અભિષેક પ્રકરણ 5
અભિષેકને એનાં કાન્તાફોઈએ કન્યા જોવા માટે અમદાવાદ બોલાવ્યો હતો. ફોઈએ એમની કઝીન નણંદની દીકરી રેખા સાથે અભિષેકનું ચોકઠું ગોઠવ્યું હતું.
રેખા સાથે મીટીંગ વખતે રેખાએ અભિષેકને જણાવ્યું હતું કે ફોઈએ અભિષેકનો પચાસ હજારમાં સોદો કર્યો હતો. રેખા સાથે અગાઉ છ છોકરાઓ મીટીંગ કરી ચૂક્યા હતા પરંતુ કોઈ જગ્યાએથી હા આવતી નહોતી.
રેખા પાસે આટલી રકમની વ્યવસ્થા ન હોવાથી એણે અભિષેકને વિનંતી કરી હતી કે એ રેખાને રીજેક્ટ કરી દે જેથી પૈસા આપવા ના પડે. પરંતુ રેખાની વાત સાંભળીને અભિષેકને એના ઉપર દયા આવી અને લાગણીથી એણે રેખાને હા પાડી.
"મારા તરફથી હા છે. હું લગ્ન કરવા તૈયાર છું. અને ફોઈને આપવાના પચાસ હજાર હું જ તમને આપી દઈશ." અભિષેક બોલ્યો.
અભિષેકની વાત સાંભળીને રેખા ચમકી ગઈ. પહેલી વાર કોઈએ એને હા પાડી હતી અને એ પણ એક ડોક્ટરે ! પોતે તો માત્ર બી.કોમ જેટલું ભણેલી હતી અને દેખાવમાં પણ એવી કોઈ સુંદર ન હતી. છતાં આ યુવાને એને સિલેક્ટ કરી હતી એટલું જ નહીં પણ ૫૦૦૦૦ આપવાની પણ વાત કરી હતી ! પરંતુ તરત એને સમજાઈ ગયું કે અભિષેકે માત્ર દયાની લાગણીથી જ લગ્ન માટે હા પાડી છે.
" ના અભિષેક. તમારે મારી દયા ખાવાની કોઈ જ જરૂર નથી. લગ્ન કર્યા વગર પણ હું સુખી જ છું. લગ્ન નહીં કરું તો કમ સે કમ હું મારી મમ્મીને તો સંભાળી શકીશ ! હું તમારે લાયક બિલકુલ નથી. તમે પ્લીઝ મને રિજેક્ટ કરી દો. હું તમને બે હાથ જોડું છું. મને તમારાથી કોઈ ફરિયાદ નથી. તમે એક સજ્જન વ્યક્તિ છો." વાત કરતાં કરતાં રેખાનું દિલ ભરાઈ આવ્યું.
" મારો નિર્ણય મેં દિલથી લીધો છે. મેં તમારી દયા ખાઈને આ નિર્ણય લીધો નથી. ફોઈને હું કોઈ વાત નહીં કરું. હું તમને ૫૦૦૦૦ પહોંચાડી દઈશ. " અભિષેક બોલ્યો.
" તમને મારા સમ. તમે એક ડોક્ટર છો. તમારી સામે એક સારું ભવિષ્ય પડ્યું છે. તમારે મારી સાથે લગ્ન કરીને આટલું બધું કોમ્પ્રોમાઇઝ કરવાની કોઈ જરૂર નથી. આપણી જોડી જરા પણ શોભે એવી નથી. મારી વાત ધ્યાનથી સાંભળો. હું તમને એક નંબર આપું છું એ સેવ કરી લો. " રેખા બોલી અને મોબાઈલમાંથી સર્ચ કરી એની એક ફ્રેન્ડ અંજલીનો નંબર અભિષેકને આપ્યો.
" આ મારી એક ફ્રેન્ડ અંજલીનો નંબર છે. આમ તો એ અમારા રિલેશનમાં જ થાય છે. મુંબઈમાં રહે છે. નજર લાગી જાય એટલી સુંદર છે. તમને જોતાં જ ગમી જશે. સોફ્ટવેર એન્જિનિયર છે. એના પપ્પાનું નામ જીતેન્દ્ર જોષી છે. એ પોતે પણ ખૂબ જ આધ્યાત્મિક છે. એની મમ્મી અને એનો એક નાનો ભાઈ પણ છે. હું એની સાથે આજે રાત્રે વાત કરી લઈશ. તમારો નંબર પણ આપી દઈશ. તમારા માટે એ ખૂબ જ યોગ્ય પાત્ર છે ! " રેખા બોલી અને એણે અભિષેકનો નંબર પણ સેવ કરી લીધો.
" પણ તમે આવું શા માટે કરો છો ? હું તમને જોવા આવ્યો છું અને તમે મને બીજા કોઈની ઓળખાણ કરાવો છો !" અભિષેક બોલ્યો.
" કારણ કે તમે અંજલીને લાયક છો. તમે પહેલા એવા વ્યક્તિ મને મળ્યા છો કે મને તમારા માટે માન ઉપજ્યું છે. તમારા માટે કંઈક કરી છૂટવાનો મને આનંદ છે. અંજલી ખૂબ જ સુંદર અને સંસ્કારી છોકરી છે. " રેખા બોલી.
" તમે એને કેવી રીતે ઓળખો ? અને તમારા કહેવાથી એ મારી સાથે લગ્ન થોડી કરે ? " અભિષેકે પૂછ્યું.
" અહીં રાજા મહેતાની પોળમાં જ અંજલીના સગા મામાનું ઘર છે. અમારા ઘરથી ચોથું ઘર એમનું. છેલ્લા ચાર વર્ષથી વેકેશનમાં ૧૫ ૨૦ દિવસ માટે એ અહીં રહેવા માટે આવે છે. ક્યારેક ઉનાળામાં આવે તો ક્યારેક દિવાળી ઉપર આવે. એ જ્યારે આવે ત્યારે અમારા બેઉની જ કંપની. એ મારા ઘરે આવે કાં તો હું એના ઘરે જાઉં. હું તમારી ભલામણ કરું એટલે એ મને એક સવાલ ના પૂછે. એનો ફોન સામેથી તમારી ઉપર આવશે." રેખા બોલી.
" મને હજુ વિશ્વાસ નથી આવતો કે માત્ર તમારા કહેવાથી એ લગ્ન માટે તરત હા પાડી દે. એ હા પાડે કે ના પાડે પણ તમારું દિલ ખૂબ જ વિશાળ છે. તમારો જેટલો આભાર માનું એટલો ઓછો છે. મારે લગ્નનો જલ્દી નિર્ણય લેવો પડશે કારણ કે ખાવા પીવાની તકલીફ છે. મમ્મીના ગયા પછી ઘરમાં હું એકલો જ છું. " અભિષેક બોલ્યો.
"તમે ચિંતા નહીં કરો. મને તમારા વિશે થોડી વાત કરો જેથી હું અંજલીને જણાવી શકું. તમે ક્યાં રહો છો ? ડૉક્ટર છો એ તો મને ખબર છે પણ હાલમાં ક્લિનિક છે કે જોબ કરો છો ?" રેખા બોલી.
" દહીસર વેસ્ટમાં મારો પોતાનો ત્રણ બેડરૂમનો વિશાળ ફ્લેટ છે. પિતા નથી. મમ્મીનું સવા મહિના પહેલાં અવસાન થયું છે. બોરીવલીની ટ્રસ્ટની એક હોસ્પિટલમાં હું આર.એમ.ઓ તરીકે સેવાઓ આપું છું. મારો પગાર દોઢ લાખ રૂપિયા છે. મારા ફોટાની જરૂર હોય તો એ પણ તમને આપું." અભિષેક બોલ્યો.
" મારે તમારો પગાર જાણવાની કે ફોટાની પણ જરૂર નથી. આટલો પરિચય પૂરતો છે. મારી ભલામણ જશે એટલે એ આંખ બંધ કરીને હા પાડશે. મેં એને નવું જીવન આપ્યું છે." રેખા બોલી.
" એ કેવી રીતે ? મને તમારી વાતમાં રસ પડ્યો છે. " અભિષેક બોલ્યો.
" સસ્પેન્સ !! એ બધી વાત તમને અંજલી જ કરશે. એના મોંઢે સાંભળવામાં તમને વધારે મજા આવશે. " રેખા હસીને બોલી.
" તમારે ભવિષ્યમાં મારી કોઈપણ જાતની મદદની જરૂર હોય તો વિના સંકોચે કહેજો. અને જો તમારી પાસે ગૂગલ પે હોય તો ઠીક છે નહીં તો તમારો એકાઉન્ટ નંબર મારા મોબાઇલમાં મોકલી આપો. હું તમને એક નાનકડી મદદ કરવા માગું છું. તમે ના ન પાડતા નહીં તો મારે હવે તમને સોગંદ આપવા પડશે." અભિષેક બોલ્યો.
" મારે આર્થિક મદદની અત્યારે કોઈ જરૂર નથી પ્લીઝ. " રેખા બોલી.
" મેં કહ્યું ને કે મારે સોગંદ આપવા પડશે. ચૂપચાપ તમે એકાઉન્ટ નંબર આપી દો. હું તમને લાખોનું દાન કરવાનો નથી. હું મારી ભાવિ સાળીને એક નાનકડો ટેકો કરવા માગું છું. " અભિષેક હસીને બોલ્યો.
" તમારી આવી લાગણીભરી વાતો સાંભળીને મારું હૈયું ભરાઈ આવે છે. આજ સુધી કોઈએ મારી સાથે આવી રીતે વાત જ નથી કરી અભિષેક. " રેખા બોલી.
" બસ તો પછી તમારો એકાઉન્ટ નંબર જો તમારા મોબાઇલમાં હોય તો મને ફોરવર્ડ કરો." અભિષેક બોલ્યો.
રેખાએ અભિષેકના નંબર ઉપર પોતાનો સ્ટેટ બેંકનો એકાઉન્ટ નંબર મોકલી આપ્યો.
અભિષેકને સ્વામીજીના શબ્દો યાદ આવ્યા કે આ જનમમાં પાછલા જનમના પાપકર્મનું પ્રાયશ્ચિત કરવાનું છે. તો કોઈને મદદ કરવી એ પણ એક પૂણ્યનું કામ જ છે ને !
અભિષેકે એકાઉન્ટ નંબર એડ કરીને પોતાના એકાઉન્ટમાંથી રેખાના ખાતામાં પચાસ હજાર ટ્રાન્સફર કરી દીધા.
"અરે અભિષેક આટલી મોટી રકમ ?" રેખા ચમકીને બોલી.
"ત્રીજા ભાગનો સેલેરી નહોતો આવ્યો એમ સમજી લઈશ. બાકી તમારી ફેમિલીને મદદ કરવાનો મને જે આનંદ છે એ હું વર્ણવી શકતો નથી." અભિષેક હસીને બોલ્યો.
રેખાએ માંડ માંડ રડવું રોકી રાખ્યું. એનું દિલ ભરાઈ આવ્યું. એને મળવા આવેલો આ યુવાન કઈ માટીનો છે ! દિલની આટલી બધી ઉદારતા !!
" હવે હું રજા લઉં. મુંબઈ પહોંચીને અંજલીનો સંપર્ક હું જરૂર કરીશ. " અભિષેક બોલ્યો.
" અંજલી તમારી થઈ ચૂકી સમજો. આ મારું પ્રોમિસ છે ! પરંતુ તમે સામેથી ફોન ના કરતા. એના ફોનની રાહ જોજો પ્લીઝ. " રેખા બોલી.
" ઓકે. છેલ્લે છેલ્લે એક સવાલ પૂછું ? " અભિષેક બોલ્યો.
" હા હા પૂછો ને ! " રેખા બોલી.
" મેથીના ગોટા બહુ સરસ બન્યા હતા પરંતુ ગરમા ગરમ ગોટા સાથે બરફ જેવા ઠંડા ફેન્ટાનું કોમ્બિનેશન ખાસ જામ્યું નહીં." અભિષેક હસીને બોલ્યો.
રેખા હવે ખડખડાટ હસી પડી.
" આપણી જોડી જામે નહીં એટલા માટે. તમે મને મણીબેન સમજીને રિજેક્ટ કરી દો એટલા માટે આવો આઈડિયા કર્યો ! જુઓને આજે હું તૈયાર પણ થઈ નથી." રેખા બોલી.
એ પછી બંને જણાં મેડી ઉપરથી નીચે આવ્યાં. અભિષેક અને રેખા જે રીતે ઉપર હસી રહ્યાં હતાં એ હાસ્ય સાંભળીને નીચે બેઠેલાં તરલિકાબેન અને ફોઈ એમ જ સમજ્યાં કે નક્કી આ બંનેએ એકબીજાને પસંદ કરી લીધાં છે !
" ચાલો ફઈબા જઈએ. મારો જવાબ હું પછીથી આપીશ." નીચે આવીને અભિષેક બોલ્યો.
ફોઈએ પ્રશ્નાર્થ નજરે રેખાની સામે જોયું પણ રેખાએ ચહેરા ઉપર કોઈ રિએક્શન ના આવવા દીધું.
છેવટે ફોઈ ઊભાં થયાં. જવાબ જાણવાની એમની ખૂબ જ તાલાવેલી હતી પરંતુ બંનેમાંથી કોઈએ પણ એમને જણાવા ના દીધું.
તરલિકાની વિદાય લઈને ફોઈ બહાર નીકળી ગયાં અને અભિષેકની સાથે ચાલવા લાગ્યાં.
" અરે પણ બેટા થયું શું ? તું કંઈક વાત તો કર. " પોળમાંથી બહાર આવ્યા પછી ફોઈએ પૂછ્યું.
" ઘરે જઈને શાંતિથી વાત કરું છું ફઈબા." અભિષેક બોલ્યો.
એને ફોઈ ઉપર ખૂબ જ ગુસ્સો ચડ્યો હતો. ફોઈએ ભત્રીજાની દલાલી કરી હતી. પોતાને મેડિકલ કોલેજમાં ૫૦૦૦૦ ની જરૂર હતી ત્યારે મમ્મીને એક રૂપિયાની મદદ કરી ન હતી અને હવે પોતાની મેડિકલની ડિગ્રી વટાવીને પેલા ગરીબ પરિવાર પાસેથી ૫૦૦૦૦ ખંખેરી લેવા હતા ! કેવી માનસિકતા !
" મને એ છોકરી બિલકુલ પસંદ નથી ફઈબા. સાવ ગામડીયા જેવી છે. તમે જોયું નહીં ? મેથીના ગોટા સાથે ચા હોય કે ફેન્ટા ? કોઈ જાતનું કલ્ચર જ નથી." ઘરે જઈને અભિષેક બોલ્યો.
" પણ તો પછી તમે બંને હસતાં કેમ હતાં ? " ફોઈ બોલ્યાં.
" અરે એ તો મેં એને મોઢા ઉપર ના પાડી દીધી એટલે એ થોડી અપસેટ થઈ ગઈ હતી એટલે પછી મેં એને મૂડમાં લાવવા એક મસ્ત જૉક સંભળાવ્યો." અભિષેકે વાર્તા કરી.
" હવે અત્યારે તારા માટે જમવાનું શું બનાવું ? " ફોઈ બોલ્યાં પણ અત્યારે એમના અવાજમાં સવાર જેવો રણકો ન હતો. એમનું મન ખાટું થઈ ગયું હતું. ભત્રીજો ધાર્યા કરતાં ઘણો હોંશિયાર નીકળ્યો હતો.
" ના ફઈબા અત્યારે તો હવે હું નીકળું છું. હું રેખા સાથે વાત કરતો હતો ત્યારે જ મારા અમદાવાદના એક ફ્રેન્ડનો ફોન હતો. આજનો દિવસ હું અમદાવાદમાં છું એવું મેં એને ગઈ કાલે કહેલું એટલે એણે મને વસ્ત્રાપુર બાજુ કોઈ હોટલમાં અત્યારે જમવાનું આમંત્રણ આપ્યું છે. મને વસ્ત્રાપુર પહોંચતાં જ અડધો કલાક લાગશે. ત્યાંથી સ્ટેશન પણ દૂર છે એટલે મારે અત્યારે જ નીકળી જવું પડશે. " અભિષેક બોલ્યો. એ હવે અહીં એક મિનિટ પણ રહેવા માંગતો ન હતો.
" ઠીક છે તો પછી. બીજું તો હું તને શું કહું ? તારાં જલ્દી લગન થઈ જાય એટલા માટે ફઈબાએ તારા માટે આટલી કોશિશ કરી પણ આટલી સારી છોકરી તને પસંદ ના આવી ! " ફોઈ બોલ્યાં.
" તમે મારાં લગન રેખા સાથે થઈ જાય એના માટે ઘણી કોશિશ કરી છે ફઈબા પણ મારી જિંદગીનો સવાલ છે એટલે મારે એવી ઉતાવળ કરવી નથી. મને માફ કરી દેજો. " કહીને થોડું પાણી પી પોતાની બેગ પીઠ ઉપર લટકાવીને અભિષેક બહાર નીકળી ગયો.
થોડુંક ચાલીને એ ગાંધી રોડ ઉપર આવી ગયો. સાંજના પોણા સાત વાગ્યા હતા. ટ્રેઈન રાત્રે દસ વાગ્યાની હતી. સમય ક્યાં પસાર કરવો એની કોઈ સૂઝ પડતી ન હતી. અઠવાડિયા પહેલાં સ્ટેશન રોડ ઉપર એ જે હોટલમાં રોકાયો હતો ત્યાં જ જવાનું એણે નક્કી કર્યું અને ચાલવા લાગ્યો.
પંદરેક મિનિટમાં હોટલ આવી ગઈ. ત્રણેક કલાક માટે એણે હોટલ બુક કરી લીધી અને ચાવી લઈને પોતાના રૂમમાં ગયો. હોટલ પ્રમાણમાં સારી હતી અને ભાડું પણ માત્ર ૧૨૦૦ જ હતું.
એ બેડ ઉપર આડો પડ્યો અને રેખાના વિચારે ચડી ગયો. ઘર સાવ સામાન્ય હતું. છોકરી સ્વભાવે ઘણી સારી હતી. ચહેરો સામાન્ય હતો અને ઉંમરના પ્રમાણમાં જાડી હતી એટલે જલ્દી કોઈ પસંદ કરતું ન હતું. એણે અભિષેકનું લાગણીભર્યું વર્તન જોઈને એની ફ્રેન્ડનો નંબર આપ્યો હતો.
અભિષેક રાત્રે ૮ વાગે એની હોટલની સામેના રેસ્ટોરન્ટમાં જમી આવ્યો અને ૯ વાગે હોટલ ચેક આઉટ કરી દીધી.
ફરી પાછો એ એક નંબરના પ્લેટફોર્મ ઉપર આવીને બેસી ગયો. ગુજરાત મેલ હજુ પ્લેટફોર્મ ઉપર મૂકાયો ન હતો.
દસેક મિનિટ પછી ટ્રેઈન મુકાઈ ગઈ એટલે અભિષેક પોતાના થ્રી ટાયર એસી કોચમાં વિન્ડો પાસે બેસી ગયો.
સવારે સાડા પાંચ વાગે ગુજરાત મેલ બોરીવલી સ્ટેશનને પહોંચી ગયો. અભિષેકે ત્યાંથી લોકલ ટ્રેન પકડી અને દહીંસર આવી ગયો.
સવારનું બધું રૂટીન કામ પતી ગયું એટલે અભિષેક હોસ્પિટલ પહોંચી ગયો અને પોતાની ડ્યુટી સંભાળી લીધી.
બે દિવસ શાંતિથી પસાર થઈ ગયા. ત્રીજા દિવસે રાત્રે જમી પરવારીને અભિષેક સૂવાની તૈયારી કરતો હતો ત્યાં જ એના વ્હોટસએપ ઉપર રેખાએ જેની વાત કરી હતી એ એની ફ્રેન્ડ અંજલીનો મેસેજ આવ્યો.
# હાય ધીસ ઈઝ અંજલી. રેખાની ફ્રેન્ડ ! "
રેખાએ બહુ ઝડપથી પોતાનું વચન પાળ્યું હતું.
# યસ. આઈ એમ ડૉ. અભિષેક મુન્શી. વેલકમ અંજલી. દિલથી તમારું સ્વાગત છે 😊
અંજલીએ ડીપીમાં પોતાના ફોટાની જગ્યાએ શિવલિંગનો ફોટો રાખ્યો હતો એટલે એ કેવી દેખાય છે એ ખ્યાલ નહોતો આવતો. જો કે રેખાએ એના સૌંદર્યની ખૂબ જ પ્રશંસા કરી હતી.
# રેખાએ તમારી ખૂબ જ પ્રશંસા કરી છે. હું તમારી સાથે જ લગ્ન કરું એવો એણે ભારપૂર્વક આગ્રહ રાખ્યો છે. રેખા ખૂબ જ મેચ્યોર્ડ છે. એ વ્યક્તિની આરપાર જોઈ શકે છે. એણે જ્યારે આટલી બધી તમારી પ્રશંસા કરી હોય ત્યારે મારે તમારો કોઈ જ ઇન્ટરવ્યૂ લેવો નથી. હું મેરેજ માટે તૈયાર છું ડૉક્ટર સાહેબ ! "
# આઈ એમ એક્સાઇટેડ એન્ડ વેરી હેપી ટૂ ! મારી જિંદગીમાં તમારું સ્વાગત કરું છું અને રેખાનો પણ દિલથી આભાર માનું છું. આજનો દિવસ મારા માટે ખુશીઓથી ભરેલો છે. તમે મને અભિષેક કહેશો તો ચાલશે. "
# મી ટૂ માય લવ . અને હવે તમે તો મારા પતિદેવ છો. થોડુંક રિસ્પેક્ટ તો મારે તમને આપવું જ જોઈએ ! છતાં તમે કહો છો તો હવે ડૉક્ટરના બદલે અભિષેક કહીશ. મારા શિવલિંગ સાથે તમારા અભિષેકનું સરસ કોમ્બિનેશન થાય છે. 😊"
# હમ્ ... ડીપીમાં શિવલિંગનાં દર્શન તો કર્યાં પરંતુ વૉટ્સએપમાં તમારાં દર્શન તો કરાવો દેવીજી ! મારો ફોટો તો ડીપીમાં તમે જોઈ લીધો. "
# તમે તો ખૂબ જ હેન્ડસમ છો અભિષેક ! પણ ઘૂંઘટ ઉઠાવવાની હજુ વાર છે. લગન તો થવા દો !
# તમે વાતો બહુ સરસ કરો છો અને રોમેન્ટિક પણ છો. આઈ લવ યુ અંજલી. હવે રૂબરૂ દર્શન ક્યારે આપો છો ?"
# દર્શન માટે તો તમારે હજુ બે વર્ષ રાહ જોવી પડશે. હું સોફ્ટવેર એન્જિનિયર છું અને જૉબ માટે હજુ ગયા મહિને જ કેનેડા આવી છું. મારે અહીં ઓછામાં ઓછો બે વર્ષનો કરાર છે. રેખાને આ બધી ખબર નથી. "
# મારે તમારી તાત્કાલિક જરૂર છે અંજલી. બે વર્ષ હું પસાર કરી શકું તેમ નથી. ઘરમાં હું એકલો જ છું. સવા મહિના પહેલા મમ્મીનું અવસાન થયું છે. રસોઈ કરનાર કોઈ નથી. હું ટિફિન અને હોટલનું ખાઈ ખાઈને કંટાળ્યો છું. તમે જૉબ અને કેનેડા છોડી દો. પૈસા ભરવા પડે તો હું પૈસા ટ્રાન્સફર કરીશ. "
# તમારી વાત હું સમજી શકું છું અને મમ્મીના ગયાનું મને પણ દુઃખ છે પણ આ બાબતમાં આટલો ઝડપથી નિર્ણય ના લઈ શકું અભિષેક. મારે મેનેજમેન્ટ સાથે વાત કરવી પડે. બૉન્ડ, ટર્મ્સ અને કન્ડિશન મારે સમજવી પડે. મને થોડો સમય આપો પ્લીઝ. "
# ઠીક છે. મને આ બાબતમાં બહુ ખબર નથી એટલે વધારે તો શું કહું ? પણ મને તમારી જલ્દી જરૂર છે એટલામાં સમજી જાઓ. "
# ઓકે માય લવ. ઇન્ડિયા પ્રમાણે ગુડ નાઈટ.... યોર અંજલી. "
અને ફોન કટ થઈ ગયો. અભિષેક થોડી વાર મોબાઇલ સામે બસ જોઈ જ રહ્યો !! અંજલીની રોમેન્ટિક વાતો સાંભળીને એ રંગીન દુનિયામાં ખોવાઈ ગયો !!!
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)