Abhishek - 9 in Gujarati Fiction Stories by Ashwin Rawal books and stories PDF | અભિષેક - ભાગ 9

Featured Books
Categories
Share

અભિષેક - ભાગ 9

અભિષેક પ્રકરણ 9

અભિષેક કારતક સુદ એકાદશીના દિવસે ઋષિકેશ અંકલ સાથે સિક્કા નગર યોગીજીના ઘરે ગયો હતો અને યોગીજીએ એને એના પૂર્વજન્મ વિશે વાત કહી હતી અને સાથે સાથે એ રહસ્ય પણ ખોલ્યું હતું કે એના પિતા એક અતિશ્રીમંત વિધવા સ્ત્રીના સંબંધમાં હતા અને એ સ્ત્રીએ અભિષેક માટે વીલ બનાવ્યું હતું ! 

" તારા ઉપર થયેલી આ બધી જ કૃપા આપણા મહાયોગી નિર્મલાનંદજીની છે ! હું તો માત્ર નિમિત્ત બન્યો છું." યોગીજી બોલ્યા.  

" જી ગુરુજી. " અભિષેક બોલ્યો. એ યોગીજીની વાતોથી સ્તબ્ધ થઈ ગયો હતો. 

" હું તને અત્યારે જ વીલ સોંપી દઉં છું. વનિતાનો ૮૦૦ ચોરસ વારનો એક વિશાળ બંગલો ખાર લિંકિંગ રોડ ઉપર છે. બંગલો પ્રાઈમ લોકેશન ઉપર છે. દોશી સાહેબ કહેતા હતા કે બે બિલ્ડરોની નજર એ પ્રોપર્ટી ઉપર છે. એમના કહેવા પ્રમાણે અત્યારે એ બંગલાની કિંમત ૭૫ થી ૮૦ કરોડ ગણાય છે. દોશી સાહેબના જાણીતા બે બિલ્ડરો છે. જો તારે એ પ્રોપર્ટી વેચી નાખવી હોય તો આટલી રકમ તને આરામથી મળી જશે. " યોગીજી બોલી રહ્યા હતા. 

" એ સિવાય વનિતાના ખાતામાં જે પણ રકમ છે. એના લોકરમાં જે પણ જ્વેલરી છે એ બધી જ તને મળી રહી છે. એના માટે તારે દોશી સાહેબને મળવું પડશે અને કેટલીક લીગલ ફોર્માલિટી કરવી પડશે જેથી બેંકમાંથી તને એ રકમ મળી શકે. " યોગીજી બોલ્યા અને ઊભા થઈને કબાટમાંથી એક સીલ કરેલું કવર કાઢ્યું અને અભિષેકને આપ્યું. સાથે સાથે દોશી સાહેબનું કાર્ડ પણ આપ્યું. 

" બસ મારી ફરજ આજે પૂરી થઈ ગઈ. તારા પૂર્વ જન્મ વિશે જે પણ માહિતી મેં તને આપી એ હનુમાનજી દ્વારા મને આજે ધ્યાનમાં પ્રાપ્ત થઈ છે. હનુમાનજીની કૃપાથી જ એ મહાન યોગી નિર્મલાનંદજી સાથે મારો સંપર્ક થયેલો છે. " યોગીજી બોલ્યા.

" જી ગુરુજી. મારે રાજકોટ જવું જ પડશે ? " અભિષેક બોલ્યો. 

" હા. ભારતીબેનની છેલ્લા દિવસોમાં સેવા કરીને જ તું એમણે આપેલા અભિશાપમાંથી મુક્ત થઈશ. જે તને શાપ આપે છે એ જ તને માફ કરી શકે છે. અને શાપમુક્તિ સુધી તારે લગ્ન કરવાનાં નથી. નહીં તો તારું લગ્નજીવન ખંડિત થઈ શકે છે !" યોગીજી બોલ્યા. 

" જી ઠીક છે ગુરુજી. હવે જલ્દીથી હું રાજકોટ જવાનો પ્લાન કરું છું. " અભિષેક બોલ્યો. 

" મારા આશીર્વાદ અને તારા મહાન ગુરુ યોગી નિર્મલાનંદજીના આશીર્વાદ હંમેશા તારી સાથે છે. ચાલો આપણે હવે બહાર બેસીએ. ઋષિકેશભાઈ બહાર વેઇટ કરી રહ્યા છે. " યોગીજી બોલ્યા અને ઉભા થયા. 

અભિષેકે ફરીથી હનુમાનજીની મૂર્તિ સામે ભાવપૂર્વક નમસ્કાર કર્યા અને યોગીજીની સાથે બહાર આવ્યો. 

" આજે તો બહુ લાંબી વાતો ચાલી યોગીજી ! " ઋષિકેશભાઇ બોલ્યા. 

" જી ઋષિકેશભાઈ. આજે ઘણાં રહસ્યો ખોલી નાખ્યાં. હું પણ એક જવાબદારીમાંથી મુક્ત થઈ ગયો. અભિષેક ખૂબ જ  નસીબદાર છે. એને ગાયત્રી મંત્રની દીક્ષા આપનાર એક મહાયોગી છે. એ મહાયોગીએ અભિષેકને એક બે સિદ્ધિઓ પણ આપી છે અને એ સમય આવ્યે કામ કરશે. એમની જ કૃપાથી આજે અભિષેક કરોડોપતિ બની ગયો છે. ઈશ્વરની લીલાને કોણ જાણી શક્યું છે ? " યોગીજી બોલ્યા. 

" આ તો તમે બહુ સારા સમાચાર આપ્યા. અભિષેકની ખુશીમાં મારી પણ ખુશી છે. આ બધી પ્રારબ્ધની વાત છે યોગીજી. હવે મારી દીકરી શિવાની માટે દાદાને પ્રાર્થના કરો કે જલ્દીથી એને લાયક કોઈ સારું પાત્ર મળી જાય. " ઋષિકેશભાઇ બોલ્યા. 

" મળી જ જશે. એના નસીબમાં સારું પાત્ર જ લખેલું છે. સમય પાકે એટલે આપોઆપ પાત્ર સામે આવી જાય. હજુ એક વર્ષ રાહ જોવી પડશે. " યોગીજી બોલ્યા. 

" જી યોગીજી. તમારાં વચનોમાં વિશ્વાસ છે. અમે હવે રજા લઈએ. " ઋષિકેશભાઇ બોલ્યા અને અંદર જઈને હનુમાનજીનાં ચરણોમાં ૧૦૦૧ મૂકી આવ્યા. 

એ પછી યોગીજીનાં ચરણસ્પર્શ કરીને બંને જણા બહાર નીકળી ગયા. 

" તમે કરોડોપતિ બની ગયા એ વળી શું વાત છે અભિષેક ? યોગીજીની વાત મને સમજાઈ નહીં." નીચે ઉતર્યા પછી ઋષિકેશભાઈએ અભિષેકને સવાલ કર્યો. 

" અહીં ચાલતાં ચાલતાં મજા નહીં આવે. આપણે ચર્ની રોડ સ્ટેશને પહોંચી જઈએ પછી ત્યાં બેસીને હું તમને બધી વાત કરું." અભિષેક બોલ્યો અને એણે સામેથી આવતી ટેક્સીને ઉભી રાખી. 

બંને જણા સ્ટેશને પહોંચી ગયા અને  પ્લેટફોર્મ ઉપર ગોઠવેલા એક બાંકડા ઉપર બેઠા. 

" યોગીજીએ આજે મને ઘણી બધી વાતો કરી છે અંકલ. પહેલાં તો મને એમણે મારા પૂર્વજન્મ વિશે કહ્યું. મારો પૂર્વજન્મ રાજકોટમાં થયો હતો અને ત્યાં નશામાં મારી ગાડીથી સ્કૂટર ઉપર જતા એક યુગલને મેં  ટક્કર મારી હતી. યુવાનનું મૃત્યુ થયું હતું. જ્યારે એની ગર્ભવતી પત્ની બચી ગઈ હતી પરંતુ એને ગર્ભપાત થઈ ગયો હતો." અભિષેક બોલતો હતો.  

" આ પાપ મને લાગેલું છે. અને આ પાપના નિવારણ માટે મારે મુંબઈ છોડીને રાજકોટ જવું પડશે અને ત્યાં એ સંતાન વગરની સ્ત્રી જે અત્યારે વૃદ્ધાવસ્થામાં છે એના ઘરે રહીને મારે એની સેવા કરવી પડશે. " અભિષેક બોલી રહ્યો હતો. 

" એમણે એ પણ કહ્યું કે એ સ્ત્રીનું આયુષ્ય હવે લગભગ દોઢ વર્ષનું છે અને એ જ્યાં સુધી હયાત છે ત્યાં સુધી મારે લગ્ન કરવાનાં નથી. મને જો કે એક સારું પાત્ર મળી ગયું છે પરંતુ લગ્ન તો દોઢ બે વર્ષ પછી જ કરી શકીશ." અભિષેક બોલ્યો. 

" એ વાત હું સમજી શકું છું. કારણ કે કોઈપણ કર્મની સજા તો ભોગવવી જ પડે છે. કર્મનો સિદ્ધાંત અટલ છે. એ વિધવા સ્ત્રી જો હયાત હોય તો તમારે એની સંભાળ રાખવી જ પડે. તમારા કારણે એણે પોતાનો પતિ અને પોતાનું સંતાન ગુમાવી દીધું છે. એણે તમને ઘણા શાપ પણ આપ્યા હશે." ઋષિકેશભાઈ બોલ્યા. 

" હા અંકલ. યોગીજીએ પણ મને એ જ વાત કરી. હવે બીજી વાત એવી છે કે મારાં દૂરનાં સંબંધી વનિતા આન્ટીએ પોતાને કોઈ સંતાન ન હોવાથી એમના મૃત્યુ પહેલાં મારા નામનું વીલ બનાવ્યું છે. મને એમની મિલકતનો વારસદાર બનાવ્યો છે. વનિતા આન્ટી શ્રીમંત હતાં. એમનો ૮૦૦ ચોરસ વારનો બંગલો લિન્કિંગ રોડ ખાર ઉપર છે. જેની કિંમત અત્યારે  ૭૫ ૮૦ કરોડ જેટલી છે. એ ઉપરાંત એમની જ્વેલરી અને બેંકોમાં પડેલા એમના પૈસા પણ મારા નામે કરેલા છે. " અભિષેક બોલ્યો. 

પોતાના પિતા સાથેના ગુપ્ત સંબંધોના કારણે વનિતાએ અભિષેકના નામે વીલ બનાવ્યું છે એ વાત એણે ટાળી દીધી. 

" આ તો બહુ મોટી વાત કહેવાય અભિષેક. તમારી તો આખી જિંદગી બદલાઈ જશે. જેમનો આવડો મોટો ખારમાં બંગલો હોય એમની જ્વેલરી અને પૈસા પણ દસ પંદર કરોડથી ઓછા ના હોય. મતલબ કે સો કરોડ જેવી રકમ તમારા હાથમાં આવશે. તમારું તો કિસ્મત જ બદલાઈ જશે. ખૂબ ખૂબ અભિનંદન અભિષેક ! " ઋષિકેશભાઇ બોલ્યા. 

" હવે મારી મૂંઝવણ એ છે કે પહેલાં દોઢ વર્ષ રાજકોટ જઈને આન્ટીની સેવા કરી આવું કે પહેલાં આ બધી મિલકત મારા નામે કરીને પછી રાજકોટ જાઉં ? " અભિષેક બોલ્યો. 

" મારું માનો તો આ તમામ સ્થાવર જંગમ મિલકત તમારા નામે લઈને એનો જે પણ વહીવટ કરવો પડે એ પહેલાં કરી દો. કારણકે એમાં વકીલ દ્વારા તમારે કેટલીક લીગલ ફોર્માલિટી કરવી પડશે. જો તમારે ત્યાં રહેવા ના જવું હોય અને બંગલો ખરીદવા માટે કોઈ બિલ્ડર તૈયાર હોય તો એને વેચીને તમામ રકમ બેંકમાં મૂકી દો અથવા એફ.ડી કરી દો. તમારે કોઈ હોશિયાર સલાહકારની જરૂર પડશે. " ઋષિકેશભાઇ બોલ્યા. 

" કોઈ દોશી સાહેબ કરીને એડવોકેટ યોગીજી પાસે છે. એમણે જ આ વીલ તૈયાર કર્યું છે. બંગલો ખરીદનાર બે બિલ્ડર આ દોશી સાહેબ પાસે ચક્કર મારે છે. " અભિષેક બોલ્યો. 

" તો તો પછી તમારે વહેલી તકે દોશી સાહેબને મળવું જોઈએ. તમે તમામ ફોર્માલિટી પતાવી દો. હું જાણું છું ત્યાં સુધી વીલના આધારે રજીસ્ટ્રાર ઓફિસમાં જઈને બંગલો તમારા નામે કરવો પડશે. એ જ પ્રમાણે બેંકોમાં જઈને વારસદાર તરીકે તમામ એકાઉન્ટ્સ અને લોકર પણ તમારા નામે કરી દેવાં પડશે. તમારી પાસે પૈસા આવી જાય પછી વેલ્થ મેનેજમેન્ટ કેવી રીતે કરવું એના માટે હું તમને એક વ્યક્તિની ઓળખાણ કરાવી દઈશ. ઇન્કમટેક્સ વિશેનું એનું નોલેજ અદભુત છે ! તમારુ રિટર્ન પણ ફાઇલ કરી આપશે. " ઋષિકેશભાઇ બોલ્યા. 

" તો તો બહુ સારું. મને તો આ બધી બાબતોમાં કંઈ ખબર જ પડતી નથી." અભિષેક બોલ્યો.

" એક સવાલ પૂછું ? " ઋષિકેશભાઇ બોલ્યા. 

" હા હા પૂછો ને અંકલ " અભિષેક બોલ્યો. 

" તમે હમણાં જ કહ્યું કે તમને કોઈ પાત્ર મળી ગયું છે. પરંતુ તમે તે દિવસે મારા ઘરે જમવા માટે આવ્યા ત્યારે તો આ વાત તમે મને નહોતી કરી. જો કે મને તો ખબર જ હતી કે શિવાનીના નસીબમાં તમે નથી. તમારા માટે કોઈ બીજા જ પાત્રનું નિર્માણ થઈ ચૂક્યું છે. " ઋષિકેશભાઇ બોલ્યા. 

" હા અંકલ. તમારા ઘરે જમવા આવ્યો એના બે દિવસ પહેલાં જ એ પાત્ર અચાનક મારા જીવનમાં આવ્યું છે. હજુ હું એને મળ્યો પણ નથી. એને જોઈ પણ નથી. બસ માત્ર ફોન ઉપર જ વાત થઈ છે. એટલે પછી એના વિશે વાત કરવી મને યોગ્ય ન લાગી. " અભિષેક બોલ્યો. 

" નો પ્રોબ્લેમ. આ તો અમસ્તું જ મેં તમને પૂછ્યું. ચાલો આપણે જઈએ. " અંકલ બોલ્યા. 

એ પછી બંને જણા ઊભા થયા અને બોરીવલી જતી ટ્રેઈન પકડી લીધી.

લક્ષ્મીની ઉર્જા જ કંઈક અલગ હોય છે. અચાનક હાથમાં આટલી મોટી રકમ આવે એટલે શરીરમાં એક પ્રકારનો ગરમાવો અને ઉત્તેજના આવી જતાં હોય છે.  અભિષેકની હાલત પણ એવી જ હતી. એની ચાલમાં પણ જાણે કે ફરક પડી ગયો હતો. 

ઋષિકેશભાઈએ સ્ટેશનની બહાર નીકળીને સાંઈબાબાનગરની રીક્ષા કરી લીધી અને અભિષેકને પણ બેસી જવા કહ્યું. હોસ્પિટલ આગળ અભિષેકને ઉતારીને એમણે રીક્ષાને આગળ લીધી.

એ આખો દિવસ હોસ્પિટલમાં ડ્યુટી કરીને બીજા દિવસે અભિષેક વીલ લઈને દોશી સાહેબના સાન્તાક્રુઝ ખીરાનગરના ફ્લેટ ઉપર પહોંચી ગયો. 

" નમસ્તે અંકલ. મારું નામ ડૉ.  અભિષેક મુન્શી. યોગીજીએ વનિતા આન્ટીનું વીલ મને આપ્યું છે અને એમણે મને તમને મળવાનું કહ્યું છે." અભિષેક બે હાથ જોડીને બોલ્યો. 

" આવો આવો ભાઈ બેસો. હું તો તમને કેટલા વર્ષોથી શોધી રહ્યો હતો. યોગીજી કહેતા હતા કે એક દિવસ તમે ચોક્કસ એમને મળશો. " દોશી સાહેબ બોલ્યા અને બંને જણા સોફા ઉપર બેઠા. 

એટલામાં એમનો નોકર પાણી લઈને આવ્યો એટલે અભિષેકે પાણી પી લીધું. 

" ચા ફાવશે કે ? " દોશી સાહેબ બોલ્યા.  

" નહીં નહીં અંકલ. ચા ની કોઈ જરૂર નથી. હું ઘરેથી જ સીધો આવું છું. " અભિષેક બોલ્યો. 

" વારુ. હવે કેમ આવવું પડ્યું ? મારે લાયક કોઈ પણ સેવા હોય તો કહો. " દોશી સાહેબ બોલ્યા. 

" આ સીલ મેં હજી તોડ્યું નથી. તમે જ એને ખોલીને મને બધું સમજાવો. અને યોગીજી ખાર ના કોઈ બંગલાની વાત કરતા હતા તો કોઈ સારો બિલ્ડર હોય તો તમે જ એનો સોદો કરી દો. મારે આવડા મોટા બંગલાનું કોઈ જ કામ નથી. " અભિષેક બોલ્યો. 

" તમે ખૂબ જ નિખાલસ છો. તમારો સ્વભાવ મને ગમ્યો. તમે મારા ઉપર આટલો બધો વિશ્વાસ મૂક્યો એ પણ બહુ મોટી વાત છે. તમને યોગીજીએ વનિતા દલાલ વિશેની બધી વાત તો કરી જ હશે. બહુ જ સરળ અને ઉદાર સ્વભાવની એ સ્ત્રી હતી. તમારા પિતાજી વિશે તમે કંઈ ખોટું વિચારશો નહીં. એ બંને વચ્ચે સાચો અને પવિત્ર પ્રેમ હતો. " દોશી સાહેબ બોલ્યા. 

" મારા મનમાં મારા પપ્પા માટે કોઈ જ કટુતા નથી. જ્યાં સુધી હું એમને ઓળખું છું ત્યાં સુધી એ સજ્જન વ્યક્તિ હતા. અને કોઈને પ્રેમ કરવો એ કંઈ ખોટું પણ નથી. પૂર્વ જન્મના ઋણાનુબંધથી ક્યારેક ક્યારેક આવા ગાઢ સંબંધો થઈ જતા હોય છે. એમનો પ્રેમ પવિત્ર જ હશે એની મને ખાતરી છે. " અભિષેક બોલ્યો. 

" તમારી વાત સાંભળીને મને આનંદ થયો. તમારામાં ઘણી સમજદારી અને પરિપક્વતા છે. વનિતાએ જ તમારા પપ્પાને ફ્લેટ લઈ આપેલો છતાં પણ ક્યારે પણ એ તમારા ઘરે નથી આવી. એની બંને કિડની ફેલ થઈ ગઈ એટલે એને મૃત્યુની આગાહી થઈ ગઈ હતી. એણે મને ઘરે બોલાવેલો અને પોતાની પ્રોપર્ટીનાં તમામ પેપર્સ, બેંકોમાં મૂકેલી ફિક્સ  ડિપોઝિટ્સ નાં સર્ટિફિકેટ, ત્રણ બેંકોની ચેક બુકો અને લોકર્સમાં રાખેલી તમામ જ્વેલરીની નોંધ મને આપી હતી જે બધું જ આ સીલ કવરમાં છે.  આ તમામ સ્થાવર જંગમ મિલકતના તમે એકલા જ વારસદાર છો. " દોશી સાહેબ બોલ્યા. 

" જી અંકલ. યોગીજીએ આ બધી વાત મને કરી છે. " અભિષેક બોલ્યો. 

" બસ તો પછી આ વીલમાં બીજું કંઈ જ નવું નથી. મેં તમને જે કહ્યું એ જ વસ્તુ અહીં લેખિતમાં છે. વીલમાં બેંકોના એકાઉન્ટ નંબર્સ વગેરે વિગતે લખેલા છે." દોશી સાહેબ બોલ્યા. 

" અંકલ તમારે મને મદદ કરવી પડશે. વીલના આધારે બેંકોમાંથી પૈસા હું  મારા ખાતામાં કેવી રીતે ટ્રાન્સફર કરી શકું અને એફ.ડી કેવી રીતે તોડાવી શકું એનું મને કોઈ જ્ઞાન નથી. એટલે જે પણ કરવું પડે એ તમે કરાવી આપો. મારી સહીની જ્યાં પણ જરૂર હોય ત્યાં હું કરી આપીશ." અભિષેક નિખાલસતાથી બોલ્યો. 

" એ કંઈ બહુ મોટું કામ નથી.  જે જે બેંકોમાં વનિતાનું એકાઉન્ટ છે ત્યાં તમારે એપ્લિકેશન આપવી પડશે અને એની સાથે 'તમે જ એમના વારસદાર છો' એનું નોટરાઈઝ કરેલું સોગંદનામુ  વીલની નકલ સાથે જોડવું પડશે. એ લોકો તમારાં પેપર્સ હેડ ઓફિસ મોકલશે અને ત્યાંથી એપ્રુવલ આવે એટલે વનિતાનાં તમામ ખાતાંમાં તમારું નામ દાખલ થઈ જશે." દોશી સાહેબ બોલી રહ્યા હતા. 

"એકવાર તમારા નામે ચડી જાય પછી તમે એ ખાતામાંથી ગમે એટલી રકમ ઉપાડી શકો અથવા તો તમારા બીજા ખાતામાં ટ્રાન્સફર પણ કરી શકો. વીલ પ્રમાણે એમનાં તમામ એકાઉન્ટ્સમાં જે રકમ છે તે તથા જે પણ ફિક્સ ડિપોઝિટ છે એ તમામ રકમ મળીને કુલ રકમ અગિયાર કરોડ જેટલી થાય છે. એ સિવાય સોનાના બિસ્કીટ અને જે જ્વેલરી છે એ એના વજન પ્રમાણે લગભગ ચાર કરોડની કહી શકાય.  આ બધી જ નોંધ વીલમાં લખેલી છે." દોશી સાહેબ બોલ્યા. 

" જી અંકલ. પણ આ કામમાં તમારે જ મને મદદ કરવી પડશે. બંગલાનો સોદો તો તમારી અનુકૂળતાએ પતાવી દેજો પરંતુ બેંકોની ફોર્માલિટી માટે મને તમારો સહકાર જોઈશે. " અભિષેક બોલ્યો. 

" વારુ. તો પછી વીલનું આ કવર મારી પાસે જ રાખું છું.  તમે અઠવાડિયા પછી ફરી આવજો ત્યાં સુધીમાં બધા પેપર્સ હું તૈયાર કરાવી દઉં છું. તમારી સાથે મારો આસિસ્ટન્ટ રવિ શર્મા આવશે. એ તમને નોટરી પાસે લઈ જશે અને પછી તમને એ જે ત્રણ બેંકો છે ત્યાં લઈ જશે. બેંકોમાં એપ્લિકેશન આપી દેશો પછી દસેક દિવસમાં તમારા એડ્રેસ ઉપર બેંકો તમને જાણ કરશે. બસ તમારું કામ પૂરું. " દોશી સાહેબ બોલી રહ્યા હતા. 

" રહી વાત લોકર્સ ની. તો એની એક ચાવી વીલના આ કવરમાં છે. એ તમે આવશો એ દિવસે હું તમને આપી દઈશ. બીજી ચાવી બેંકમાંથી લઈને વનિતાના લોકર્સમાંથી તમે બધી જ્વેલરી કાઢીને ઘરે લઈ જઈ શકશો. તમારે એ જો વેચી દેવી હોય તો હું તમને એક ઝવેરીનું એડ્રેસ આપી દઈશ. તમને એ સારા ભાવ આપશે. " દોશી સાહેબ બોલ્યા. 

" ઠીક છે અંકલ. તમે મારું મોટું ટેન્શન દૂર કરી દીધું. હું એક વીક પછી આવી જઈશ. તમારો ખુબ ખુબ આભાર. " અભિષેક ફરી બે હાથ જોડીને બોલ્યો અને બહાર નીકળી ગયો. 

એ પછીના ૧૫ દિવસની અંદર દોશી સાહેબે સ્ટેટ બેંક, બેંક ઓફ બરોડા અને આઇસીઆઇસીઆઇ બેંકમાં એમના આસિસ્ટન્ટ રવિને મોકલીને અભિષેકનું તમામ કામ પાર પાડી દીધું. સોનાનાં દસ બિસ્કિટ અને તમામ જ્વેલરી પણ વેચી દીધી જેના એને લગભગ સવા ચાર કરોડ રૂપિયા મળ્યા. જેમાં પચાસ લાખ રોકડા અને બાકીના ચેક લીધા અને પોતાના ખાતામાં ભરી દીધા. 

ફિક્સ ડિપોઝિટની રકમ પણ એણે પોતાના ખાતામાં ટ્રાન્સફર કરી દીધી. એનાં ત્રણેય ખાતામાં થઈને હવે એની પાસે કુલ સોળ કરોડ એંસી લાખ જેવું બેલેન્સ થઈ ગયું ! 

કિસ્મત ખુલે ત્યારે વ્યક્તિને ક્યાંથી ક્યાં પહોંચાડી દે છે ! અભિષેકને પોતાને કલ્પના પણ નહીં હોય કે યોગીજી સાથેની એક જ મુલાકાત એનું કિસ્મત બદલી નાખશે અને પોતાના ખાતામાં સોળ કરોડ જેવી જંગી રકમ જમા થશે ! બંગલાનો સોદો તો હજુ બાકી જ હતો !! 
                                       ક્રમશઃ 
અશ્વિન રાવલ (અમદાવાદ)