Abhishek - 4 in Gujarati Fiction Stories by Ashwin Rawal books and stories PDF | અભિષેક - ભાગ 4

Featured Books
Categories
Share

અભિષેક - ભાગ 4

અભિષેક પ્રકરણ 4

બે દિવસની ટ્રીટમેન્ટ પછી શિવાની એકદમ નોર્મલ થઈ ગઈ. નાનકડી પથરી બહાર નીકળી ગઈ. એને ત્રીજા દિવસે બપોરે જ ડિસ્ચાર્જ કરવામાં આવી. 

" તમે પપ્પાને મળવા ચોક્કસ આવજો અને જ્યારે આવો ત્યારે મને ફોન કરીને આવજો. થેન્ક્સ ફોર ધ કેર." હોસ્પિટલમાંથી વિદાય લેતી વખતે શિવાની બોલી. એ વખતે અનેરી પણ સાથે જ હતી. 

એના ગયા પછી અભિષેક પોતાના રૂટિન કામે વળગી ગયો. સાંજે છ વાગે નાઈટ ડ્યુટીવાળો ડૉક્ટર આવ્યો એટલે અભિષેકે એને નવા પેશન્ટો વિશે માહિતી આપી અને ઘરે જવા માટે નીકળી ગયો. 

દિવસ તો હોસ્પિટલમાં ખૂબ સારી રીતે પસાર થઈ જતો હતો પરંતુ મમ્મીના ગયા પછી આવડા મોટા ફ્લેટમાં એકલા એકલા રાત જલ્દીથી પસાર થતી ન હતી. 

રાત્રે એના સમય મુજબ ૮ વાગે ટિફિન વાળો છોકરો આવી ગયો અને એનું ટિફિન આપી ગયો. અભિષેક એકની એક વાનગીઓ ખાઈને કંટાળી ગયો હતો. સાંજના ટિફિનમાં રોજ ખીચડી કઢી શાક અને સાવ નાની ૩ ભાખરી આવતી.  

મમ્મી હયાત હતી ત્યારે તો રોજ સાંજે ફરતું ફરતું ભોજન રહેતું. મમ્મી ક્યારેક ભાખરી શાક બનાવતી તો ક્યારેક હાંડવો. ક્યારેક ઢોકળાં તો ક્યારેક મુઠિયાં. ક્યારેક મેથીના ગોટા બનતા તો ક્યારેક ચણાના લોટના પુડલા ! ક્યારેક વળી ઢોસા કે ઉત્તપમા પણ બનતા. આ બધીય વાનગીઓ એક મહિનાથી બંધ થઈ ગઈ હતી.

નોકરી સારી હતી પણ જિંદગી જાણે કંટાળાજનક બની ગઈ હતી. મમ્મી હયાત હતી ત્યારે પોતે ડૉક્ટર હોવાના કારણે લગન માટે ત્રણ ચાર માગાં આવ્યાં હતાં પણ ત્યારે ક્યારેક છોકરી ગમી નહોતી તો ક્યારેક કુંડળી નહોતી મળતી. 

મમ્મીના ગયા પછી હવે નવી પ્રપોઝલ પણ કેવી રીતે આવે ! અને હજુ તો મમ્મીને ગયાને એક મહિનો જ થયો હતો એટલે કોઈ વાત નાખે પણ નહીં ને ! 

પરંતુ લાંબો સમય એણે રાહ જોવી પડી નહીં. ચાર પાંચ દિવસ પછી જ સવાર સવારમાં અમદાવાદથી એનાં  કાન્તાફોઈનો ફોન આવ્યો. 

"અભિષેક બેટા ચા પાણી પી લીધાં ?" ફોઈ બોલ્યાં. 

" હા ફઈબા હમણાં જ ચા પીધી. " અભિષેક બોલ્યો. 

અભિષેકનાં નજીકનાં કહી શકાય એવાં બે જ સગાં હતાં. એક હતાં એનાં વીણામાસી જે નાશિક રહેતાં હતાં અને બીજાં સગાં ફોઈ એ આ  કાન્તા ફોઈ !  મમ્મીના મૃત્યુ પછી ફોઈ અને માસી બંને મમ્મીનું શ્રાદ્ધ પતી ગયું ત્યાં સુધી ૧૫ દિવસ રોકાયાં હતાં. જ્યારે બીજાં બધાં સગાં દૂર દૂરનાં હતાં. 

ફોઈ અમદાવાદ ગયા પછી આજે ૨૦ દિવસ પછી એમનો ફોન આવ્યો હતો. 

" જો બેટા સાંભળ. ભાભી તો ગયાં. હવે તારી સંભાળ રાખનાર ત્યાં કોઈ રહ્યું નથી. રોજ રોજ હોટલનું ભાવે પણ નહીં એટલે તું જો લગન કરી લે તો ભાભીના આત્માને પણ શાંતિ થાય."  ફોઈએ ધીમે રહીને વાતની શરૂઆત કરી. 

" તમારી વાત સાચી છે ફઈબા પરંતુ એવી કોઈ વાત આવવી જોઈએ ને ?" અભિષેક બોલ્યો. 

" વાત આવી છે અભિષેક. તારી ફઈબા અહીં બેઠાં બેઠાં તારું ધ્યાન રાખે જ છે. જો સાંભળ. મારા સગામાં અમદાવાદમાં એક છોકરી છે. એના પપ્પા ગુજરી ગયા છે. મા દીકરી એકલાં જ છે. છોકરી બી.કોમ ભણેલી છે અને તારા કરતાં બે વર્ષ નાની છે. હવે ડૉક્ટર છોકરી થોડી એમ રસ્તામાં પડી છે ?" ફોઈ બોલ્યાં.

અભિષેક કંઈ બોલ્યો નહીં. પોતાના ભણતરની સામે બી.કોમ તો સાવ સામાન્ય ભણતર ગણાય. પરંતુ મમ્મી ગયા પછી રસોઈ માટે પત્નીની પણ એટલી જ જરૂર હતી ! 

" કેમ કંઈ બોલ્યો નહીં ? છોકરી થોડી ઘઉંવર્ણી છે પણ ચહેરાનાં નાક નકશી સારાં છે. મેં જોયેલી છે. તારી જોડી શોભે એવી છે. તું બે દિવસ માટે અહીં આવી જા. છોકરીને જોઈ લે. આટલો હેરાન થઈ રહ્યો છે તો હવે તારે લગન કરી લેવાં જોઈએ." ફોઈએ વાત પૂરી કરી.

" ઠીક છે ફઈબા. હું આવતા રવિવારે સવારે પહોંચી જઈશ. " અભિષેક બોલ્યો અને ફોન કટ કર્યો. 

પોતે ભલે હેન્ડસમ હતો પરંતુ હવે રૂપાળી કન્યા માટે લાંબી રાહ જોઈ શકાય એમ હતું નહીં. સૌથી વધારે તકલીફ જમવાની પડતી હતી. અને ઘરમાં પણ એકલા એકલા ગમતું ન હતું. 

અભિષેકે આવતા શનિવારની રાતની ટ્રેઈનની ટિકિટ બુક કરાવી દીધી અને સાથે સાથે રવિવારની રાતની રિટર્ન ટિકિટ પણ બુક કરાવી. 

મુંબઈથી રાત્રે પોણા દસ વાગે ઉપડતા ગુજરાત મેલમાં બેસીને અભિષેક અમદાવાદ જવા માટે નીકળી ગયો અને વહેલી સવારે છ વાગે અમદાવાદ પહોંચી ગયો.  

ત્યાંથી રીક્ષા કરીને ખાડિયા ગોટીની શેરીમાં ફોઈના ઘરે પહોંચ્યો ત્યારે સવારના ૬:૩૦ વાગ્યા હતા. પોળમાં આમ પણ બધા વહેલા ઉઠી જતા હોય છે એટલે ફોઈ જાગતાં જ હતાં. 

" આવી ગયો બેટા ? પહેલાં બ્રશ કરી લે. ત્યાં સુધીમાં હું ચા મૂકી દઉં." ફોઈ બોલ્યાં. 

અભિષેક બ્રશ કરીને ચા પીવા માટે બેઠો. એને ફુવા ક્યાંય દેખાતા ન હતા.  

" ફઈબા... ફુવા કેમ દેખાતા નથી ? " અભિષેકે પૂછ્યું.

"શ્રાવણ મહિનો ચાલે છે એટલે તારા ફુવા ગઈકાલે રાતની ટ્રેઈનમાં સોમનાથ જવા નીકળ્યા છે. કાલે છેલ્લા સોમવારે સવારે દાદાનાં દર્શન કરીને અમદાવાદ આવવા નીકળી જશે." ફોઇ બોલ્યાં. 

" અરે પણ તો મને પહેલેથી કહેવું હતું ને તો હું આવતા રવિવારે આવી જાત. છોકરી જોવાની મારે ક્યાં એવી ઉતાવળ હતી ?" અભિષેક બોલ્યો. 

" એમનું અચાનક જ જવાનું નક્કી થયું. એમના એક બે મિત્રો છે એટલે એમણે ભેગા થઈને પ્રોગ્રામ બનાવી દીધો. અને છોકરી ઘરની જ છે એટલે ફુવાની ક્યાં જરૂર છે ? " ફોઈ બોલ્યાં. 

અભિષેક કંઈ બોલ્યો નહીં. આખા ઘરમાં એ એકલો જ હતો. સમય પણ કેવી રીતે પસાર કરવો ? અમદાવાદ એણે થોડું જોયેલું હતું. હજુ તો સવારના નવ વાગ્યા હતા. ફોઈ સાથે થોડીક વાતચીત કરીને એ સમય પસાર કરવા માટે બહાર નીકળ્યો.  

સૌ પ્રથમ નજીકમાં જ આવેલા હાટકેશ્વર મહાદેવના મંદિરે દર્શન કરવા ગયો. દર્શન કરીને ત્યાંથી ચાલતો ચાલતો  રેલવે સ્ટેશન સુધી ગયો. ત્યાં જઈને એણે પ્લેટફોર્મ ટિકિટ લીધી અને એક નંબરના પ્લેટફોર્મ ઉપર જઈને બાંકડા ઉપર બેસી ગયો. આ પ્લેટફોર્મ હંમેશાં ધમધમતું રહેતું. 

રેલવે સ્ટેશન એનું સૌથી પ્રિય સ્થળ હતું કારણકે એના પપ્પા રેલવેમાં હતા. એ નાનો હતો ત્યારે પપ્પાની ડ્યુટી ના હોય ત્યારે પપ્પાની આંગળી પકડીને ઘણીવાર બોરીવલી સ્ટેશન સુધી એ લટાર મારી આવતો. આવતી જતી ગાડીઓ જોતો અને ખુશ થતો. 

રેલવે સ્ટેશન એક એવી જગ્યા હતી કે જ્યાં અનેક પ્રકારના મનોભાવો મુસાફરોના ચહેરા ઉપર દેખાતા. અહીંથી ટ્રેઈનમાં ચડતા મુસાફરોના ચહેરા ઉપર મુસાફરીની ઉત્તેજના અને આનંદ દેખાતો તો  ટ્રેઈનમાંથી ઉતરતા મુસાફરોના ચહેરા ઉપર મુસાફરી પૂરી થઈ ગઈ એની ઉદાસીનતા અને થાક દેખાતાં. 

અભિષેક બે કલાક જેટલો સમય પસાર કરીને ફરી ફોઈના ઘરે જવા નીકળ્યો. રસ્તામાં પેલી હોટલ આવી જ્યાં એ અઠવાડિયા પહેલાં ઋષિકેશ જતી વખતે ઉતર્યો હતો. ફોઈના ઘરે પહોંચ્યો ત્યારે બપોરના બાર વાગી ગયા હતા.   

" રસોઈ થઈ ગઈ છે. જમવા બેસવું છે ? " ફોઈ બોલ્યાં.

"હા ફઈબા. બાર વાગી ગયા છે. થોડી વાર પછી જમી લઈએ." અભિષેક બોલ્યો અને સોફા ઉપર બેઠો.

 "બોલ હવે શું નવાજૂની છે ?" ફોઈ એની સામે હિંચકા ઉપર બેઠાં અને બોલ્યાં. 

" ઋષિકેશ જઈને મમ્મીનાં અસ્થિ ગંગા નદીમાં પધરાવી આવ્યો. અઠવાડિયા પહેલાં જ ગયો હતો." અભિષેકે વાત શરૂ કરી. 

" અરે પણ તું ઋષિકેશ ગયો તો મને ફોન ના કરાય ? મારે પણ જાત્રા થઈ જાત ને ! " ફોઈ બોલ્યાં. 

" હા એ વાત તમારી સાચી. પણ મને એવું કંઈ યાદ ના આવ્યું. " અભિષેક બોલ્યો. એણે એ વાત છુપાવી કે પોતે અમદાવાદ થઈને જ ગયો હતો. 

ફોઈ સાથેના અભિષેકના સંબંધો એટલા બધા ગાઢ ન હતા. પપ્પાના ગુજરી ગયા પછી ફોઈ ક્યારે પણ મમ્મીની ખબર કાઢવા માટે મુંબઈ આવ્યાં ન હતાં. પપ્પા હયાત હતા ત્યાં સુધી ફોઈ વર્ષમાં બે વાર આવતાં અને પપ્પા દરેક વખતે કંઈ ને કંઈ ભેટ સોગાદ અને વ્યવહાર કરતા. સંબંધો બધા સ્વાર્થના જ હતા. અભિષેક એમને ઓળખી ગયો હતો. 

ફુઆ બેંકમાં જનરલ મેનેજર હતા અને સારું એવું કમાતા હતા. લાખો રૂપિયા ખર્ચીને એમના દીકરાને એમણે ભણવા માટે કેનેડા મોકલ્યો હતો. પરંતુ અભિષેકને મેડિકલ કોલેજમાં પચાસ હજારની અર્જન્ટ જરૂર પડી ત્યારે એમણે એક રૂપિયાની મદદ કરી ન હતી. મમ્મીએ નણંદ પાસે પહેલી વાર આ રકમ થોડા દિવસ માટે ઉધાર માગી હતી પણ એમણે ધરાર ના પાડી દીધી હતી. 

અભિષેક ડૉક્ટર બની ગયો હતો અને હોસ્પિટલમાં દોઢ લાખ રૂપિયાના પગારથી નોકરી કરતો હતો એ ખબર ફોઈના કાન સુધી છ મહિના પહેલાં પહોંચી ગઈ હતી. ફોઈ એમની કઝિન નણંદ તરલિકાની બી.કોમ થયેલી છોકરી રેખાનું ચોકઠું ભત્રીજા અભિષેક સાથે ગોઠવવાની ફિરાકમાં હતાં. 

એ ભાભી સાથે વાત કેવી રીતે કરવી એની મૂંઝવણમાં જ હતાં ત્યાં અચાનક એમના ઉપર ભાભીના અવસાનનો ફોન આવ્યો. આ મોકો ગુમાવવા જેવો ન હતો. ફોઈ અને ફુઆ ફ્લાઈટ પકડીને મુંબઈ પહોંચી ગયાં. ફુઆ તો સાંજે પાછા આવી ગયા પરંતુ ફોઈ પંદર દિવસ રોકાઈ ગયાં. અભિષેક તરફ ઘણું હેત પણ બતાવ્યું. 

" ચાલ હવે તને પીરસી દઉં એટલે મારે પણ કામનો પાર આવે. પંચાવન વર્ષે પણ બધું કામ હું જાતે જ કરું છું." ફોઈ બોલ્યાં અને રસોડામાં ગયાં. 

રસોઈ ગરમ થઈ ગઈ એટલે ફોઈએ અભિષેકને બે વ્યક્તિ બેસી શકે એવા નાનકડા ડાઈનીંગ ટેબલ ઉપર આવી જવાનું કહ્યું. 

ફોઈએ આજે દાળ ભાત રોટલી ભીંડાનું શાક અને થોડો કંસાર પણ બનાવેલો. 

" આજે શુભ પ્રસંગ છે એટલે થોડી લાપસી પણ બનાવી દીધી. " ફોઈ થાળી પીરસતાં બોલ્યાં. 

" કોનો શુભ પ્રસંગ ?" અભિષેક સમજ્યો નહીં. 

" તારોસ્તો. તારું અને રેખાનું આજે નક્કી થવાનું છે તો લાપસી તો બનાવવી જ પડે ને ! " ફોઈ હરખાઈને બોલ્યાં. 

" અરે ફઈબા હજુ મેં છોકરી જોઈ પણ નથી અને તમે લાપસીની વાત કરો છો ? હજુ ક્યાં નક્કી થયું છે ?" અભિષેકે હાથમાં લીધેલો કંસારનો કોળિયો હાથમાં જ રહી ગયો.   

" છોકરીએ તો તને જોયા વગર જ હા પાડી દીધી છે. હવે તું હા પાડે એટલી જ વાર. ભાભીના ગયા પછી તાત્કાલિક તારે ઘરવાળીની જરૂર છે બેટા. છોકરી સંસ્કારી છે પછી બીજું શું જોઈએ ? ભાભીને ગયાને હજુ મહિનો જ થયો છે. નહીં તો તને પરણાવીને જ પાછો મોકલું. " ફોઈ બોલ્યાં.  

અભિષેકને એટલો બધો ગુસ્સો ચડ્યો કે ના પૂછો વાત ! પણ એ ગમ ખાઈ ગયો. એ કંઈ બોલ્યો નહીં અને જમતો રહ્યો. 

" કાલે જ તરલિકાનો ફોન હતો. તારા માટે જ પૂછતી હતી કે તું ક્યારે આવે છે. રેખા માટે બીજી પણ એક વાત આવી છે. છોકરો અમદાવાદનો જ છે અને પૈસાદાર છે. ઘરે ગાડી પણ છે. પણ મેં કહ્યું કે અભિષેક જેવો છોકરો બીજે નહીં મળે." ફોઈ બોલ્યાં. 

" મીટીંગ જરા વહેલી રાખજો. મારી રાતના દસ વાગ્યાની ગુજરાત મેલની ટિકિટ છે. મારે નવ વાગે તો અહીંથી નીકળી જવું પડશે."  અભિષેક બોલ્યો. એનુ મન તો હવે છોકરી જોવામાંથી પણ ઉઠી ગયું હતું. 

" અરે આવ્યો છે તો બે દિવસ રોકાઈ જા ને ! તું ક્યાં અમદાવાદ વારંવાર આવે છે ! " ફોઈ બોલ્યાં.

અભિષેકને મનમાં થયું કે પપ્પાના ગયા પછી છેલ્લાં ૧૧ વર્ષમાં આજ સુધી ક્યારેય પણ આ ફોઈએ મને કે મમ્મીને અમદાવાદ આવવાનું આમંત્રણ આપ્યું નથી ! 

" ના ફઈબા કાલે સવારે તો મારી હોસ્પિટલમાં ડ્યુટી છે. આજે રવિવાર છે એટલા માટે જ આવી શક્યો છું." અભિષેક બોલ્યો. 

" મીટીંગ સાંજે પાંચ વાગ્યે રાખી છે. અહીં નજીક જ રાજા મહેતાની પોળમાં તરલિકા રહે છે. તારા ફુવાની કઝીન સિસ્ટર થાય. રેખા કામકાજમાં હોશિયાર છે. રસોઈ પણ સારી બનાવે છે. તને અત્યારે તકલીફ પડે છે એટલે મેં જ તરલિકાને તારા માટે સમજાવી છે બાકી એ તો મુંબઈ મોકલવા તૈયાર જ ન હતી."  ફઈબા પુરાણ ચાલુ હતું. 

" મને તો કોઈ તકલીફ નથી ફઈબા. એના માટે ગાડીવાળો પૈસાદાર છોકરો તૈયાર હોય તો પછી એની સાથે જ નક્કી થવા દો ને ? એ પણ પાછો અહીં અમદાવાદમાં જ છે એટલે  છોકરી નજર સામે તો રહેશે ! રેખાને પરાણે મુંબઈ શા માટે મોકલવી પડે ?" અભિષેકે ફોઈને ચાબખો માર્યો. 

" અલ્યા માંડ માંડ મેં એને તારા માટે સમજાવી છે ત્યાં તું કેમ આવી આડી વાત કરે છે ? હવે એ રાજી થઈ ગઈ છે. એટલે તો મેં તને બોલાવ્યો. એ લોકો તરફથી તો હા જ છે. તું પણ હા પાડી દે એટલે દિવાળી પછી ધામધૂમથી તારાં લગન કરીએ." ફોઈ બોલ્યાં.

એ પછી અભિષેક જમી રહ્યો ત્યાં સુધી એણે કોઈ ચર્ચા કરી નહીં. એ સમજી ગયો કે અમદાવાદના કોઈ જ પૈસાદાર છોકરાનું માગું નથી. ફોઈ  માત્ર નાટક કરે છે. 

સાંજે પોણા પાંચ વાગે એ છોકરી જોવા માટે તૈયાર થઈ ગયો. શર્ટ કાઢીને એણે બ્લુ ટીશર્ટ પહેરી લીધું. એના ગોરા શરીર ઉપર બ્લુ રંગ સારો લાગતો હતો. ગ્રે કલરનું પેન્ટ પહેર્યું અને થોડુંક પર્ફ્યુમ છાંટ્યું. 

" ફઈબા હું તૈયાર છું." અભિષેક બોલ્યો. 

" આપણે ચાલતાં જ જઈશું. બહુ દૂર નથી. " ફોઈ બોલ્યાં અને એમણે ઘરને તાળું માર્યું. આજે એમણે પણ ભારે સાડી પહેરી હતી. 

ચાલતાં ચાલતાં માત્ર ૨૫ મિનિટમાં રાજા મહેતાની પોળમાં કન્યાના ઘરે બેઉ જણ પહોંચી ગયાં. 

અગાઉથી ફોઈએ તરલિકા સાથે ફોન ઉપર વાત કરી લીધી હતી એટલે તરલિકાએ જમાઈની જેમ અભિષેકનું સ્વાગત કર્યું. એ પછી કાન્તાફોઈ અને તરલિકા હીંચકા ઉપર બેઠાં.  

પાંચ જ મિનિટમાં રેખા રસોડામાંથી બહાર આવી અને ગરમાગરમ મેથીના ગોટાની બે ડીશ ટેબલ ઉપર મૂકી. એ પછી બીજો ધક્કો ખાઈને ફેન્ટા શરબતના બે ગ્લાસ લઈ આવી. એ પછી સામે મૂકેલી ખુરશીમાં બેસી ગઈ. આજે એણે ગ્રીન કલરનો પંજાબી ડ્રેસ પહેર્યો હતો. એ ખાસ તૈયાર થઈ હોય એવું લાગ્યું નહીં ! 

અભિષેકને મેથીના ગરમા ગરમ ગોટા સાથે ફેન્ટાનું આ કોમ્બિનેશન સમજાયું નહીં ! 

" ગોટા રેખાએ જાતે બનાવ્યા  છે અભિષેક કુમાર ! " તરલિકાબેન બોલ્યાં. 

"ગોટા બહુ સરસ થયા છે માસી."  અભિષેકે જવાબ આપ્યો અને એણે પહેલી વાર રેખાની સામે નજર કરી. જો કે રેખાની નજર નીચે હતી. 

" રેખાને બધી જ રસોઈ આવડે છે. અડોશપડોશમાં વધારે મહેમાનો આવ્યા હોય તો રસોઈ કરવા માટે રેખાને જ બોલાવી લે. કામનો સપાટો બોલાવી લે ! બધા કામમાં હોશિયાર છે." તરલિકાબેન બોલ્યાં . 

" રેખાનો બધો જ પરિચય મેં આપી દીધો છે. એટલે એ બધી વાતો કરવાનો કોઈ અર્થ નથી તરલિકા. એને રાતની ટ્રેઈન છે એટલે હવે એ બે જણને કોઈ વાત કરવી હોય તો બંનેને મેડી ઉપર જવા દે. " ફોઈ બોલ્યાં. 

અને એ સાથે જ રેખા ઊભી થઈને સીધી મેડી ઉપર જતી રહી. અભિષેક એને જતી જોઈ રહ્યો.

પોળમાં મોટાભાગનાં મકાન એક માળનાં અને લગભગ એક જ સરખી ડિઝાઇનનાં હોય છે. ગ્રાઉન્ડ ફ્લોર અને ફર્સ્ટ ફ્લોર. પહેલા માળને મેડી કહેવામાં આવે છે. 

રેખાનું વર્તન એને થોડુંક વિચિત્ર લાગ્યું. દેખાવમાં એ ઘઉંવર્ણી અને થોડીક જાડી હતી. હાઈટ પણ બહુ ન હતી. બહુ દેખાવડી પણ નહીં અને બહુ ખરાબ પણ નહીં.

પહેલીવાર છોકરો અને છોકરી લગ્ન માટે મળતાં હોય ત્યારે છોકરીના ચહેરા ઉપર જે લજ્જા કે શરમના ભાવો હોય એનો રેખામાં સદંતર અભાવ હતો. પરાણે એને તૈયાર કરી હોય એવું લાગ્યું. 

અભિષેક ધીમે ધીમે આ સાંકડી સીડી ચઢીને ઉપર ગયો. ત્યા પાથરેલા પલંગના એક છેડા ઉપર રેખા બેઠી હતી. સામે એક ખુરશી મૂકેલી હતી. અભિષેક ત્યાં જઈને બેઠો. 

" મારા મનમાં તો તમારા માટે કોઈ સવાલો નથી. કારણ કે તમારો બધો પરિચય ફોઈએ આપી દીધો છે. તમારે કંઈ પૂછવું હોય તો પૂછી શકો છો. " વાત શરૂ કરવા ખાતર અભિષેક બોલ્યો. 

" મારે કંઈ પૂછવું જ નથી. મારે તો હા જ પાડવાની છે. " રેખાની નજર હજુ પણ નીચે તરફ જ હતી. 

" મને લાગે છે કે આ સંબંધથી તમે ખુશ નથી. તમને કોઈ રસ જ ના હોય તો પછી  મને છેક  મુંબઈથી શા માટે બોલાવ્યો ? " અભિષેક બોલ્યો. 

" રસ નથી એમ મેં કહ્યું નથી. મેં તો હા પાડી જ દીધી છે. " રેખા બોલી. 

" ભલે તમે હા પાડી હોય પરંતુ તમારા જવાબો ખૂબ જ નીરસ છે. ફોઈએ તો તમારાં બહુ જ વખાણ કર્યા છે. તમે તો મારી સામે પણ જોતાં નથી. " અભિષેક બોલ્યો. 

" સામે જોઈને શું કરવાનું ? અત્યાર સુધીમાં છ મીટીંગો કરી ચૂકી છું. એના એ જ સવાલો એના એ જ જવાબો. બધા માટે મારી હા હોય પણ સામેથી જવાબ " ના"  નો જ આવે. આપણો સંબંધ થાય તો અમારે તમારાં ફોઇને પચાસ હજાર આપવા પડે. અમારી પાસે એટલા પૈસા નથી. તમે મને રિજેક્ટ કરી દો પ્લીઝ. અને આ સોદાની વાત ફોઈને કહેતા નહીં. નહીં તો અમારે ઝઘડો થશે. " હવે રેખાએ દિલ ખોલીને સાચી વાત કરી. 

" તમારી વાત સાંભળીને ખરેખર દુઃખ થયું. ફઈબા મારો સોદો કરશે એવી તો મને કલ્પના પણ ન હતી. હવે મને સમજાય છે કે હું તમને હા પાડું એટલા માટે સવારથી ફઈબા મને કેમ આટલું બધું સમજાવી રહ્યાં હતાં ! " અભિષેક બોલ્યો. 

"મારા પપ્પા નથી. હું પ્રાઇવેટમાં એક જગ્યાએ નોકરી કરું છું. દસ હજાર પગાર મળે છે. ઘરમાં કોઈ ખાસ બચત નથી. છોકરાઓ જોઈ જોઈને કંટાળી ગઈ છું." રેખા બોલી અને એની આંખો ભીની થઈ ગઈ.

" મારા તરફથી હા છે. હું લગ્ન કરવા તૈયાર છું. અને ફોઈને આપવાના પચાસ હજાર હું જ તમને આપી દઈશ." અભિષેક બોલ્યો. 
                                        ક્રમશઃ 
અશ્વિન રાવલ (અમદાવાદ)