Abhishek - 6 in Gujarati Fiction Stories by Ashwin Rawal books and stories PDF | અભિષેક - ભાગ 6

Featured Books
Categories
Share

અભિષેક - ભાગ 6

અભિષેક પ્રકરણ 6 

અંજલીનો મેસેજ આવ્યા પછી અભિષેક શરૂઆતમાં તો ખૂબ જ ખુશ થઈ ગયો હતો. આવી લાઈફ પાર્ટનર મળે તો જિંદગી રંગીન બની જાય ! પરંતુ અંજલીએ છેલ્લે બે વર્ષના લાંબા ગાળાની વાત કરી એનાથી અભિષેક અપસેટ થઈ ગયો. 

અંજલી છોકરી ઘણી સારી લાગે છે. એની વાતો પણ દિલના તાર ઝણઝણાવી દે છે. એણે તો મારો પતિ તરીકે સ્વીકાર પણ કરી લીધો. વર્ષોથી મારા પ્રેમમાં પડી હોય એવી રીતે એણે મેસેજ કર્યા ! પરંતુ રેખાના કહેવાથી આટલો જલ્દી લગ્નનો નિર્ણય અંજલી કેવી રીતે લઈ શકે ?

અને માનો કે રેખાના કહેવાથી એણે મને જોયા વગર જ લગ્નનો નિર્ણય લઈ લીધો હોય તો પણ શું બે વર્ષ સુધી મારે એની રાહ જોવી ?  

સારી છોકરીઓ એમ જલ્દી મળતી નથી. અને મા બાપ વગર છોકરીઓની તપાસ પણ કોણ કરે ? સોશિયલ મીડિયામાંથી કદાચ કોઈ પસંદ આવે તો પણ ૧૫ દિવસ કે મહિનામાં લગન થોડાં થઈ શકે ? અને હવે તો ભાદરવો શરૂ થઈ જશે. ચાતુર્માસમાં આમ પણ કોઈ લગન કરતું નથી !! 

બે વર્ષનો સમયગાળો ઘણો જ લાંબો હતો અને ત્યાં સુધી કોઈ પણ સંજોગોમાં રાહ ન જોઈ શકાય. જો કે ચાતુર્માસના કારણે હમણાં બે અઢી મહિના તો પત્ની વિના પસાર કરી દેવા જ પડશે અને ટિફિનથી જ ચલાવી લેવું પડશે !  

પરંતુ હવે સોશિયલ મીડિયામાં લગ્નની વેબસાઈટો ઉપર એક્ટિવ તો થઈ જવું જ પડશે. પોતે ડોક્ટર છે, સારો પગાર છે તો કદાચ કોઈ ખૂબસૂરત છોકરી મળી પણ જાય. સ્વયંવર નહીં પરંતુ સ્વયંકન્યા માટે કન્યાની શોધ તો મારે જ કરવી પડશે ! 

બીજા દિવસે એણે આખો દિવસ આ જ વિચારો કર્યા પણ રાત્રે એ સૂવા જતો હતો ત્યારે અચાનક એને સ્વામી નિર્મલાનંદજીની યાદ આવી. કદાચ એમનું સ્મરણ કરવાથી એને કોઈ માર્ગદર્શન અંદરથી મળી આવે કે એનાં લગ્ન ક્યાં થશે અને ક્યારે થશે ? અને લગ્નમાં વિલંબનું કારણ પૂર્વજન્મનું પેલું પાપ કર્મ તો નહીં હોય ને ! 

ધ્યાન કરવાની જિંદગીમાં એણે ક્યારેય પણ કોશિશ કરી ન હતી કે ધ્યાન વિશે એ કંઈ જાણતો પણ ન હતો. છતાં એ પોતાની પથારીમાં પલાંઠી વાળીને બેસી ગયો. બંને આંખો બંધ કરી દીધી અને સ્વામી નિર્મલાનંદજીનું સ્મરણ કરવા લાગ્યો. 

અડધા કલાક સુધી એણે સ્વામીજીને પ્રાર્થના કર્યા કરી. ધ્યાન દરમિયાન તો એને કોઈ અનુભવ ના થયો પરંતુ સ્વપ્નમાં એને એનો જવાબ મળી ગયો. 

સપનામાં અભિષેક હિમાલયની પર્વતમાળાઓની છેક અંદરના ભાગમાં જમીનથી સહેજ ઊંચાઈ ઉપર હવામાં ઊભો હતો. ચારે બાજુ બરફના પહાડો હતા. આજુબાજુ કોઈ વૃક્ષો પણ ન હતાં. વચ્ચે તળાવ જેવું દેખાતું હતું પણ એ પણ બરફ થઇ ગયું હતું. સપનામાં પણ હાડ થીજવતી કાતિલ ઠંડીનો એને અનુભવ થઈ રહ્યો હતો !!

" તારાં લગ્ન અંજલી સાથે જ થશે. એ જ તારા પાછલા બે જનમોથી તારી જીવનસાથી છે. રેખા તો માત્ર નિમિત્ત બની છે. અને રેખાએ અંજલીને તારો પરિચય કરાવ્યો એના પહેલાંથી જ અંજલીને ખબર હતી કે એનાં લગ્ન તારી સાથે થવાનાં છે ! " સ્વામી નિર્મલાનંદજીનો સ્પષ્ટ અવાજ એને સંભળાયો. 

" સ્વામીજી એ કઈ રીતે ? રેખાએ મારો પરિચય કરાવ્યો એ પહેલાં અંજલી તો મને ઓળખતી જ નહોતી ! " અભિષેકે આશ્ચર્યથી પૂછ્યું.  

સ્વામીજી ખડખડાટ હસી પડ્યા અને હિમાલયની ગિરિમાળાઓમાં એ હાસ્યના પડઘા પડ્યા. 

" તું સવાલો બહુ કરે છે. બધાં રહસ્યો ખુલી જશે. એમનેમ તો એ તને પતિ માનીને પહેલી જ વાર આટલા બધા પ્રેમથી મેસેજ ના કરે ને ! " સ્વામીજી બોલ્યા. 

" પરંતુ સ્વામીજી અંજલી તો બે વર્ષ પછી ઇન્ડિયા આવવાની છે. અને મારી માતાના ગયા પછી મારે જલ્દી લગ્ન કરવાં જરૂરી છે. " અભિષેક બોલ્યો. 

" વિધિના લેખને કોઈ મિથ્યા કરી શકતું નથી. તારા પ્રારબ્ધને તારી વર્તમાન ચિંતા સાથે  કોઈ લેવાદેવા નથી હોતી. રાહ તો જોવી જ પડશે. સમયના પ્રવાહમાં બધું આપોઆપ બન્યા કરે છે. તારા જીવનમાં જે પણ ઘટના ચક્રો બને છે એને બસ જોયા કર. તારું ધ્યાન રાખનાર કોઈક તો તારી સાથે છે જ.  બસ તને ખબર નથી. " સ્વામીજીનો ફરીથી અવાજ સંભળાયો અને એ સાથે જ અભિષેક ઝબકીને જાગી ગયો. 

પોતે જાણે હિમાલયની તળેટીમાં ઉભો હોય એવી ઠંડીનો અનુભવ જાગ્યા પછી પણ એને થઈ રહ્યો હતો !  

એણે બાજુમાં રાખેલા મોબાઇલમાં ટાઈમ જોયો તો સવારના બરાબર પાંચ વાગ્યા હતા. 

અભિષેકને થયેલો આ સ્વપ્ન અનુભવ
અદભુત હતો અને સ્વામીજીના બધા જ શબ્દો એને અત્યારે પણ યાદ હતા. એણે મન મનાવી લીધું કે હવે અંજલી જ એની પત્ની છે અને આ જ એનું ડેસ્ટીની છે. એટલે હવે સોશિયલ મીડિયામાં કોશિશ કરવાની કોઈ જ જરૂર નથી ! 

જો અંજલી જ મારા પ્રારબ્ધમાં લખેલી છે તો મને રેખાનો ભેટો કરાવનાર પણ કોઈ દિવ્ય શક્તિ જ હશે. ફોઈ પણ એમાં નિમિત્ત બન્યાં હતાં. કોઈએ સાચું જ કહ્યું છે કે જગતમાં બનતી બધી જ ઘટનાઓ નવા કોઈ પ્રારબ્ધને જન્મ આપે છે. બધાં ઘટના ચક્રો એકબીજા સાથે સાંકળની જેમ જોડાયેલાં હોય છે.

એ પોતે જાગી જ ગયો હતો એટલે એ ઉભો થઈ ગયો. બ્રશ કરી ફ્રેશ થઈ નાહી પણ લીધું અને ગાયત્રી મંત્રની માળા કરવા બેસી ગયો. ધીમે ધીમે હવે એને ગાયત્રી મંત્રમાં રસ પડતો હતો.

સ્વામીજી મળ્યા પછી એને ગાયત્રી મંત્ર મળ્યો. ગાયત્રીની માળા ચાલુ કરી અને તરત અમદાવાદ આવવાનું થયું અને રેખા મળી. રેખા મળી તો એને અંજલી જેવી સુંદર જીવનસાથી પણ મળી. જાણે કે બધી જ ઘટનાઓ ગાયત્રી મંત્ર સાથે જોડાયેલી હતી ! 

સ્વામીજીએ કહ્યું એમ ઈશ્વર એનું ધ્યાન રાખી જ રહ્યો છે તો એણે હવે આ બધી ચિંતા કરવાની કોઈ જરૂર નથી. 

સવારનું બધું રૂટીન પતી ગયું એટલે એ ૯:૩૦ વાગે બોરીવલી હોસ્પિટલ જવા માટે નીકળી ગયો.  

ત્રણ ચાર દિવસ પસાર થયા હશે ત્યાં એક દિવસ અભિષેક પોતાની ડ્યુટી ઉપર હોસ્પિટલમાં હતો ત્યારે બપોરે નાશિકથી એનાં વીણામાસીનો ફોન આવ્યો. અભિષેકની મમ્મી સ્નેહલતા અને વીણા બંને સગી પિતરાઈ બહેનો હતી. વીણામાસી મમ્મી કરતાં મોટાં હતાં.  મમ્મીનું અવસાન થયું ત્યારે વીણામાસી પણ આવેલાં અને પંદર દિવસ રોકાયેલાં. એ પોતે પણ વિધવા જ હતાં. 

" અરે અભિષેક બેટા અત્યારે વાત થઈ શકે એવી છે ? નહીં તો પછી રાત્રે ફોન કરું." માસી બોલ્યાં.  

"હા હા વાત કરો. અત્યારે હું ફ્રી જ છું. " અભિષેક બોલ્યો. 

" મેં ફોન એટલા માટે કર્યો હતો કે  ત્યાં અંધેરી ઈસ્ટમાં કોઈ હિન્દુજા નર્સિંગ કોલેજ છે ત્યાં તારી બહેન આરતીને છ મહિનાના જનરલ નર્સિંગ કોર્સમાં એડમિશન મળ્યું છે. ત્રણ ચાર જગ્યાએ એપ્લાય કર્યું હતું ત્યાં આ કોલેજ મળી છે." વીણામાસી બોલ્યાં. આરતી વીણામાસીની એકની એક દીકરી હતી. 

" એ તો ઘણી સારી વાત છે માસી. હિન્દુજા કોલેજ ઓફ નર્સિંગ ખૂબ જ ફેમસ છે. અંધેરી ઇસ્ટ મરોલમાં આવેલી છે. " અભિષેક બોલ્યો. 

" એને બારમામાં સારું રીઝલ્ટ આવ્યું છે પરંતુ મેડિકલમાં એડમિશન મળે એવું નથી. અને ડોક્ટર બનાવવા જેટલા પૈસા પણ નથી. એટલે વિચાર્યું કે એને નર્સિંગનો કોર્સ કરાવી દઈએ. પણ સવાલ મુંબઈમાં રહેવાનો છે. બહેન ગયા પછી ઘરમાં તું એકલો જ છે. તને ખાવા પીવાની પણ તકલીફ પડતી હશે. જો આરતીને તારા ઘરે મૂકી દઉં તો હોસ્ટેલની ફી ભરવી ના પડે અને તને પણ બે ટાઈમ ગરમ ગરમ જમવાનું મળે. છ મહિનાનો સવાલ છે બેટા. તને જો વાંધો ના હોય તો. " વીણામાસી બોલ્યાં.

અને અચાનક અભિષેકને ચાર દિવસ પહેલાં પરોઢીયે આવેલા સપનાની વાત યાદ આવી. સ્વામીજીએ કહ્યું હતું કે  - "તારા જીવનમાં જે પણ ઘટના ચક્રો બને છે એને તું જોયા કર. તારું ધ્યાન રાખનાર કોઈક તો છે જ "

" અરે માસી તમે કેવી વાત કરો છો ? તમે મારી મમ્મીના ઠેકાણે છો અને આ તમારું જ ઘર છે. મને આવું પૂછવાનું જ ના હોય અને આરતીને એકલીને મોકલવાની નથી. તમારે પણ સાથે આવવાનું છે અને છ મહિના રહેવાનું છે. " અભિષેક બોલ્યો. 

" ના દીકરા. અમારે બંનેએ તારા ત્યાં ના રહેવાય. આરતી એકલી જ રહેશે. એને ઘરનું બધું જ કામકાજ ફાવે છે અને રસોઈ પણ સારી બનાવે છે. " વીણામાસી બોલ્યાં. 

" માસી માસી... તમે પ્લીઝ આવું ના કહો. મેં કહ્યું ને કે આ તમારું જ ઘર છે. મમ્મી વગર મને બહુ જ સૂનું લાગે છે. તમે પણ સાથે રહેશો તો મને બહુ જ સારું લાગશે. અને કામની કોઈ ચિંતા નથી. કામવાળી બંધાવેલી જ છે. આરતી ભણવા આવે છે તો એને ભણવા દો. રસોઈ તમે જ કરજો. " અભિષેકે ખૂબ જ ભારપૂર્વક લાગણીથી કહ્યું. 

" ઠીક છે બેટા. ઓક્ટોબરથી એને એડમિશન મળ્યું છે એટલે અમે અઠવાડિયામાં ગમે ત્યારે આવી જઈશું. મેં ધાર્યું નહોતું એવો જવાબ મને તારા તરફથી મળ્યો છે. આરતી તો ના પાડતી હતી કે ભાઈને તકલીફ નથી આપવી. " વીણામાસી બોલ્યાં. 

" આરતી મને બહુ ઓળખતી ના હોય એટલે એને મારા સ્વભાવનો ખાસ પરિચય ના હોય . એ આવશે એટલે એને અહીં બહુ જ મજા આવશે. દહીસરથી અંધેરી ઈસ્ટની ડાયરેક્ટ મેટ્રો ટ્રેન છે અને દર ૧૦ મિનિટે ઉપડે છે. એક કલાકમાં પહોંચી જવાય છે." અભિષેક બોલ્યો. 

" મેટ્રો જતી હોય તો તો બહુ સારું બેટા. મને એમ જ ચિંતા હતી કે રોજ  રોજ આટલી ભીડમાં આરતી છેક અંધેરી કેવી રીતે જશે ? મુંબઈમાં તો લોકો લટકતાં મુસાફરી કરે છે."  વીણામાસી બોલ્યાં.

" ના ના મેટ્રોમાં તો એવી કોઈ ચિંતા નથી. તમે વિના સંકોચે મારા ઘરે આવી શકો છો. મને પણ તમારા લોકોની કંપનીમાં બહુ આનંદ આવશે અને મારું ઘર ભર્યું ભર્યું લાગશે. " અભિષેક બોલ્યો અને ફોન કટ કર્યો. 

અભિષેકને થયું કે પોતે ખોટી ચિંતા કરતો હતો. સમય પ્રમાણે જીવનમાં બધું મળતું જ હોય છે. ખોટી ચિંતા કરવાનો કોઈ મતલબ નથી હોતો. ઘરની ગરમ ગરમ રસોઈની પણ વ્યવસ્થા થઈ ગઈ ! 

બીજા ચાર દિવસ પસાર થઈ ગયા.
પછી એક દિવસ સાંજે પાંચ વાગે ઋષિકેશથી આવતાં ટ્રેઈનમાં જેની મુલાકાત થઈ હતી એ શિવાનીનો ફોન આવ્યો. 

" કેમ છો ડૉક્ટર ? શિવાની બોલું. આજે સાંજે તમને ઘરે આવવાનું ફાવશે ? પપ્પા તમને યાદ કરતા હતા. જમવાનું આજે સાંજે અમારા ઘરે જ રાખવાનું છે. " શિવાની બોલી. 

" અંકલને મળવા માટે ઘરે આવવામાં મને કોઈ વાંધો નથી. મને તો ફાવશે. જમવાની માથાકૂટ રહેવા દો. મેં ટિફિન બંધાવેલું જ છે." અભિષેક બોલ્યો. 

" ટિફિનવાળાને ના પાડી દો સાહેબ. કોઈક દિવસ તો તમને જમાડવાની તક અમને આપો ! અને જમાડવામાં અમને તો ખુશી થાય છે. એટલે એવું ના વિચારશો. " શિવાની બોલી. 

" ઠીક છે તો પછી હું ટિફિનવાળાને આજે ના પાડી દઉં છું. કેટલા વાગે ફાવશે ? " અભિષેકે પૂછ્યું. 

" હું તો ઘરે જ છું આજે. તમને જ્યારે ફાવે ત્યારે આવી શકો છો. જમવાનું આઠ વાગે તૈયાર થઈ જશે." શિવાની બોલી. 

વાત પૂરી થઈ એટલે અભિષેકે ટિફિન વાળાં બહેન જોડે વાત કરી લીધી કે આજે ટિફિન ના મોકલશો. 

એ પછી અભિષેક લગભગ પોણા આઠ વાગે સાંઈબાબાનગર બોરીવલીમાં શિવાનીએ લખાવેલા એડ્રેસ ઉપર એના ઘરે પહોંચી ગયો. 

" આવો આવો સર. આજે મારા ઘરમાં તમારું સ્વાગત કરું છું. પપ્પા પણ તમારી રાહ જોઈ રહ્યા છે. " શિવાનીએ દિલથી અભિષેકનું સ્વાગત કર્યું. 

" પધારો ડૉક્ટર સાહેબ. તમને મળીને ખૂબ જ આનંદ થયો. " ઋષિકેશ અંકલ સોફા ઉપરથી ઉભા થઈને અભિષેકની સામે આવ્યા. 

" અરે અંકલ. તમારે મને સાહેબ કહેવાનું ના હોય. હું તો તમારા દીકરા જેવો છું. " અભિષેક એમનાં ચરણ સ્પર્શ કરીને બોલ્યો. 

" અરે અરે અભિષેક... તમારે મારા ચરણસ્પર્શ કરવાના ના હોય !" ઋષિકેશ અંકલ બોલ્યા. 

" તમે એક ગાયત્રી ઉપાસક વિદ્વાન બ્રાહ્મણ છો અને પાછા વડીલ પણ છો. આટલું સન્માન તો તમને મળવું જ જોઈએ. " અભિષેક બોલ્યો અને સોફા ઉપર બેઠો. 

" મેં ધાર્યું હતું એના કરતાં તમે ઘણા વિવેકી અને સંસ્કારી છો. કદાચ એટલા માટે જ શિવાની તમારાં વખાણ કરતાં થાકતી નથી. " ઋષિકેશ અંકલ બોલ્યા. 

" હવે તમે બંને પહેલાં જમી લો. હું જરા રસોઈ ગરમ કરી લઉં. " શિવાની બોલી અને કિચનમાં ગઈ. અનેરી પણ પાછળ પાછળ ગઈ. 

અભિષેક સાથે થોડી આડી અવળી વાતો કરીને પાંચ દસ મિનિટ પછી ઋષિકેશ અંકલ ઊભા થયા. 

" ચાલો આપણે જમી લઈએ. " અંકલ બોલ્યા અને વોશબેસિન પાસે જઈને હાથ ધોઈ લીધા. 

અભિષેક પણ એમની પાછળ ને પાછળ અંદર ગયો અને એણે પણ વોશબેસિનમાં હાથ ધોઈ નાખ્યા. એ પછી બંને જણા ડાઇનિંગ ટેબલ ઉપર ગોઠવાઈ ગયા. 

જમવામાં આજે દૂધપાક પૂરી, છોલે,  મેથીના ગોટા અને કઢી ભાત હતા. ભાદરવામાં આમ પણ મોટાભાગે દૂધપાક જ બનતો હોય છે. રસોઈ શિવાની અને અનેરીએ ભેગાં થઈને બનાવી હતી. 

"રસોઈ તો સરસ બની છે. આન્ટી કેમ દેખાતાં નથી ?" અભિષેક જમતાં જમતાં બોલ્યો. 

" મમ્મી બે વર્ષ પહેલાં જ દેવલોક પામી ગયાં." અનેરી બોલી. 

" ઓહ્ ... આઈ એમ સોરી. મને તો આ ખબર જ ન હતી. મારાં મમ્મી પણ દોઢ મહિના પહેલાં અચાનક હાર્ટ એટેકથી ગુજરી ગયાં " અભિષેક બોલ્યો. 

" હા, એ વાત મને શિવાનીએ કરી. તમે ટ્રેઈનમાં એની ખૂબ કાળજી રાખી. એની પથરીની ભયંકર પીડાને પણ ઇન્જેક્શન આપીને તરત જ દૂર કરી દીધી. કેવો યોગાનુયોગ કે તમારી બાજુમાં જ એની સીટ આવી." ઋષિકેશ અંકલ બોલ્યા.  

" એ તમારી દીકરી છે.  મારી બાજુમાં જ એની સીટ આવવી એ પણ તમારા જેવા પ્રખર ગાયત્રી ઉપાસકની કૃપાથી જ શક્ય બને અંકલ. " અભિષેક બોલ્યો. 

" વાહ કેટલી બધી સમજદારી છે તમારામાં ! તમે પણ ગાયત્રી મંત્ર કરો છો એવું મને લાગે છે. " ઋષિકેશ અંકલ બોલ્યા. 

" હા અંકલ જસ્ટ બસ હમણાં એકાદ અઠવાડિયાથી જ ચાલુ કર્યા છે. તમને કેવી રીતે ખબર પડી ? " અભિષેકે જસ્ટ પૂછ્યું. 

"તમારી અને મારી ઉર્જા એકબીજાના ટ્યુનિંગમાં છે એટલે ખબર તો પડી જ જાય. આપણે જમીને પછી આ બધી વાતો કરીએ. " અંકલ બોલ્યા. 

અને પછી બંનેએ વાતો બંધ કરીને જમવામાં ધ્યાન આપ્યું. 

" હવે બોલો અભિષેક. " જમ્યા પછી બંને પાછા સોફામાં આવીને બેઠા ત્યારે અંકલ બોલ્યા. 

" ના બસ આ તો તમે ટ્યુનિંગની વાત કરી એટલે મને થોડું કુતૂહલ થયું. " અભિષેક બોલ્યો. 

" દરેક ચેતનાની વેવલેન્થ અલગ અલગ હોય છે. દરેક મંત્રની એક ચોક્કસ ફ્રિકવન્સી હોય છે. એટલે એક જ ફ્રિકવન્સી હોવાથી તમને ખ્યાલ આવી જાય. તમે જેમ જેમ ગાયત્રી મંત્રો કરતા જશો એમ એમ તમારામાં પણ આ શક્તિ ડેવલપ થતી જશે. તમે પણ ઘણું બધું જોઈ શકશો. તમને ગાયત્રી મંત્રની દીક્ષા મળી ગઈ છે એ પણ મને ખ્યાલ આવી ગયો છે. " અંકલ બોલ્યા. 

" એ કેવી રીતે ખબર પડે અંકલ ? " અભિષેકે પૂછ્યું. 

"તમારું મુલાધાર ચક્ર જાગૃત થઈ ગયું છે. કોઈપણ મંત્ર દીક્ષા મળે એટલે સૌથી પહેલાં તો એ મંત્રની ઉર્જા  સહસ્ત્રાર ચક્રથી અંદર પ્રવેશીને છેક નીચેના મુલાધાર ચક્રમાં સ્થિર થઈ જાય. તમારામાં હું એ જોઈ શકું છું. જેમ જેમ તમે ગાયત્રી મંત્રો કરતા જશો તેમ તેમ એ ચેતના ઉપર આવતી જશે અને એના પછીનું ચક્ર ખુલી જશે. " અંકલે સમજાવ્યું. 

" કેટલી બધી અદભુત વાતો છે આ અંકલ ! " અભિષેક બોલ્યો. 

" તમને એક બીજી વાત પણ મારે કરવાની છે. શિવાનીએ ઘરે આવીને મને બધી વાત કરી કે એને તમે બહુ જ પસંદ આવી ગયા છો. મને પણ ખૂબ જ આનંદ થયો કે માં વગરની દીકરીને એક ડોક્ટર પાત્ર મળી ગયું છે. બે દિવસ તો હું ખૂબ જ ખુશ રહ્યો અને તમને ઘરે બોલાવવાનો આગ્રહ પણ મેં જ કર્યો. પરંતુ હું જ્યારે ધ્યાનમાં બેઠો ત્યારે ખ્યાલ આવી ગયો કે તમારા માટે બીજું કોઈ પાત્ર નિર્માણ થઈ ચૂક્યું છે. મેં હજુ શિવાનીને આ વાત નથી કરી. " ઋષિકેશ અંકલ બોલ્યા. 

અભિષેક તો આશ્ચર્યથી આ વાત સાંભળી જ રહ્યો. ગાયત્રી મંત્રની શક્તિથી કેટલું બધું જોઈ શકાય છે !  કેટલું બધું જાણી શકાય છે ! 

" તમને દીક્ષા કોણે આપી ? કારણ કે તમે અઠવાડિયાથી જ આ મંત્ર ચાલુ કર્યો છે છતાં તમારું મુલાધાર ચક્ર આટલું બધું જાગૃત કેમ છે એનું મને આશ્ચર્ય થાય છે. તમારી ઑરા પણ ઘણી પાવરફૂલ થઈ ગઈ છે. " અંકલ બોલ્યા. 

અને અભિષેકે જે પણ બન્યું હતું એ બધી જ વાત માંડીને ઋષિકેશ અંકલ સાથે શેર કરી. ટ્રેઈનમાં મહાત્માજીએ હવામાંથી પૂરી શાક અને દહીં પ્રગટ કરીને અભિષેકને જમાડ્યો ત્યાંથી શરૂ કરીને કુટીર અદ્રશ્ય થઈ ગઈ એ બધી જ વાતો શાંતિથી કરી. 

અભિષેકની વાતો સાંભળીને અંકલ એકદમ રોમાંચિત થઈ ગયા અને આંખો બંધ કરીને અચાનક ધ્યાનમાં જતા રહ્યા. એમના ચહેરા ઉપર મંદ મંદ હાસ્ય હતું ! 

" મારે તમને એક દિવ્ય વ્યક્તિ પાસે લઈ જવા પડશે. તમે તૈયાર છો ? " થોડીવાર પછી ધ્યાનમાંથી બહાર આવીને ઋષિકેશ અંકલ બોલ્યા. 
                                      ક્રમશઃ 
અશ્વિન રાવલ (અમદાવાદ)