અભિષેક પ્રકરણ 14
અભિષેકનું મુંબઈનું બધું કામ લગભગ હવે પૂરું થઈ ગયું હતું. બંગલો વેચાઈ ગયો હતો અને હવે એ સો કરોડનો માલિક બની ગયો હતો.
એને સમીર દલાલનું સૌથી મોટું ટેન્શન હતું કારણ કે સમીર માથાભારે હતો અને એ પોતાનો હક્ક માગી રહ્યો હતો. પરંતુ સૂક્ષ્મ જગતમાં રહેલાં વનિતા આન્ટીની મદદથી અભિષેકે સમીરને એવો ચમત્કાર બતાવ્યો હતો કે હવે પછી સમીર એના ભાગનું કદી નામ પણ લેવાનો ન હતો ! અભિષેકે મનોમન વનિતા આન્ટીનો આભાર માન્યો.
એ આભારની લાગણી વનિતા આન્ટી સુધી પહોંચી હોય એમ અભિષેક જમી પરવારીને રાત્રે સૂવા માટે પોતાના બેડરૂમમાં ગયો ત્યારે વનિતા આન્ટી ફરી એના રૂમમાં હાજર થઈ ગયાં. મોગરાની સુગંધ ઉપરથી અભિષેક સમજી ગયો કે આન્ટી ફરી પાછો આવી ગયાં છે .
" તારું બધું ટેન્શન મેં દૂર કરી દીધું છે બેટા. હવે સમીર ક્યારે પણ તારું નામ નહીં લે. આજે મારી તારા માટેની બધી જવાબદારી પણ પૂરી થઈ ગઈ છે. " વનિતા આન્ટીનો અવાજ આવ્યો.
" હા આન્ટી. મને ખ્યાલ આવી જ ગયો હતો કે અમારી મિટિંગમાં તમે હાજર છો. પણ મેં આજે સમીરભાઈને જે જવાબો આપ્યા એનાથી મને પોતાને પણ ઘણું આશ્ચર્ય થયું છે. હું તો એમના વિશે કંઈ જાણતો જ નથી તો પછી મારાથી આ બધું કેવી રીતે બોલાઈ ગયું ? " અભિષેક બોલ્યો.
" તારા શરીરમાં પ્રવેશ કરીને મેં જ સમીર સાથે વાતો કરી હતી. એ વખતે તારા ઉપર તારો કોઈ જ કંટ્રોલ ન હતો. તારા શરીરમાં પ્રવેશવા માટે મારે યોગીજીની મદદ લેવી પડી હતી. તને ગાયત્રી મંત્રની દીક્ષા મળેલી છે અને તું રોજ પાંચ માળા પણ કરે છે એટલે હું તારા શરીરમાં પ્રવેશ ના કરી શકું કે તારી બહુ નજીક પણ ના આવી શકું." વનિતા આન્ટી બોલ્યાં.
" પરંતુ અમારી વચ્ચે વાતચીત તો સીસીડીમાં બેસીને તરત જ ચાલુ થઈ ગઈ હતી તો પછી તમે યોગીજીની મદદ કઈ રીતે લીધી ?" અભિષેક બોલ્યો.
" એવું નથી. તમારી મીટીંગ ચાલુ થઈ એ પહેલાં સમીર તને મળવા માટે હોસ્પિટલમાં આવ્યો હતો અને ત્યારથી મારી નજર એના ઉપર હતી. તેં એને સાંજે મળવાની વાત કરી એ પછી તરત જ મેં યોગીજીનો સંપર્ક કરેલો. એ તો મને જોઈ પણ શકે છે. સમીરને ચમત્કાર બતાવીને ડરાવવાની ખૂબ જ જરૂર હતી એટલે તારા શરીરમાં પ્રવેશ કરવા માટે મેં યોગીજીને વિનંતી કરી." વનિતા બોલી રહી હતી.
" યોગીજીએ તારા હિમાલયમાં રહેતા મહાન ગુરુનો સંપર્ક કર્યો અને એ તો તારી મદદ માટે હંમેશા તૈયાર જ હોય છે એટલે તેં જેવો સીસીડીમાં પ્રવેશ કર્યો કે તરત જ એમણે થોડા સમય માટે તારા શરીરમાં રહેલી ગાયત્રીની ઊર્જાને શાંત કરી દીધી. બસ એ પછી તો મારું કામ આસાન થઈ ગયું. " વનિતા બોલી.
" ખૂબ ખૂબ આભાર આન્ટી. મને ખરેખર સમીરભાઈનો બહુ ડર હતો. કોઈની સાથે કાયમી દુશ્મનાવટ થાય એ મને પસંદ નથી. તમે મને બહુ જ મદદ કરી. " અભિષેક બોલ્યો.
" આભાર માનવાની જરૂર નથી. મેં તને મારો દીકરો જ માનેલો છે. હવે મારું અહીંનું કાર્ય પૂરું થઈ ગયું છે એટલે મારે આ માયાને છોડીને હવે ઉપર ગતિ કરવી છે. તું ઋષિકેશ જઈને મારુ પિંડદાન અને શ્રાદ્ધ કરી દે એટલે મને મુક્તિ મળી જાય. એક અઠવાડિયા પછી માગશર મહિનાની એકાદશી આવે છે. એ દિવસે ગીતા જયંતી પણ છે. મને એ દિવસે તું મુક્તિ અપાવી દે એટલે મારી પ્રેતયોનિ છૂટી જાય." વનિતા બોલી.
" પ્રેતયોનિ એ શું છે આન્ટી ? મારી મમ્મી પણ પ્રેતયોનિમાં છે ?" અભિષેક બોલ્યો.
" ના તારી મમ્મી પ્રેતયોનિમાં નથી. તેં એમનું પિંડદાન અને શ્રાદ્ધ કર્યું છે. મારી પાછળ કોઈ ક્રિયાકર્મ થયું નથી એટલે ઉર્ધ્વગતિ થતી નથી અને પૃથ્વી ઉપર જ ભટકવું પડે છે. પ્રેતયોનિ એ સૂક્ષ્મ શરીરની એક નીચલી અવસ્થા છે. શ્રાદ્ધ સંસ્કાર થયા પછી જ પ્રેત યોનિ છૂટે છે અને આગળનો માર્ગ મોકળો થાય છે." વનિતા બોલી.
" આન્ટી ફરી પાછો એનો એ જ પ્રશ્ન પૂછું છું. જેની પાછળ પિંડદાન કે શ્રાદ્ધ ના થયું હોય એ બધા જ જીવો પ્રેતયોનિમાં જ ભટકે છે ? " અભિષેક બોલ્યો.
" ના એવું નથી. જેણે સારાં કર્મો કર્યાં હોય. જેણે કોઈ ગુરુ કર્યા હોય, જેણે કોઈ સારી સાધના કે ભક્તિ કરી હોય, જેનું મન માયામાંથી બહાર નીકળી ગયું હોય અથવા જેની કુંડલિની જાગૃત થઈ હોય એ જીવો પિંડદાન વગર પણ સીધી ઉર્ધ્વગતિ કરી શકે છે. એટલે મૃત્યુના ૧૩ દિવસ પછી એમની પ્રેતયોનિ છૂટી જાય છે." આન્ટીએ જવાબ આપ્યો.
"હમ્ ... હું તમારી ગતિ ચોક્કસ કરાવીશ આન્ટી. મારે મારા પાછલા જન્મના પાપનું પ્રાયશ્ચિત કરવા માટે દોઢ બે વર્ષ માટે રાજકોટ જવાનું છે એટલે એ પહેલાં હું ઋષિકેશ જઈ આવીશ." અભિષેક બોલ્યો.
" હા મને યોગીજીએ વાત કરી છે. હું એમને ક્યારેક ક્યારેક મળતી રહું છું. એમણે પણ મને કહ્યું કે અભિષેક પિંડદાન તર્પણ કરાવી દે પછી તમને મુક્તિ મળી જશે." વનિતા બોલી.
"આન્ટી એક સવાલ પૂછું ?" અભિષેક બોલ્યો .
" હા હા પૂછ ને ! "
" આન્ટી તમે એકાદશીની વાત કરી એટલે મને વિચાર આવ્યો. શું મૃત્યુ પછી પણ તમને તિથિઓની ખબર પડે છે ? " અભિષેક બોલ્યો.
"ના. રોજે રોજની તિથિઓની અમને ખબર નથી હોતી. પણ મૃત્યુ તિથિ અમને યાદ હોય છે અને દર વર્ષે અમને ખબર પડે છે કે એ ક્યારે આવે છે. એ સિવાય એકાદશી પૂર્ણિમા અને અમાવસ્યાની અમને અગાઉથી જાણ થાય છે. તિથિઓ એ સૂર્ય અને ચંદ્ર વચ્ચેનું અંતર છે એટલે સમસ્ત બ્રહ્માંડમાં આ ત્રણ તિથિઓનું ખૂબ જ મહત્વ હોય છે. એકાદશીના દિવસે ઉપરના લોકના દરવાજા ખુલે છે. એ જ પ્રમાણે શ્રાદ્ધના સોળ દિવસોમાં તમામ આત્માઓને નીચે પૃથ્વી ઉપર આવવા મળે છે." આન્ટી બોલ્યાં.
" ઘણી સારી માહિતી તમે આપી આન્ટી. કદાચ એટલા માટે જ અગિયારસનું આટલું બધું મહત્ત્વ છે !" અભિષેક બોલ્યો.
" અગિયારસનું મહત્ત્વ જેટલું પૃથ્વી લોકમાં છે એનાથી અનેક ઘણું સૂક્ષ્મ જગતમાં છે. બીજા બધા દિવસોમાં કરેલી તપસ્યા કરતાં એકાદશીના દિવસનું વ્રત અને તપસ્યા ઘણું વધારે ફળ આપે છે કારણ કે એ દિવસે વિષ્ણુની એટલે કે ઈશ્વરની ચેતના પૃથ્વીની નજીક હોય છે. તે દિવસે સૂર્ય અને ચંદ્ર એકબીજાના ત્રિકોણમાં હોય છે. એ દિવસે કરેલી પ્રાર્થના જલ્દી યુનિવર્સમાં પહોંચી જાય છે. વિષ્ણુ સહસ્ત્રનામ સ્તોત્ર એ દિવસે ખાસ કરવું જોઈએ. મંત્ર જાપ અને સ્તોત્ર પાઠનું કેટલું બધું મહત્વ છે એ મૃત્યુ પછી જ સમજાય છે. દરેક એકાદશી કોઈને કોઈ સિદ્ધિ માટે હોય છે પરંતુ મનુષ્યો એ સમજી શકતા નથી. " વનિતા બોલી.
" આન્ટી તમે મને ખરેખર ઘણી સરસ માહિતી આપી. તમે ઘણું બધું જ્ઞાન ધરાવો છો." અભિષેક બોલ્યો.
" આ બધું જ્ઞાન મૃત્યુ પછી જ પ્રાપ્ત થયું અને સમજાયું કે જિંદગીમાં ઘણું બધું કરવાનું હતું પણ ના કર્યું. લોકો આજે તો સત્યનારાયણનું વ્રત પણ ભૂલી ગયા છે પણ કળિયુગમાં સત્યનારાયણ એ સ્વયં વિષ્ણુ છે અને એમનું વ્રત અને કથા એકાદશીના દિવસે ખૂબ જ સારું ફળ આપે છે. અમને અહીં માત્ર એકાદશીના દિવસે જ શાંતિ મળે છે. એ સિવાય અમારા માટે કરેલી પ્રાર્થના પણ અમને શાંતિ આપે છે. " વનિતા બોલી.
" આન્ટી તમારી આ બધી જ વાતો હું યાદ રાખીશ અને મારા જીવનમાં એનું પાલન કરવાની કોશિશ કરીશ. ખાસ કરીને એકાદશીનું વ્રત તો હું ચોક્કસ કરીશ અને વિષ્ણુ સહસ્ત્રનામ સ્તોત્ર ના પાઠ પણ કરીશ. " અભિષેક બોલ્યો.
" તારા પપ્પા રોજ વિષ્ણુ સહસ્ત્રનામ સ્તોત્ર નો પાઠ કરતા. અને અગિયારસ ના દિવસે નકોરડો ઉપવાસ રાખતા. એ દિવસે વિષ્ણુ સહસ્ત્રનામ સ્તોત્રના અગિયાર પાઠ કરતા. હું એમની આટલી બધી ભક્તિની મજાક કરતી પણ હવે મને સમજાય છે કે તને મળેલો આ વારસો એમની તપસ્યાનું જ ફળ છે. એમનો તો એક શ્રીમંત કુટુંબમાં જન્મ પણ થઈ ચૂક્યો છે. ચાલો હવે ઋષિકેશમાં મળીશું." વનિતા બોલી અને એ સાથે જ મોગરાની સુગંધ પણ બંધ થઈ ગઈ.
બીજા દિવસે સવારે અભિષેકે વીણા માસીને ઋષિકેશ જવાની વાત કરી.
"માસી હું અઠવાડિયા પછી ઋષિકેશ જવાનો છું. મમ્મીની ઈચ્છા હતી કે એક વાર ઋષિકેશ જઈને એમનું પિંડદાન અને શ્રાદ્ધ કરવું. હવે આવતી એકાદશી ગીતા જયંતી છે તો વિચારું છું કે એ દિવસે જ પિંડદાન કરી દઉં." અભિષેક બોલ્યો.
અભિષેક પોતે અગાઉ ઋષિકેશ જઈ આવ્યો છે અને મમ્મીનું પિંડદાન અને શ્રાદ્ધ કરી આવ્યો છે એ વાત એણે વીણા માસીથી છૂપાવી કારણકે એ વનિતા આન્ટી વિશે કોઈ વાત કરવા માગતો ન હતો.
" આ તો તારો બહુ સારો વિચાર છે. તને વાંધો ના હોય તો મને પણ સાથે લઈ જઈશ ? એક વાર જિંદગીમાં ગંગા સ્નાન કરવાની ઈચ્છા છે." માસી બોલ્યાં.
" અરે માસી તમને ઋષિકેશ લઈ જવામાં મને શું વાંધો હોય ? ઉપરથી તમને ગંગા સ્નાન કરાવવાનું પૂણ્ય મને મળશે. એકાદશીના દિવસે સવારે આપણે પિંડદાન કરવાનું છે એટલે આગલા દિવસે આપણે પહોંચી જવું પડે. એ પ્રમાણે હું ટિકિટ બુક કરાવી દઈશ." અભિષેક બોલ્યો.
અને અભિષેકે તરત જ છ દિવસ પછીની દિલ્હી જવા માટેની ઈન્ડિગોની મુંબઈથી રાત્રે સવા વાગે ઉપડતી ફલાઈટની બે ટિકિટ બુક કરાવી. હવે છેક ઋષિકેશ સુધી ટ્રેઈનમાં જવાનો કોઈ મતલબ ન હતો.
એ સાથે જ એણે ઋષિકેશ જવા માટે દિલ્હીથી વહેલી સવારે પાંચ વાગે ઉપડતી યોગા એક્સપ્રેસની બે ટિકિટનું રિઝર્વેશન પણ કરાવી દીધું. અને સાથે સાથે અગિયારસના દિવસે જ ઋષિકેશથી બપોરે ઉપડતી એ જ યોગા એક્સપ્રેસ ટ્રેઈનની રિટર્ન ટિકિટ પણ લઈ લીધી.
" માસી દિલ્હી સુધીની ફ્લાઇટની ટિકિટ બુક કરી છે. પણ એ રાત્રે સવા વાગે ઉપડશે. એટલે થોડો ઉજાગરો થશે. ત્યાંથી વહેલી સવારે પાંચ વાગ્યે ટ્રેઈન મળી જશે જે છેક ઋષિકેશ બપોરે સાડા બારે પહોંચાડશે." અભિષેક બોલ્યો.
" આ ઉંમરે ઉજાગરાની મને કોઈ ચિંતા નથી ભાઈ. આમ પણ મને ઊંઘ ઓછી જ આવે છે. " માસી બોલ્યાં.
" શિયાળો છે એટલે ત્યાં ઠંડી ખૂબ જ પડતી હશે. ગરમ કપડાં પહેરી લેજો અને ઓઢવાનું ખાસ લઈ લેજો. " અભિષેક બોલ્યો.
છ દિવસનો સમય પસાર થઈ ગયો.
"ભાઈ દિલ્હીથી ઋષિકેશ જતી વખતે ગાડીમાં જમવા માટે થેપલા અને બટાકાની સૂકી ભાજી બનાવી દઉં ? " સવારે માસી બોલ્યાં.
"ના માસી. ટ્રેઈનમાં જમવાનું મળે છે. અને ટ્રેઈનમાં ના જમવું હોય તો સાડા બાર વાગે ઋષિકેશ ઉતર્યા પછી ત્યાં ચોટીવાલા રેસ્ટોરન્ટમાં પણ જમવાનું સારું મળે છે. " અભિષેક બોલ્યો.
" તો ઠીક. બાકી અમારા જમાનામાં તો ગાડીમાં મુસાફરી કરીએ એટલે રસ્તામાં ભાતું ખાવા માટે દૂધ નાખીને થેપલાં કે ભાખરી બનાવતાં. અમે એને દશમી કહેતાં. હવે તો જમાનો ઘણો સુધરી ગયો છે." માસી બોલ્યાં.
મોડી રાત્રે સાડા અગિયાર વાગે ટેક્સી કરીને અભિષેક વીણામાસી સાથે એરપોર્ટ જવા નીકળી ગયો.
" માસી તમારી બારી પાસેની સીટ પસંદ કરી છે જેથી વિમાન ટેક ઓફ થાય ત્યારે તમે બહારનાં દ્રશ્યો જોઈ શકો." લોન્જમાં બેઠા પછી અભિષેકે વીણા માસીને કહ્યું.
" ભાઈ મને તો બહુ બીક લાગે છે. હું આજ પહેલાં કદી પણ વિમાનમાં બેઠી નથી. " માસી બોલ્યાં.
"ડરવા જેવું કંઈ જ નથી માસી. લાખો લોકો રોજ વિમાનમાં ઉડા ઉડ કરે છે. તમે પ્લેનમાં બેસવાનો આનંદ માણો. આપણે બે કલાકમાં તો દિલ્હી પહોંચી જઈશું. " અભિષેક બોલ્યો.
થોડી વાર પછી એનાઉન્સમેન્ટ થયું એટલે બધા જ પેસેન્જર્સ પ્લેનમાં ગોઠવાઈ ગયા અને થોડીવાર પછી ફ્લાઇટ ટેક ઓફ પણ થઈ ગયું.
" બારી પાસે જોઈ રહો માસી. જુઓ મધરાતે મુંબઈનો નજારો કેવો સરસ દેખાય છે ! બસ આ દ્રશ્યો જોવાનો પણ એક આનંદ છે !" અભિષેક બોલ્યો.
પહેલી વારની ફ્લાઇટની મુસાફરી દરેક માટે રોમાંચક હોય છે. એ વખતે મોટી ઉંમરની વ્યક્તિ પણ નાનું બાળક બની જાય છે !
સવા બે કલાકમાં ફ્લાઇટ દિલ્હી પહોંચી ગયું. વહેલી સવારના સાડા ત્રણ વાગ્યા હતા. ત્યાંથી હરિદ્વાર જવા માટેની ટ્રેન દોઢ કલાક પછી પાંચ વાગે ઉપડતી હતી.
એ પછી અભિષેક માસીને લઈને એરાઇવલ લોન્જમાં ફ્લાઈટમાંથી બેલ્ટ ઉપર જ્યાં બેગો આવતી હતી ત્યાં પોતાની ટ્રાવેલ બેગ કલેક્ટ કરવા માટે ઉભો રહ્યો.
બેગ આવી ગઈ એટલે અભિષેક એરપોર્ટમાંથી બહાર આવ્યો અને ટેક્સી કરીને દિલ્હી રેલવે સ્ટેશન પહોંચી ગયો.
મુંબઈ કરતાં દિલ્હીમાં અહીં ઠંડી ખૂબ જ હતી. અભિષેકે ઘરેથી જ સ્વેટર અને જેકેટ પહેરી લીધું હતું. માસીએ એરપોર્ટની બહાર નીકળીને તરત જ ગરમ શાલ ઓઢી લીધી. એમણે પણ ગરમ સ્વેટર તો પહેર્યું જ હતું.
ટેક્સીના પૈસા ચૂકવીને અભિષેક માસીને લઈને વેઇટિંગ રૂમમાં આવ્યો. અહીં ઘણા પેસેન્જર્સ બેઠેલા હતા.
" માસી ચાર વાગી ગયા છે. હવે પોણો કલાક આપણે અહીં આરામ કરીએ. પછી પ્લેટફોર્મ ઉપર જઈશું. " અભિષેક બોલ્યો.
" ઠીક છે બેટા. તું જેમ કહે તેમ." માસી બોલ્યાં.
આ પોણા કલાકના સમયનો ઉપયોગ કરીને અભિષેકે ગાયત્રી મંત્રની પાંચ માળા પૂરી કરી લીધી. માળા એણે જેકેટના પોકેટમાં જ રાખી હતી.
ટ્રેઈન આવવાનો સમય થયો એટલે અભિષેક માસીને લઈને પ્લેટફોર્મ ઉપર ગયો. હજુ તો સવારના પાંચ વાગ્યા હતા અને પોતાની બર્થ રિઝર્વેશનના કારણે ખાલી જ હતી એટલે બંનેએ બે ત્રણ કલાક સૂવાનું જ પસંદ કર્યું.
સાડા સાત વાગે અભિષેક ઉભો થઈ ગયો અને વોશરૂમમાં જઈને બ્રશ કરી લીધું. એ પછી એણે માસીને પણ જગાડી દીધા. પોણા આઠ વાગે મુઝફ્ફરનગર આવ્યું એટલે અભિષેક નીચે ઉતરીને બે કપ ચા લઈ આવ્યો.
સાડા દસ વાગે રૂરકી સ્ટેશને ઉતરીને અભિષેક નાસ્તો કરવા માટે બે સમોસા લઈ આવ્યો. બપોરે સાડા બાર વાગે ઋષિકેશ આવી ગયું.
અભિષેકે ગયા વખતે જે હોટલમાં ઊતર્યો હતો એ જ હોટલ ગ્રીનવ્યુ નું બુકિંગ કરાવી દીધું હતું એટલે રીક્ષા કરીને એ લોકો ત્યાં જ પહોંચી ગયા.
હોટલે પહોંચીને બંને જણાએ નાહી લીધું અને પછી બપોરે દોઢ વાગે અભિષેક વીણા માસીને ચોટીવાલા રેસ્ટોરન્ટમાં જમવા માટે લઈ ગયો.
જમી લીધા પછી અભિષેકે સાડા ચાર વાગ્યા સુધી આરામ કરવાનું જ નક્કી કર્યું અને મોબાઇલમાં એલાર્મ મૂકી દીધું.
સાડા ચાર વાગે ઊઠીને ચા પીધા પછી અભિષેક માસીને લઈને ગંગા કિનારે આવ્યો અને માસીને બધું બતાવતો ગયો. થોડા મહિના પહેલાં જ એ અહીં આવેલો એટલે બધી જગ્યાથી એ પરિચિત હતો.
સાંજે સાત વાગે ગંગા આરતીનાં પણ ફરીથી દર્શન કર્યાં. માસીને અહીં ખૂબ જ મજા આવી.
આરતી પછી ફરી અભિષેક ચોટીવાલા રેસ્ટોરન્ટમાં માસીને લઈ ગયો અને ત્યાં જમી લીધું.
બીજા દિવસે સવારે વનિતા આન્ટી માટે પિંડદાન અને શ્રાદ્ધ કરવાનું હતું એટલે સવારે એ વહેલો ઉઠી ગયો અને નાહી ધોઈને ગાયત્રીની પાંચ માળા કરી દીધી. એ પછી જ એણે માસીને જગાડ્યાં.
" માસી તમારે અત્યારે નાહવાની જરૂર નથી આમ પણ ગંગા નદીમાં તમારે સ્નાન કરવાનું જ છે. તમે ત્યાં સ્નાન કર્યા પછી પહેરવાના કપડાં અને ટુવાલ લઈ લો." અભિષેક બોલ્યો.
આ વખતે અભિષેક ધોતી મુંબઈથી જ ખરીદીને ગયો હતો. માસી બ્રશ વગેરે પતાવી બહાર આવી ગયાં એટલે અભિષેકે ચા મંગાવી દીધી.
ચા પીવાઈ ગઈ એટલે અભિષેક પોતાનો બગલ થેલો લઈને ચાલતો ચાલતો ત્રિવેણી ઘાટ જવા માટે નીકળી ગયો. માસી પણ એની સાથે ચાલી રહ્યાં હતાં.
ઘાટ ઉપર કાતિલ ઠંડો પવન ફૂંકાઈ રહ્યો હતો. અભિષેકે ઘાટ ઉપર પહોંચીને ત્યાં બેઠેલા નાઈ પાસે માથે મુંડન કરાવી દીધું. એ પછી બરફ જેવા ઠંડા પાણીમાં ધ્રુજતાં ધ્રુજતાં નાહી લીધું. નાહીને ધોતી પહેરી લીધી અને શાલ ઓઢી લીધી.
એને ખબર જ હતી કે અહીં પિંડદાન કરાવનારા પંડાઓ હાજર જ હોય છે. એણે એક પંડાને પકડી લીધો અને પિંડદાન કરાવવા માટે આસન ઉપર બેસી ગયો.
એ દરમિયાન એણે વીણામાસીને કિનારે બેસીને ગંગામાં સ્નાન કરી લેવાનું કહી દીધું. કડકડતી ઠંડીમાં બરફ જેવા પાણીમાં માથાબોળ સ્નાન કરવાની માસીની હિંમત નહોતી એટલે એમણે લોટો સાથે જ લીધો હતો. એમણે ઘાટના કિનારે બેસીને હિંમત કરીને ધીમે ધીમે લોટે લોટે ગંગાસ્નાન કરવાનું ચાલુ કર્યું.
પિંડદાનની વિધિ શરૂ થઈ ગઈ. એણે પંડિતને વનિતા આન્ટીનું આખું નામ આપ્યું. અડધો પોણો કલાક વિધિ ચાલી. જેવો પિંડ વહેરવામાં આવ્યો કે તરત જ અભિષેકને મોગરાની સુગંધનો અહેસાસ થયો અને માત્ર એક ક્ષણ માટે વનિતા આન્ટી પહેલીવાર એની સામે દેખાયાં.
" આજે હું ખૂબ જ ખુશ છું. તેં મને આજે પ્રેતયોનિમાંથી મુક્ત કરી છે. હવે હું ઉપર ગતિ કરી લઈશ. આજે એકાદશી છે. મને લેવા માટે મારા પતિ શશીકાન્ત પોતે આવ્યા છે. હવે હું વારંવાર નહીં આવી શકું. કંઈ કામ હોય તો મને યાદ કરજે. તારા સમર્થ ગુરુ હંમેશા તારી સહાય કરશે. " વનિતા બોલી અને બીજી જ ક્ષણે અદ્રશ્ય થઈ ગઈ !!
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)