ અંકલ હસીને બોલ્યા.
અને બંનેએ નાળિયેર પાણી પી લીધું. એ પછી ઋષિકેશ અંકલ અભિષેકને બાજુમાં આવેલા પ્રશાંત ફ્લેટમાં નવીનભાઈ શાહના ઘરે લઈ ગયા.
" જય જિનેન્દ્ર નવીનભાઈ. મેં કાલે રાત્રે તમને ફોન ઉપર વાત કરી હતી. આ અભિષેક મુન્શી અહીં જાણીતી હોસ્પિટલમાં ડોક્ટર છે. એમને વીલ દ્વારા બહુ મોટી રકમ મળી છે એટલે ઇન્વેસ્ટમેન્ટથી માંડીને ઇન્કમટેક્સ રિટર્ન સુધીની તમામ જવાબદારી હું તમને સોંપવા માગું છું. તમે વેલ્થ મેનેજમેન્ટમાં નિષ્ણાત છો એ હું જાણું છું ! " ઋષિકેશભાઈ સોફા ઉપર બેસીને હસીને બોલ્યા.
" તમે જાતે મારા ત્યાં આવ્યા છો તો તમારું કામ તો મારે કરવું જ પડે. તમે એક કામ કરો અભિષેકભાઈ. તમારાં તમામ ખાતાંની સંપૂર્ણ વિગતો મને એક કાગળમાં લખી આપો. વીલ દ્વારા જે રકમ મળી છે એ અલગથી લખજો. રિટર્નમાં આપણે વીલની રકમ અલગથી બતાવવી પડશે. તમારો પાન નંબર અને એડ્રેસ પણ લખી દેજો. " નવીનભાઈ બોલ્યા.
અને અભિષેકે ત્રણે ત્રણ બેંકોની વિગતો સાથે વીલ દ્વારા મળેલી રકમ એક કાગળમાં લખી. એ સાથે જ્વેલરીના વેચાણથી મળેલી રકમ પણ અલગથી લખી. પોતાના ખાતામાં આઠ લાખની જે બચત પહેલેથી હતી એ પણ અલગ બતાવી. પાન નંબર અને એડ્રેસ પણ લખી દીધું.
" ઠીક છે. એક વીકનો સમય તમે મને આપો. હું બધું પ્લાનિંગ કરીને તમને જણાવીશ કે ક્યાં ક્યાં ઇન્વેસ્ટમેન્ટ કરવું . એ પછી આપણે રિટર્ન પણ ફાઇલ કરી દઈશું. તમને ઇન્કમટેક્સ તરફથી કોઈ પ્રોબ્લેમ નહીં આવે. હવે તમે ચા પીશો કે ઠંડુ એ મને કહો. " નવીનભાઈ બોલ્યા.
" એવું અત્યારે કંઈ પણ કરવાની જરૂર નથી. ડોક્ટર સાહેબની ડ્યુટી ચાલુ છે. અને હા તમારી જે પણ ફી થતી હોય એ તમે એમને કહી દેજો કારણ કે આ તમારો પ્રોફેશન છે. " ઋષિકેશભાઇ બોલ્યા અને ઊભા થયા.
" હવે તમે ચિંતા છોડી દો અભિષેક. કરોડોનો વહીવટ આ નવીનભાઈ સંભાળે છે. ટેક્સ કઈ રીતે બચાવવો એમાં એ માસ્ટર છે. વીલમાં મળેલી તમામ રકમ તો કાયદેસરની છે એટલે સવાલ નથી પરંતુ તમારા બંગલાના જે કરોડો રૂપિયા આવશે એમાં નવીનભાઈ ખૂબ સરસ પ્લાનિંગ કરી આપશે ! " નીચે ઉતર્યા પછી ઋષિકેશભાઈ બોલ્યા.
" ઠીક છે અંકલ. કોમર્સ મારો વિષય નથી એટલે મને આમાં બહુ સમજણ પડતી નથી. પણ તમે એક સરસ ઓળખાણ કરાવી છે એટલે હવે મને કોઈ ચિંતા નથી. થેન્ક્યુ અંકલ. હવે હું અહીંથી રીક્ષા કરીને સીધો હોસ્પિટલ પહોંચી જાઉં. " અભિષેક બોલ્યો.
" અરે હું તમને મારી ગાડીમાં મૂકી જાઉં છું. તમારે હવે રીક્ષા કરવાની ના હોય. તમારે તો પોતાની ગાડી લેવાનો સમય પાકી ગયો છે ડોક્ટર સાહેબ !" ઋષિકેશભાઈ હસીને બોલ્યા અને બંને જણા ગાડીમાં બેઠા.
" અંકલ મારી ઈચ્છા એકવાર પેલો બંગલો જોવાની છે. તમને સમય હોય તો આપણે ખાર નો એક આંટો મારી આવીએ. " ગાડી ચાલુ થયા પછી અભિષેક બોલ્યો.
" તમારે મોડું થતુ ના હોય તો આપણે અત્યારે જ જઈ આવીએ. હજુ તો સવારના પોણા અગિયાર વાગ્યા છે. બાર વાગ્યા સુધીમાં પહોંચી જઈશું." ઋષિકેશભાઈ બોલ્યા.
" હોસ્પિટલની તો મને કોઈ ચિંતા નથી. મારો પાર્ટનર બધું સંભાળી લેશે. એને બહાર જવાનું હોય ત્યારે હું એનું કામ સંભાળી લઉં છું. " અભિષેક બોલ્યો.
ઋષિકેશભાઈએ ગાડી એસ.વી રોડ થઈને હાઈવે તરફ લઈ લીધી અને એકાદ કલાકમાં જ ખારમાં એન્ટ્રી કરી.
ઋષિકેશભાઇએ એસવી રોડ થઈ લિંકિંગ રોડ માં પ્રવેશ કર્યો અને ૩૮૭
નંબરના પ્લોટ પાસે જઈને ગાડી ઉભી રાખી.
બે માળનો બંગલો તો બહુ જ સરસ હતો. એને જોઈને એમ જ થાય કે અહીં જ રહેવા આવી જવું જોઈએ. એક તરફ બંગલામાં પ્રવેશવાનો મોટો ગેટ હતો અને ગેટની સામે ગાડી પાર્ક કરવા માટેનો શેડ પણ હતો !
એમના આશ્ચર્ય વચ્ચે એમણે જોયું કે એક સિક્યુરિટી ગાર્ડ ગેટ આગળ ખુરશી નાખીને બેઠો હતો. અહીં વળી સિક્યુરિટી ગાર્ડ ક્યાંથી આવ્યો ?
"અભિષેક...મને કંઈક ગરબડ દેખાય છે. ગાર્ડ સાથે હમણાં તમે બીજી કોઈ જ વાત ન કરતા. હું પોતે જ એક બિલ્ડર તરીકે એની સાથે વાત કરીશ." ઋષિકેશભાઇ બોલ્યા. ગાયત્રી ઉપાસના કારણે એમની છઠ્ઠી ઇન્દ્રિય જાગૃત હતી.
" બંગલા દેખના હૈ. બિલ્ડર હુ મૈં. " ગાર્ડ પાસે જઈને ઋષિકેશભાઈ બોલ્યા.
પેલો તરત જ ઉભો થઈ ગયો અને સલામ કરીને દરવાજો ખોલી દીધો.
" જી સા'બ આઈયે. " ગાર્ડ બોલ્યો.
અભિષેક અને ઋષિકેશભાઇ અંદર દાખલ થયા અને ચારે બાજુ ફરીને બંગલો જોઈ લીધો. બંગલાની પાછળ તો મોટો ગાર્ડન હતો. મહેંદીની વાડ અને ફૂલના છોડ પણ હતા પરંતુ પાણી વગર બધા છોડ કરમાઈ ગયા હતા. નીચે ઘાસ પણ ઘણું ઉગેલું હતું. ગાર્ડનમાં એક હિંચકો પણ મૂકેલો હતો પણ એ ધૂળ ખાતો હતો. બંને બાજુ નાળિયેરીનાં ઝાડ પણ હતાં. અત્યંત રમણીય જગ્યા હતી !
એ પછી એ લોકો બંગલામાં દાખલ થયા. વિશાળ ડ્રોઈંગ રૂમ, કપડું ઢાંકેલું ફર્નિચર, નીચે વૉલ ટુ વૉલ કારપેટ અને ઉપર લટકતું ઝુમ્મર શ્રીમંતાઈની ચાડી ખાતાં હતા. બંગલામાં ત્રણ મોટા મોટા બેડરૂમ અને કીચન પણ સરસ હતાં. કીચનના કાચના કબાટમાં ઘણી બધી ક્રોકરી ગોઠવેલી હતી !
એ પછી ડ્રોઈંગ રૂમમાં એક તરફથી ઉપર ચડતી ગોળ સીડી શોભામાં વધારો કરી રહી હતી. બંને સીડી ચઢીને પહેલા માળે ગયા. ઉપર અર્ધ ગોળાકાર મોટી ગેલેરી હતી જે મેઇન રોડ ઉપર પડતી હતી. ગેલેરીમાં હિંચકો પણ હતો. અહીં પણ મોટો ડ્રોઈંગ રૂમ અને ત્રણ બેડરૂમ હતા.
ઋષિકેશભાઇ અને અભિષેક ડ્રોઈંગ રૂમમાં ફરી રહ્યા હતા ત્યારે અભિષેકને કોઈ સ્ત્રીનો અવાજ સંભળાયો. અને બરાબર એ જ વખતે આખાય ડ્રોઈંગ રૂમમાં મોગરાનાં તાજાં ફૂલોની સુગંધ છવાઈ ગઈ.
" આવી ગયો બેટા ? "
અવાજ સાંભળીને અભિષેક ચમકી ગયો. એણે આજુબાજુ જોયું પરંતુ બંગલો તો સૂમસામ હતો. કોઈ સ્ત્રી આજુબાજુ ન હતી. અને અવાજ ખરેખર એટલો બધો સ્પષ્ટ હતો કે જાણે કોઈ બાજુમાંથી જ બોલતું હોય !
" અરે અંકલ તમે કોઈ અવાજ સાંભળ્યો ? આઈ મીન કોઈ સ્ત્રીનો અવાજ ? અને તમને તાજા મોગરાનાં ફૂલોની સુગંધ આવે છે ? " અભિષેક બોલ્યો.
" નહીં તો. રોડ ઉપર આવતાં જતાં વાહનોના અવાજ સિવાય અહીં બીજા કોઈનો અવાજ સંભળાતો નથી. અને મને કોઈ સુગંધ પણ આવતી નથી. " અંકલ બોલ્યા.
" અંકલ મને કોઈ સ્ત્રીનો સ્પષ્ટ અવાજ સંભળાયો. એણે મને કહ્યું કે -આવી ગયો બેટા ? " અભિષેક બોલ્યો.
" શું વાત કરો છો ! મને ખરેખર કંઈ સંભળાયું નથી. નક્કી જેમનો આ બંગલો છે એ મેડમનો આત્મા હજુ ભટકી રહ્યો છે. પણ તમને બેટા કહીને કેમ સંબોધન કર્યું ? તમારે અને એમને કોઈ સંબંધ હતો ? " અંકલ બોલ્યા.
અભિષેકે પોતાના પિતા અને વનિતા આન્ટી સાથેના સંબંધો ઋષિકેશ અંકલથી ગુપ્ત રાખ્યા હતા. પણ હવે કહ્યા વગર છૂટકો ન હતો.
" અંકલ સાવ સાચું કહું ને તો હું એ મેડમને એટલે કે વનિતા આન્ટીને ઓળખતો જ નથી અને મેં ક્યારેય જોયાં પણ નથી. યોગીજીએ કહ્યું કે મારા પિતાજી સાથે એમના ગુપ્ત સંબંધો હતા. આન્ટી વિધવા હતાં અને એમને કોઈ સંતાન ન હોવાથી મને જ પોતાનો પુત્ર માની વીલ મારા નામે કરી દીધું. " અભિષેક નિખાલસતાથી બોલ્યો.
" તમે જે પણ હો અમારી સામે જો પ્રગટ થઈ શકાય એમ હોય તો પ્રગટ થઈ શકો છો. ન થઈ શકાય તો પણ તમારે જે કહેવું હોય તે અમને કહી શકો છો. હું અભિષેકનો હિતેચ્છુ છું."
ઋષિકેશભાઈ બોલ્યા.
ઋષિકેશભાઇ ગાયત્રીના પ્રખર ઉપાસક હતા એટલે એ એકદમ નીડર હતા. એમને ખ્યાલ આવી જ ગયો હતો કે આટલી મોટી મિલકત મૂકીને ગયા પછી આત્મા આગળ ગતિ કરી શકતો નથી. યોગ્ય વ્યક્તિના હાથમાં ન આવે ત્યાં સુધી આત્મા ભટકતો રહે છે !
" અભિષેક એમના ગાયત્રી મંત્રના તેજના કારણે હું નજીક આવી શકતી નથી. એમને કહે કે દૂર જતા રહે. મારે જે કહેવું છે તે હું તને જ કહીશ. " વનિતાનો ફરી અવાજ આવ્યો.
અભિષેકે ઋષિકેશ અંકલને આ વાત કરી. ઋષિકેશભાઇ સમજી ગયા કે વનિતા સ્થૂળ સ્વરૂપમાં પ્રગટ નહીં થઈ શકે કારણ કે એના માટે પણ સાધનાનું બળ જોઈએ. ઉચ્ચ આત્માઓ જ ધારે ત્યારે સ્થૂળ સ્વરૂપ ધારણ કરી શકે છે. અને પોતાની પાસે ગાયત્રી મંત્રની પાવરફુલ ઉર્જા હોવાથી વનિતા નું સૂક્ષ્મ શરીર એ સહન કરી શકતું નથી. ઋષિકેશભાઇ ગેલેરીમાં જતા રહ્યા.
" ઘણા સમયથી હું તારી રાહ જોતી હતી બેટા. મારા મૃત્યુ પછી છેલ્લા એક વર્ષમાં ત્રણ વાર તારા ઘરે પણ આવી ગઈ છું. પરંતુ મારે તને કહેવું કઈ રીતે ! મેં કહેવાનો પ્રયત્ન પણ કર્યો પણ તું સાંભળી શકતો નહોતો. છેવટે મેં યોગીજીનો સંપર્ક કર્યો અને વિનંતી કરી કે મારા વીલને બને એટલી વહેલી તકે તારા હાથમાં સોંપી દે. છેવટે એમણે તને બોલાવવા માટે પોતાના યોગબળનો ઉપયોગ કર્યો અને આ ઋષિકેશભાઇ દ્વારા તું એમના ઘરે પહોંચી ગયો !" વનિતાનો અવાજ અભિષેકને સંભળાયો.
" હમ્....તમારો અવાજ આજે હું સાંભળી શકું છું તો તમે ત્રણ વખત મારા ઘરે આવ્યાં અને મને કહેવાની કોશિશ કરી ત્યારે કેમ મને તમારો અવાજ ના સંભળાયો ? " અભિષેકે જિજ્ઞાસાથી પૂછ્યું.
" કારણ કે એ વખતે તારું શરીર મારો સૂક્ષ્મ અવાજ સાંભળવા માટે સક્ષમ ન હતું. હિમાલયવાળા મહાન તપસ્વી યોગીએ ઋષિકેશમાં તારામાં શક્તિ પ્રસ્થાપન કર્યું એટલે તારી ફ્રિકવન્સી ઘણી વધી ગઈ. આ એક પ્રકારની સિદ્ધિ જ છે." વનિતા બોલી.
" હવે મારી વાત ધ્યાનથી સાંભળ. તેં બેંક એકાઉન્ટ તારા નામે કરી દીધાં એ જાણીને મને ખૂબ જ ખુશી થઈ છે. હવે આ જે બંગલાની પ્રોપર્ટી છે એના ઉપર મારા ભત્રીજા સમીરની નજર છે. એને બંગલો પડાવી લેવો છે. આ જે સિક્યુરિટી ગાર્ડ મૂક્યો છે એ પણ એણે જ મૂકેલો છે. " વનિતા બોલી રહી હતી.
" મેં વીલ લખાવી દીધું એ પછી મેં એડવોકેટ દોશીને સૂચના આપી હતી કે મારા મૃત્યુ પછી આ બંગલા ઉપર એક નોટિસ મૂકી દેવી કે - આ બંગલાનો સંપૂર્ણ માલિકી હક્ક વનિતા દલાલના વીલ પ્રમાણે ડૉ. અભિષેક મુન્શીનો બને છે. એના સિવાય બીજી કોઈપણ વ્યક્તિ આ બંગલો વેચી શકશે નહીં કે ભાડે પણ આપી શકશે નહીં. જેને પણ ખરીદવામાં રસ હોય એમણે એડવોકેટ દોશીનો સંપર્ક કરવો - નીચે દોશી સાહેબનો ફોન નંબર પણ લખેલો. " વનિતા બોલી રહી હતી. અભિષેક ધ્યાનથી સાંભળી રહ્યો હતો.
" પરંતુ મારા મૃત્યુના ત્રણ મહિના પછી મારા ભત્રીજા સમીરે આ નોટિસ બોર્ડ ઉખાડીને ફેંકી દીધું હતું અને પોતાના તરફથી સિક્યુરિટી ગાર્ડ મૂકી દીધો હતો. જેથી કોઈપણ બિલ્ડર તપાસ કરવા માટે આવે તો સમીરનો જ સંપર્ક કરે. એ સિવાય એનો ઇરાદો એવો પણ હતો કે વીલની તને જાણ થાય અને તું જો અહીં તપાસ કરવા આવે તો ગાર્ડ દ્વારા તરત જ સમીરને જાણ થઈ જાય કે આ અભિષેક કોણ છે ! કારણ કે એ તને ઓળખતો નથી." વનિતા બોલી.
"તો પછી હવે મારે શું કરવું ? એ જો માથાભારે હોય તો પછી મારે આ બંગલાનું વેચાણ કેવી રીતે કરવું ? એ ખોટો ખોટો દાવો કરીને કોર્ટમાં પણ જઈ શકે. લીગલ મેટર થઈ જાય એટલે પછી કોઈ ખરીદે પણ નહીં." અભિષેક બોલ્યો. એ થોડો ટેન્શનમાં આવી ગયો.
" તારે એ ચિંતા કરવાની જરૂર નથી. એણે ઘમપછાડા તો ઘણા કર્યા છે પરંતુ એ ફાવ્યો નથી. યોગીજીએ પોતાની શક્તિઓ કામે લગાડી દીધી છે. હવે એની પાસે એક જ રસ્તો છે. એને ખબર પડશે એટલે એ સીધો તારી પાસે આવીને સોદાબાજીની વાત કરશે અને પોતાનો ભાગ માગશે. બે ત્રણ બિલ્ડરો એની પાસે ગયા પણ હતા પરંતુ એની પાસે કોઈ પેપર્સ નથી એટલે સોદો થઈ શક્યો નથી." વનિતા બોલી.
" તો પછી મારે એને કેવી રીતે હેન્ડલ કરવો ? આવા માણસો તો બહુ જ માથાભારે હોય. પૈસા માટે લોકો છેક છેલ્લી પાટલીએ જતા હોય છે. " અભિષેક બોલ્યો.
" તારી પાસે ઘણી શક્તિઓ છે પણ તને ખબર નથી. એ તારી પાસે આવે તો આવવા દે. તારે ડરવાની જરા પણ જરૂર નથી. એ તારું કઈ જ બગાડી નહીં શકે. તારું સુરક્ષા ચક્ર બહુ જ મોટું છે. અને એવો કોઈ સમય આવશે તો હું પણ તારી સાથે જ રહીશ. તારો સોદો પાર પડી જાય એ પછી જ મારી ગતિ થશે. બસ આટલું જ મારે તને કહેવાનું હતું. " વનિતા બોલી અને એ સાથે જ પેલી મોગરાની સુગંધ એકદમ જ બંધ થઈ ગઈ !
ચર્ચા પૂરી થઈ ગઈ એટલે અભિષેકને ઘણું બધું આશ્ચર્ય થયું. સૂક્ષ્મ જગતમાં રહેલો આત્મા એની સાથે વાત કરી શકતો હતો એ એના માટે ખૂબ જ નવાઈ ભરેલી ઘટના હતી. એની પોતાની જિંદગીમાં પહેલીવાર આ રીતે કોઈ આત્મા સાથે સીધી વાતચીત કરવાનો અનુભવ એને થયો હતો.
અભિષેક ગેલેરીમાં ઉભેલા ઋષિકેશ અંકલ પાસે ગયો અને એમની સાથે બધી જ વાતચીત શેર કરી.
" સિક્યુરિટી ગાર્ડને મેં જોયો ત્યારે જ મને ખ્યાલ આવી ગયો હતો કે કંઈક ગરબડ છે. એટલે જ મેં એક બિલ્ડર તરીકેની ઓળખાણ આપી હતી. જો એ વખતે તમારી સાચી ઓળખાણ આપી હોત તો તરત જ આ ચોકીદાર સમીરને ફોન કરી જ દેવાનો હતો ! કારણ કે નામથી તો સમીર દલાલ તમને ઓળખે જ છે." ઋષિકેશભાઈ બોલ્યા.
" તમારી વાત સાચી છે અંકલ. પણ હવે આપણે શું કરીશું ? " અભિષેક બોલ્યો.
"આપણે કંઈ કરવાનું જ નથી. દોશી સાહેબને બંગલો વેચવાની વાત તમે કરેલી જ છે. એક બે બિલ્ડરો એમના ધ્યાનમાં છે જ. જ્યાં સારો સોદો થઈ શકશે ત્યાં એ પોતે જ સોદો કરી દેશે. તમારે તો પેપર ઉપર તમારી સાઇન જ કરવાની રહેશે. સમીર દલાલ પાસે આ પ્રોપર્ટીના કોઈ જ પેપર નથી એટલે એ આ સોદો અટકાવી શકશે નહીં. " ઋષિકેશભાઈ બોલ્યા.
" હમ્.. તમારી વાત સાચી છે. અને વનિતા આન્ટી પણ મારી સાથે જ છે એટલે જરૂર પડશે તો એ પણ ચમત્કાર બતાવશે. " અભિષેક હસીને બોલ્યો.
એ પછી ઋષિકેશભાઈ અને અભિષેક બંગલાની બહાર નીકળી ગયા.
" અંકલ એક વાત પૂછું ? " ગાડી સ્ટાર્ટ થયા પછી અભિષેક બોલ્યો.
" હા હા પૂછો ને ! " અંકલ હસીને બોલ્યા.
" આ વનિતા આન્ટી એમના મૃત્યુ પછી કાયમ માટે શું આ બંગલામાં જ રહેતાં હશે ? " અભિષેક બોલ્યો.
" ના. સૂક્ષ્મ જગત ઘણું વિશાળ છે. એમને બંગલામાં રહેવાની કોઈ જ જરૂર નથી પરંતુ સૂક્ષ્મ જગતમાં ગમે ત્યાં રહીને પણ એ બંગલા ઉપર નજર રાખી શકે છે. જ્યારે ઈચ્છા થાય ત્યારે એક જ ક્ષણમાં એ બંગલામાં આવી શકે છે. એ તમને બહુ સારી રીતે ઓળખે છે. તમને વીલ મળી ગયું એ પણ એમને ખબર છે. તમે એમને તમામ મૂડી તમારા નામે કરી દીધી એ પણ એમણે જાણી લીધું. એટલે આપણે બંગલામાં પ્રવેશ કર્યો એ એમના ધ્યાનમાં હોય જ. એ જ્યાં પણ હતાં ત્યાંથી તરત જ તમારી સાથે વાત કરવા બંગલામાં આવી ગયાં. " ઋષિકેશભાઇ હસીને બોલ્યા.
" ખરેખર આ સૂક્ષ્મ જગતની દુનિયા પણ સાવ નિરાલી જ છે ! " અભિષેક પણ હસીને બોલ્યો.
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)