Abhishek - 2 in Gujarati Fiction Stories by Ashwin Rawal books and stories PDF | અભિષેક - ભાગ 2

Featured Books
Categories
Share

અભિષેક - ભાગ 2

અભિષેક પ્રકરણ 2

અભિષેક મુન્શી મુંબઈથી પોતાની મમ્મીનાં અસ્થિ પધરાવવા માટે ઋષિકેશ આવ્યો હતો. એની સાથે આ પ્રવાસમાં એક સંન્યાસી મહાત્મા પણ એના જ કમ્પાર્ટમેન્ટમાં યાત્રા કરી રહ્યા હતા. 

ઋષિકેશ પહોંચ્યા પછી મહાત્માજીએ અભિષેકને કહ્યું કે અસ્થિની સાથે એની મમ્મી પણ ઋષિકેશ આવી છે અને તારી પાછળ જ ઊભી છે ત્યારે અભિષેક ચમકી ગયો. એણે ચમકીને પાછળ જોયું ત્યાં સુધીમાં તો સાધુ મહાત્મા અદ્રશ્ય થઈ ગયા હતા. 

પોતાની સાથે આવો ચમત્કાર પહેલી વાર થયો હતો એટલે અભિષેક હજુ પણ આ ઘટનાને સમજી શકતો ન હતો. સાધુ મહાત્માએ હવામાંથી એને પૂરી શાક અને દહીં આપ્યાં હતાં એ પણ એને યાદ આવી ગયું. આ સાધુ મહાત્મા કોઈ સાધારણ સન્યાસી ન હતા એટલી તો એને ખાતરી થઈ જ ગઈ. 

ઋષિકેશ પહોંચ્યા પછી સૌથી પહેલાં તો એણે બુક કરાવેલી હોટલ શોધી કાઢવાની હતી. આમ તો અહીં ઘણી બધી ધર્મશાળાઓ હતી પરંતુ પોતે હવે એક ડોક્ટર હતો અને હોટલના પૈસા ખર્ચી શકે તેમ હતો એટલે એણે મુંબઈથી જ ગૂગલ દ્વારા હોટલ સર્ચ કરી હતી અને ગંગાના કિનારે જ સ્વર્ગ આશ્રમની બિલકુલ પાછળ આવેલી ગ્રીન વ્યુ હોટલ બુક કરાવી દીધી હતી. 

ઋષિકેશથી એ અજાણ્યો હતો અને સ્ટેશનથી હોટલ દૂર હતી એટલે એણે સ્ટેશનથી રીક્ષા કરી લીધી. 

હોટલનું લોકેશન એને બહુ જ ગમી ગયું. ગીતાભવન અને પરમાર્થ નિકેતન ની પાછળ જ આ હોટલ હતી. એણે રિસેપ્શન કાઉન્ટર ઉપર જઈને પોતાનું બુકિંગ જણાવ્યું અને ક્વીન રૂમ પસંદ કર્યો. બીજા માળે આવેલો ડબલ બેડવાળો આ રૂમ પ્રમાણમાં ઘણો સારો હતો અને અહીંથી ખળખળ વહેતી ગંગા નદીનાં દર્શન પણ થતાં હતાં. 

ટ્રેઈનમાં મહાત્માજીએ એને જમાડી દીધો હતો એટલે જમવાનો તો કોઈ પ્રશ્ન હતો જ નહીં. એણે બે ત્રણ કલાક આરામ કરવાનું જ પસંદ કર્યું.

સાંજે ચાર વાગે ઊઠીને એણે ચા મંગાવી અને પછી ઋષિકેશનો ગંગા કિનારો જોવા માટે નીચે ઉતર્યો. એ પહેલાં એ રિસેપ્શન કાઉન્ટર ઉપર ગયો અને અસ્થિ પધરાવવા વિશે થોડી પૂછપરછ કરી. 

" મારે આવતીકાલે ગંગા નદીમાં અસ્થિ પધરાવવાનાં છે તો અહીં કઈ જગ્યાએ અસ્થિ પધરાવી શકાય ? " અભિષેકે હિન્દીમાં પૂછ્યું. 

" અરે ભાઈ આમ આવો. ગુજરાતથી આવ્યા છો ? " રિસેપ્શનિસ્ટ જવાબ આપે એ પહેલાં એક વડીલ ત્યાં સોફા ઉપર બેઠેલા હતા એમણે અભિષેકને નજીક બોલાવ્યો. 

"ના અંકલ. ગુજરાતથી નહીં પણ મુંબઈથી આવું છું પણ હું ગુજરાતી જ છું. પણ તમને કેવી રીતે ખબર પડી ? " અભિષેક બોલ્યો. 

" માણસને ઓળખવાનો અનુભવ !  મને તમારી બોલવાની સ્ટાઈલ ઉપરથી લાગ્યું. જુઓ તમારે અસ્થિ પધરાવવાં હોય તો કાલે સવારે ત્રિવેણી ઘાટ પહોંચી જાઓ. બહુ દૂર નથી. કિનારે કિનારે ચાલતા જ જઈ શકાશે. ગંગા જમના અને સરસ્વતી નદીનો ત્યાં સંગમ છે. સરસ્વતી તો ગુપ્ત છે પરંતુ બે પ્રવાહ સ્પષ્ટ દેખાય છે. અને અસ્થિ પધરાવ્યા પછી ત્યાં સ્નાન કરવાનું ના ભૂલતા. એ જગ્યાનું બહુ જ મહત્ત્વ છે. "  વડીલ બોલ્યા. 

"ખૂબ ખૂબ આભાર અંકલ. હું અહીં પહેલીવાર આવું છું. મારે મમ્મી માટે પિંડદાન અને શ્રાદ્ધ કરવું હોય તો ? " અભિષેકે પૂછ્યું. 

" બધી જ વ્યવસ્થા ત્યાં ત્રિવેણી ઘાટ ઉપર થઈ જશે. આ બધી વિધિ કરાવનારા પંડા તમને ત્યાં મળી જશે. ભાવતાલ ખાસ કરજો. " વડીલ બોલ્યા. 

" જી અંકલ. અને અહીં ઋષિકેશમાં જોવાલાયક અથવા ફરવા લાયક જગ્યાઓ કઈ છે ? " અભિષેકે છેલ્લો પ્રશ્ન પૂછ્યો. 

" આમ તો આ આખો ગંગાકિનારો જ ફરવા જેવો છે. રામ ઝૂલા, લક્ષ્મણ ઝૂલા જેવી જગ્યાઓ છે પરંતુ એ તો બધા ગંગા નદી ઉપરના પુલ છે. અહીં સાંજે ૭ વાગે ગંગા આરતી થાય છે એ તમે ખાસ જોજો. બાકી જો તમને મંદિરોમાં રસ હોય તો અહીં ત્રંબકેશ્વર મહાદેવનું મંદિર અને ત્રિવેણી ઘાટ ઉપર ભારત માતાનું મંદિર પણ જોવા જેવું છે. બાબા કાલી કમલીવાલાનો આશ્રમ પણ લોકો જોવા જતા હોય છે." વડીલ બોલ્યા. 

"આટલી માહિતી માટે તમારો ખૂબ ખૂબ આભાર અંકલ." અભિષેક બોલ્યો અને હોટલની બહાર નીકળ્યો. 

એણે ગંગાના કિનારે કિનારે બંને બાજુએ એક એક ચક્કર માર્યું અને એક કલાકનો સમય પસાર કર્યો. અંકલની વાત સાચી હતી. અહીં ગંગા નદી જોવાનો પણ એક અનોખો આનંદ હતો ! 

રાત્રે ૮ વાગે ગ્રીન વ્યુ હોટલના રેસ્ટોરન્ટમાં જ એણે જમી લીધું. જમવાનું ઠીક ઠીક હતું. 

રાત્રે સૂતી વખતે ફરી પાછો એ સાધુ મહાત્માના વિચારોમાં ચડી ગયો. કોણ હશે એ સન્યાસી ? એમણે હવામાંથી ભોજન કેવી રીતે મંગાવ્યું હશે ? અને જતાં જતાં કહી દીધું કે મમ્મી પણ તમારી સાથે ને સાથે જ છે તો પછી મને કેમ કોઈ અનુભવ થતો નથી ! 

ચોમાસાની સિઝન હતી એટલે થોડી વાર પછી બહાર વરસાદ પડવાનો ચાલુ થઈ ગયો. એસીની એને આદત ન હતી એટલે ધીમો પંખો ચાલુ રાખીને એણે ઓઢી લીધું અને પછી સૂઈ ગયો. 

સવારે છ વાગે એ ઉઠી ગયો અને બ્રશ વગેરે પતાવી નાહી લીધું. એ પછી એણે રૂમ સર્વિસમાં ફોન કરીને ચા મંગાવી લીધી. અસ્થિ પધરાવવાનાં હોવાથી એણે કોઈ નાસ્તો ના કર્યો. 

એણે એક બગલ થેલો પણ સાથે લીધો હતો. એમાં એણે ટુવાલ તથા ગંગા સ્નાન કર્યા પછી બદલવાનાં કપડાં તથા અસ્થિની પોટલી મૂકી દીધી. એ પછી એ ત્રિવેણી ઘાટ જવા માટે બહાર નીકળ્યો. વરસાદ અત્યારે બંધ હતો અને થોડો ઉઘાડ કાઢ્યો હતો. 

અભિષેક ચાલતો ચાલતો ત્રિવેણી ઘાટ પહોંચી ગયો. એને યાદ આવ્યું કે સંન્યાસી મહાત્માએ મમ્મી માટે પિંડ  દાન અને શ્રાદ્ધ કરવાનું ખાસ કહ્યું હતું. એ કેવી રીતે કરવાનું એની એને કંઈ જ ખબર ન હતી. 

મમ્મીના મૃત્યુ વખતે કેટલાંક સગાં સંબંધી આવ્યાં હતાં. એનાં ફોઈ ફુવા અને માસી પણ આવ્યાં હતાં. બધાં ૧૫ દિવસ રોકાયાં હતાં અને એમની સૂચના મુજબ એક પંડિતજીને બોલાવીને પિંડદાન વગેરે પણ કરાવ્યું હતું છતાં અહીં ફરી પિંડદાન અને શ્રાદ્ધ કરવાનું મહાત્માએ કહ્યું હતું.

તેણે અહીં ત્રિવેણી ઘાટ ઉપર ત્રણ ચાર જગ્યાએ આવી વિધિઓ થતી જોઈ એટલે એ એક પંડિતજી પાસે ગયો અને પૂછપરછ કરી. 

પંડિતજીએ એને અડધો કલાક રાહ જોવાનું કહ્યું કારણ કે જેની વિધિ ચાલતી હતી એ લગભગ પૂરી થવા ઉપર હતી. 

અડધા કલાક પછી પેલા યજમાન જતા રહ્યા એટલે પંડિતજી ઊભા થયા અને અભિષેક પાસે આવ્યા. 

" બોલો જજમાન કિસકા પિંડ દાન કરના હૈ ? " પંડિતજી બોલ્યા. 

" જી પંડિતજી. મેરી માતાજીકા શ્રાદ્ધ ઔર પિંડ દાન કરવાના હૈ ઔર યે અસ્થિ ભી ગંગા નદીમેં બહાને કે હૈં." અભિષેક બોલ્યો. 

" ઠીક હૈ જજમાન આપકો સબસે પહેલે સ્નાન કરના પડેગા. યે ધોતી લે જાઓ. ઉસકો પહેનકે આ જાઓ. ફિર મૈં બોલું તબ અસ્થિ વિસર્જન કર દેના ઓર ઉસકે બાદ હમ પિંડદાન કી વિધિ કરેંગે. ૨૫૦૦ દક્ષિણા હોગી." પંડિતજી બોલ્યા. 

" દક્ષિણાકી ચિંતા આપ મત કરેં. " અભિષેક બોલ્યો. એ પંડિતજીને દિલથી આપવા માગતો હતો એટલે ભાવતાલ પણ ન કર્યો.  

અભિષેક ધોતી લઈને બાજુમાં જ ગંગા સ્નાન કરવા માટે ગયો. ચોમાસાના આ દિવસોમાં પાણી એટલું બધું ઠંડુ હતું કે સ્નાન કરવાની અભિષેકની હિંમત જ ન ચાલી. છતાં મન કઠણ કરીને એણે માથાબોળ નાહી લીધું.   

સ્નાન કરીને ધોતી પહેરીને અભિષેક ફરી પંડિતજી પાસે આવી ગયો અને એમણે પાથરેલા આસન ઉપર બેસી ગયો. પંડિતજીએ અસ્થિની પોટલી ઉપર મંત્રો બોલીને ગંગાજળના  છાંટા નાખ્યા અને ફૂલ તથા થોડા ચોખા અર્પણ કર્યા. એ પછી અભિષેકને એણે અસ્થિ વિસર્જન કરવા માટે મોકલ્યો. 

અભિષેકે નદીમાં થોડેક દૂર જઈને અસ્થિની પોટલી એની મમ્મીને યાદ કરીને વહાવી દીધી અને પછી ફરી આસન ઉપર આવીને બેસી ગયો. 

પંડિતજી ચોખાના પિંડ ઘરેથી જ લઈને આવેલા હતા એટલે એમણે અભિષેકની મમ્મીનું નામ વગેરે પૂછીને વિધિ ચાલુ કરી દીધી અને લગભગ પોણા કલાકમાં વિધિ પતાવી દીધી. 

" વિધિ સંપન્ન હો ગઈ જજમાન જી. માતાજી કા મોક્ષ હો ગયા. અબ આપ ફિરસે ગંગાસ્નાન કર કે કપડે પેહન લિજીએ." પંડિતજી બોલ્યા. 

અભિષેકે ફરીથી ગંગાસ્નાન કરી લીધું અને પોતાનાં કપડાં પહેરી ધોતી પંડિતજીને પાછી આપી અને દક્ષિણા પણ આપી દીધી. 

આ વિધિ કર્યા પછી એને ખરેખર અંદરથી બહુ જ સારું લાગ્યું. વિધિ મુંબઈમાં બરાબર થઈ નહીં હોય એટલા માટે જ કદાચ મમ્મીનો આત્મા અહીં સુધી આવ્યો હશે ! મહાત્મા તો મમ્મીને જોઈ શકતા પણ હશે ! મમ્મી માટે કંઈક કર્યાનો એને સંતોષ થયો. 

આ બધો કાર્યક્રમ પૂરો થયો ત્યાં સુધીમાં ૧૦:૩૦ વાગી ગયા હતા. મહાત્માજીએ અભિષેકને બદ્રીનાથ રોડ ઉપર સ્વામી નિર્મલાનંદને મળવાનું ખાસ કહ્યું હતું એ એને યાદ આવ્યું. 

એણે પેલા પંડિતજીને જ બદ્રીનાથ રોડ ઉપર સ્વામી નિર્મલાનંદ વિશે પૂછ્યું પરંતુ પંડિતજી કંઈ જ જાણતા ન હતા. 

ઋષિકેશમાં ઘણા બધા સન્યાસીઓ આજુબાજુનાં જંગલોમાં રહેતા હતા. કેટલાક પ્રગટ હતા તો કેટલાક ગુપ્ત પણ હતા !  હવે નિર્મલાનંદ સ્વામીની કુટીર ક્યાં શોધવી ? 

મહાત્માજીએ પોતે કહ્યું છે માટે કુટીર મળી તો જશે એમ વિચારી અભિષેકે બદ્રીનાથ રોડ વિશે પૂછીને ચાલવા માંડ્યું. અભિષેક બે કિલોમીટર જેટલું ચાલ્યો છતાં પણ આજુબાજુ કોઈ કુટીર દેખાતી ન હતી. વચ્ચે એક બે વટેમાર્ગુને પૂછ્યું પણ એ લોકો યાત્રાળુ હતા. 

બીજા એક કિલોમીટરનો રસ્તો કાપ્યા પછી ડાબી તરફના જંગલમાં જતી એક કેડી એને દેખાઈ. એણે એ કેડી પકડી લીધી અને ચાલવા લાગ્યો. મુંબઈમાં રહેતો હોવાથી ચાલવાની તો એને સારી એવી પ્રેક્ટિસ હતી. 

થોડે દૂર ગયા પછી એક સાધુ મહાત્મા એક મોટા પથ્થર ઉપર ધ્યાનમાં બેઠેલા એણે જોયા. એ એમની નજીક ગયો અને બે હાથ જોડી ઉભો રહ્યો. એ મહાત્મા ધ્યાનમાં હોવાથી એ કંઈ બોલ્યો નહીં.

બે ત્રણ મિનિટ પછી મહાત્માજીએ આંખો ખોલી. એમની નજર હાથ જોડીને ઉભેલા અભિષેક ઉપર પડી. 

" પ્રણામ સ્વામીજી. મૈં નિર્મલાનંદજી કી કુટીર ઢુંઢ રહા હું લેકિન મીલ નહીં રહી. અગર આપકો પતા હો તો કૃપા કરકે મુઝે રાસ્તા દીખાઓ." અભિષેક નમ્રતાપૂર્વક બોલ્યો. 

સાધુ મહાત્મા ખડખડાટ હસી પડ્યા. 

"યોગી નિર્મલાનંદજી !! અરે વો તો સિદ્ધ મહાત્મા હૈં ઔર હિમાલય મેં રહેતે હૈં. યહાં ઋષિકેશમેં તો ઉનકી કોઈ કુટીર નહીં હૈ. તીનસૌ સાલ સે ભી જ્યાદા ઉનકી ઉમ્ર હૈ. વાપસ ચલે જાઓ. યહાં સે આગે જાના ખતરા હૈ. જંગલી જનાવર કા યે ઇલાકા હૈ." સાધુ મહાત્મા બોલ્યા. 

" લેકિન મુજે ટ્રેઈન મેં એક સાધુ મહાત્મા મિલે થે ઔર ઉન્હોંને હી મુજે કહા થા કિ  સમય મીલે તો બદ્રીનાથ રોડ પર સ્વામી નિર્મલાનંદજી કી કુટીર જરૂર જાના." અભિષેક બોલ્યો. 

" અચરજ કી બાત હૈ. મૈં યહાં ૨૫ સાલ સે રહેતા હું. ઈસ નામ કે કોઈ સંન્યાસી યહાં નહી રહેતે ના ઉનકી કોઈ કુટિયા હૈ." મહાત્મા બોલ્યા. 

હવે આગળ જવાનો કોઈ મતલબ ન હતો. અભિષેક થોડોક નિરાશ થઈ ગયો. એ સાધુ મહાત્માને પ્રણામ કરીને પાછો વળી ગયો. 

એકાદ કિલોમીટર ઋષિકેશ તરફ પાછો વળી ગયા પછી અભિષેકને સામે ભગવાં કપડાં પહેરેલો બીજો એક યુવાન સાધુ મળ્યો . અભિષેકે કુતુહલ ખાતર ફરી એને પણ એ જ સવાલ પૂછ્યો. 

" હાં હાં સ્વામી નિર્મલાનંદજીકી કુટિર હૈ ના. આગે એક કિલોમીટરકી દૂરી પર હૈ. મેરે સાથ સાથ ચલો. મૈં દીખાતા હું. " પેલો યુવાન સાધુ બોલ્યો. 

અભિષેકે યુવાન સાધુ સાથે ચાલવા માંડ્યું. એકાદ કિલોમીટર ચાલ્યા પછી એ જ કેડી આવી જ્યાંથી તે પાછો વળ્યો હતો. 

" બસ ઈસી માર્ગ સે ચલે જાઓ. થોડે દૂર જાઓગે તો દાહિની ઓર એક કુટીર આયેગી. બસ વહી હૈ ઉનકી કુટીર." યુવાન સાધુ બોલ્યો અને  આગળ ચાલતો થયો. 

અભિષેક ફરી એ જ કેડી ઉપર ચાલવા લાગ્યો. પરંતુ એના આશ્ચર્ય વચ્ચે અત્યારે પેલા સાધુ મહાત્મા ક્યાંય પણ દેખાયા નહીં. થોડીવાર પહેલાં તો એ અહીં મોટા પથ્થર ઉપર બેઠા હતા. અરે પેલો મોટો પથ્થર પણ ગાયબ હતો ! 

હવે અભિષેક નિર્ભય થઈને આગળ વધ્યો અને લગભગ ૫૦૦ મીટર ચાલ્યા પછી જમણી બાજુ ઘાસની બનેલી એક નાનકડી ઝુંપડી એને દેખાઈ. આ જ કુટીર સ્વામીજીની હોવી જોઈએ. 

અભિષેકને થોડી રાહત થઈ. કુટીર પાસે પહોંચીને એણે પોતાના બુટ બહાર કાઢ્યા અને અંદર પ્રવેશ કર્યો. 

એના આશ્ચર્ય વચ્ચે કુટીરમાં ધૂણી ધખાવીને એક વ્યાઘ્રચર્મ ઉપર એ જ મહાત્મા બેઠા હતા જે એની સાથે ટ્રેઈનમાં હતા. 

અભિષેકને ઋષિકેશમાં નવા નવા અનુભવો થઈ રહ્યા હતા. એણે અચાનક સ્વામીજીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા અને એમની સામે નીચે બેસી ગયો. 

" આવી ગયો બેટા ? મારું જ નામ નિર્મલાનંદ છે. " મહાત્માજીના ચહેરા ઉપર સ્મિત હતું. 

મહાત્માજીએ ગુજરાતીમાં જ વાત કરી. એમણે ટ્રેઈનમાં પણ અભિષેકને કહ્યું હતું કે એ તમામ ભાષાઓથી પર છે. દુનિયાની કોઈ પણ ભાષા એ બોલી શકે છે. વાણી તો માત્ર માધ્યમ છે ! 

" જી સ્વામીજી. " અભિષેક બે હાથ જોડીને બોલ્યો. એના મનમાં ઘણા બધા સવાલો હતા. 

" તારા મનમાં ઘણા બધા સવાલો છે પરંતુ તારે કંઈ પણ પૂછવાની જરૂર નથી. તેં મારી વાત માનીને તારી માતાનું શ્રાદ્ધ અને પિંડદાન કર્યું એ સારું કર્યું. હવે એ આત્માને મેં આગળ ગતિ આપી દીધી છે." સ્વામીજી બોલ્યા. 

"સ્વામીજી મારા માટે શું આજ્ઞા છે ?" અભિષેક બોલ્યો. 

" આ કળિયુગમાં દરેક વ્યક્તિ માટે કોઈને કોઈ ચેતના સાથે જોડાઈ જવું ખૂબ જરૂરી છે. કાળ ચક્રનું પૈડું સતત ફરી રહ્યું છે. જે ચેતના સાથે જોડાઈ જશે એ બચી જશે. કાલે શું થવાનું છે એ કોઈને પણ ખબર નથી. સમય કોઈની રાહ જોતો નથી. તું કોણ છે એ તું ભૂલી ગયો છે." સ્વામીજી બોલ્યા. 

" જી સ્વામીજી. " અભિષેક બોલ્યો. જો કે એને કંઈ સમજાયું નહીં. 

" એક તો ગયા જનમમાં તારાથી જે પાપકર્મ થઈ ગયું છે એનું આ જનમમાં પ્રાયશ્ચિત કરવાનું છે. દરેક પાપનું પ્રાયશ્ચિત આ પૃથ્વી ઉપર જન્મ લઈને જ કરવાનું હોય છે. સૂક્ષ્મ જગતમાં એ શક્ય નથી. અહીંની એક વર્ષની તપસ્યા ત્યાંના પાંચ વર્ષની તપસ્યા બરાબર હોય છે !" સ્વામીજી બોલ્યા. 

" જી સ્વામીજી. " અભિષેક બોલ્યો. એ સ્વામીજીના ઉપદેશને ધ્યાનથી સાંભળી રહ્યો હતો. 

" મારે તને એક વાત કહેવાની છે. તેં જનોઈ પહેરી છે પરંતુ તું ગાયત્રી મંત્ર કરતો જ નથી. હું તને ગાયત્રી મંત્રની દીક્ષા આપું છું. તું અત્યારે રોજની પાંચ માળા ચાલુ કરી દે. પછી વધારતો રહેજે. સમય મળે તો ધ્યાન કરવાનો પણ થોડો થોડો અભ્યાસ કર."  સ્વામીજી બોલ્યા. 

" સ્વામીજી ગયા જનમના પાપકર્મનું પ્રાયશ્ચિત મારે આ જનમમાં કેવી રીતે કરવાનું ? " અભિષેકે પૂછ્યું. એ સ્વામીજીની વાતોથી ખૂબ જ પ્રભાવિત થઈ ગયો હતો. 

" એનો જવાબ તને એક બે મહિનામાં મળી જશે. તું ડોક્ટર બની ગયો છે તો દર્દીઓની સેવા દિલથી કર. એનાથી પણ પાપનો ભાર હળવો થાય છે. દરેક દર્દીમાં ઈશ્વરનું દર્શન કરજે. " સ્વામીજી હસીને બોલ્યા. 

" જી. આપની વાત હું હંમેશા યાદ રાખીશ. " અભિષેક બોલ્યો.

" હવે હું તને મંત્ર દીક્ષા આપું છું. આ ગાયત્રી મંત્ર પારસમણી છે. તારાં સાત ચક્રો ઉપર લાગેલો લોખંડનો કાટ એ ધીમે ધીમે દૂર કરી દેશે. તને સાચી દિશા પણ બતાવશે." સ્વામીજી બોલ્યા અને એમણે આંખો બંધ કરી એ સાથે જ એમના હાથમાં પાણીથી ભરેલો એક નાનકડો કળશ આવી ગયો. 

સ્વામીજીએ કળશમાંથી થોડું પાણી હથેળીમાં લઈને મનમાં કેટલાક મંત્રો બોલ્યા અને પછી અભિષેક ઉપર છાંટ્યું. અભિષેકના શરીરમાંથી એક કરંટ પસાર થઈ ગયો ! 

" હવે ગાયત્રી મંત્ર ત્રણ વાર મારી સામે મોટેથી બોલી બતાવ." સ્વામીજી બોલ્યા. 

વર્ષોથી ગાયત્રી મંત્ર કરતો હોય એમ અભિષેક કડકડાટ ત્રણ વાર ગાયત્રી મંત્ર શુદ્ધ ઉચ્ચારથી બોલી ગયો. 

" તારા મુલાધાર ચક્રમાં મેં ગાયત્રી મંત્રની ચેતના સ્થિર કરી દીધી છે. હવે વધુને વધુ મંત્રો કરીને તારે એ ચેતનાને જગાડવાની છે. જેમ જેમ ચેતના ઉપર આવતી જશે તેમ તેમ તને જે જોઈએ તે મળતું રહેશે." સ્વામીજી બોલ્યા. 

" જી સ્વામીજી. મારો એક છેલ્લો સવાલ છે." અભિષેક બોલ્યો. 

" તારા મનમાં ઊભો થયેલો પ્રશ્ન હું જાણું છું. સમય આવશે એટલે એનો જવાબ પણ તને મળી જશે." સ્વામીજી હસીને બોલ્યા.  

અને એ સાથે જ સ્વામીજી, એમની કુટીર અને ધૂણી બધું જ અદ્રશ્ય થઈ ગયું ! અભિષેક એક મોટા વૃક્ષ નીચે જમીન ઉપર બેઠો હતો ! અને થોડે દૂર એના બૂટ પડ્યા હતા !! 
                                      ક્રમશઃ 
અશ્વિન રાવલ (અમદાવાદ)