અભિષેક પ્રકરણ 8
" જો બેટા ગઈકાલે હું અભિષેકને લઈને સિક્કાનગર આપણા ગુરુજી પાસે ગયો હતો. મેં તારા અને અભિષેક વિશે યોગીજીને પૂછેલું પરંતુ એમણે સ્પષ્ટ કહ્યું કે અભિષેક માટે બીજું પાત્ર નક્કી થઈ ગયું છે. માટે હવે તું અભિષેક માટે બીજું કંઈ વિચારીશ નહીં. ઋણાનુબંધથી આખું જગત જોડાયેલું છે એટલે જેનું જે પાત્ર હોય એ જ એની સામે આવે છે." યોગીજીને મળીને આવ્યા પછીના બીજા દિવસે ઋષિકેશભાઈ એમની દીકરી શિવાનીને સમજાવી રહ્યા હતા.
ઋષિકેશભાઈ પોતે જ પોતાની ગાયત્રી મંત્રની સાધનાથી આ બધું જાણી ગયા હતા પરંતુ એમણે યોગીજીનું નામ દઈને શિવાનીને વાત કરી કારણ કે શિવાની યોગીજીને બહુ જ માનતી હતી.
" પરંતુ તમે તો અભિષેકને સાથે લઈને યોગીજીને મળવા ગયા હતા તો એમની હાજરીમાં જ આ વાત કરી ?" શિવાની બોલી.
" ના બેટા. અભિષેકની હાજરીમાં તો આવી વાત થાય જ નહીં ને ? એટલે અભિષેક બહાર નીકળી ગયા પછી મેં યોગીજીને પૂછી લીધું." ઋષિકેશભાઈ બોલ્યા.
" પરંતુ હજુ સુધી તો કોઈ પાત્ર એમના જીવનમાં આવ્યું નથી તો પછી હું જ પ્રપોઝ કરું તો ?" શિવાની બોલી.
" વધારે નિરાશા મળશે બેટા. યોગીજી કંઈ પણ કહે એ પથ્થરની લકીર હોય છે એ તું જાણે છે. કદાચ અભિષેક હા પણ પાડે પરંતુ ત્યાં લગ્ન થવાનાં જ ના હોય તો પાછળથી તારું દિલ તૂટી જાય. એના કરતા આગળ ન વધવું એ વધારે સલાહ ભરેલું છે. " પપ્પા બોલ્યા.
" મને અભિષેક ગમે છે પપ્પા. બીજો કોઈ ઉપાય નથી ? યોગીજી પોતે આમાં કંઈ ના કરી શકે ? " શિવાની થોડી નિરાશ થઈને બોલી.
" પ્રારબ્ધને મિથ્યા કરવાનો કોઈ ઉપાય નથી હોતો દીકરી. મને પોતાને પણ અભિષેક બહુ જ ગમે છે પરંતુ ગુરુજીએ સ્પષ્ટ ના પાડી. તું એની સાથે એક મિત્ર તરીકેનો સંબંધ રાખી શકે છે. ડોક્ટર છે અને અડધી રાતે દોડી આવે એવા છે. પરંતુ તું એની સાથે પ્રેમની લાગણીઓને પંપાળીશ નહીં. " ઋષિકેશભાઇ બોલ્યા.
શિવાની નિરાશ થઈ ગઈ. એની ઉંમર પણ પચીસ જેટલી થઈ ગઈ હતી અને એના સમાજમાં બીજો કોઈ છોકરો દેખાતો ન હતો.
દિવસો પસાર થતા ગયા. અંજલીના ફોન અઠવાડિયામાં ત્રણથી ચાર વાર રાતના સમયે આવતા હતા અને અંજલી પોતે જાણે કેનેડામાં જ હોય એ રીતે જ વાતો કરતી હતી !
દિવાળી પણ પસાર થઈ ગઈ. કારતક સુદી એકાદશીના દિવસે યોગેશભાઈ વ્યાસને એટલે કે યોગીજીને મળવાનું હતું એ અભિષેકને બરાબર યાદ હતું અને એ તો કાગડોળે એ દિવસની પ્રતીક્ષા કરી રહ્યો હતો !
" અંકલ આવતી કાલે દેવઉઠી એકાદશી છે અને આપણે કાલે સવારે સિક્કાનગર યોગીજીને મળવા જવાનું છે. " એકાદશીની આગલી સાંજે અભિષેકે ઋષિકેશ અંકલને ફોન કર્યો.
" તમારે મને યાદ કરાવવાનું જ ના હોય અભિષેક. મને બરાબર યાદ છે અને હું રાત્રે ફોન કરવાનો જ હતો. તમે ગયા વખતની જેમ સવારે ૯ વાગે ચર્ની રોડ સ્ટેશને આપણે જ્યાં મળ્યા હતા ત્યાં પહોંચી જજો. " ઋષિકેશ અંકલ બોલ્યા.
અને અભિષેક સમય પ્રમાણે જ ચર્ની રોડ સ્ટેશને પહોંચી ગયો અને બંને જણા ટેક્સી કરીને સિક્કાનગર ઉત્કર્ષ બિલ્ડિંગમાં પહોંચી ગયા.
" આવો આવો. આપણે અંદર પૂજા રૂમમાં જ બેસીએ. ઋષિકેશભાઇ તમે થોડી વાર જરા બહાર હૉલમાં જ બેસજો." યોગીજી બોલ્યા.
યોગીજીની સાથે અભિષેક યોગીજીના પૂજારુમમાં ગયો અને ત્યાં રાખેલી વિશાળ કદની હનુમાનજીની મૂર્તિ સામે દંડવત પ્રણામ કર્યા. આજે સવારે યોગીજીએ હવન કર્યો હતો એટલે હજુ પણ નાના હવન કુંડમાંથી થોડા થોડા ધુમાડા બહાર નીકળી રહ્યા હતા. જો કે બારી ખુલ્લી હતી એટલે ધુમાડો ફેલાતો ન હતો.
યોગીજીએ અભિષેકને આસન ઉપર બેસવાનું કહ્યું. અભિષેક ધ્યાન મુદ્રામાં હનુમાનજી સામે ચહેરો રાખીને બેસી ગયો. યોગીજીએ યજ્ઞકુંડમાંથી ચપટી ભસ્મ લીધી અને અભિષેકના માથામાં છાંટી.
" આજે અહીં મારા હનુમાનજી હાજરાહજૂર છે. આજે સવારે જ મેં એમને હવન અર્પણ કર્યો છે. તારા બધા જ જવાબો આજે તને મળી જશે. " યોગીજી બોલ્યા.
" જી ગુરુજી. હું સાંભળવા માટે બેચેન છું. " અભિષેક બોલ્યો.
" સૌથી પહેલાં તો મારે તને એટલે કે તારા પૂણ્યશાળી આત્માને અભિનંદન આપવા પડે. તું ઋષિકેશમાં જે મહાન સન્યાસીને મળ્યો હતો એ નિર્મલાનંદ સ્વામી કોઈ સાધારણ સન્યાસી નહોતા. ૩૦૦ વર્ષથી પણ વધારે એમનું આયુષ્ય છે. એ હિમાલયની અંદર ગુફામાં રહે છે જ્યાં બરફ સિવાય કંઈ જ નથી અને ભોજન કે પાણીની કોઈ જ વ્યવસ્થા નથી. " યોગીજી બોલી રહ્યા હતા.
" સ્વામીજીનું સ્થૂળ શરીર ગુફામાં સમાધિ અવસ્થામાં પડ્યું રહે છે અને સ્વામીજી સૂક્ષ્મ શરીરથી આખા ભારતમાં વિહાર કરે છે. એ સૂક્ષ્મ શરીરમાં હોવાથી તેમને ભૂખ કે તરસ લાગતી નથી. તારી ટ્રેઈનમાં જે તારી સાથે હતા અને ઋષિકેશમાં પણ તને મળ્યા એ એમનું સૂક્ષ્મ શરીર જ હતું. પરંતુ એ કોઈપણ સ્થૂળ સ્વરૂપ ધારણ કરી શકે છે. " યોગીજી બોલી રહ્યા હતા.
" બદ્રીનાથના રોડ ઉપર શરૂઆતમાં પગદંડી ઉપર તને જે સાધુ મળ્યા અને તને જંગલી જનાવરોના નામે ડરાવીને પાછો મોકલ્યો એ પણ સ્વામીજી પોતે જ હતા અને પાછા વળતાં તને જે યુવાન સાધુ મળ્યો એ પણ સ્વામીજી જ હતા ! એ તારી પરીક્ષા કરી રહ્યા હતા. આવા દિવ્ય સાક્ષાત્કારી મહાપુરુષે તને દીક્ષા આપી એના માટે તું ભાગ્યશાળી છે. " યોગીજી બોલ્યા અને એમણે હનુમાનજીની સામે જોયું. એ થોડું મંદ મંદ હસ્યા જાણે કે હનુમાનદાદા સાથે વાતચીત કરતા હોય !
અભિષેક યોગીજીને એક ધ્યાનથી સાંભળી રહ્યો હતો. ઋષિકેશમાં પગદંડી ઉપર જે સ્વામીજી મળ્યા અને પાછા વળતાં રસ્તામાં યુવાન સાધુ મળ્યો એ પણ સ્વામીજી પોતે જ હતા એ જાણીને એને ખૂબ જ આશ્ચર્ય થયું !
" તને ખ્યાલ નથી કે આવા મહાપુરુષ પાસેથી મંત્ર દીક્ષા મળે ત્યારે મંત્રની સાથે શું શું પ્રાપ્ત થાય છે ! અમુક સિદ્ધિઓ સૂક્ષ્મ સ્વરૂપે તારામાં પ્રવેશી ગઈ છે પરંતુ તને એનો ખ્યાલ નહીં આવે. જ્યારે જરૂર પડશે ત્યારે આપોઆપ એ જ ગુરુજીની કૃપા તને પ્રાપ્ત થશે. તને એમનું રક્ષાકવચ પણ પ્રાપ્ત થયું છે. " સ્વામીજી બોલ્યા.
" જી ગુરુજી. " અભિષેકે યોગીજીને પણ ગુરુજી સંબોધવાનું ચાલુ કરી દીધું હતું.
" છેલ્લા ત્રણ જન્મથી તું આ જ દિવ્ય મહાત્માની ચેતના સાથે જોડાયેલો છે. આ મહાન સ્વામીજી પોતે તો શિવ ઉપાસક છે પરંતુ સાધકોને સૌ પ્રથમ ગાયત્રી મંત્રથી જ દીક્ષિત કરે છે. ગાયત્રી મંત્ર એ ઉપર ચડવાની સીડી છે. મંત્ર સિદ્ધ કરીને એક લેવલ સુધી તમે પહોંચી જાઓ પછી આપોઆપ ચેતના બદલાઈ જાય છે અને જીવ શિવમાં લીન થઈ જાય છે. " યોગીજી બોલ્યા.
" જી ગુરુજી. એક વાત પૂછું ? " અભિષેક બોલ્યો.
" આજે બધા જ સવાલોના જવાબો મળી જશે. એટલા માટે તો આજે બોલાવ્યો છે. " યોગીજી બોલ્યા.
" હું જ્યારે મહાત્માજીને મળ્યો ત્યારે મને એમણે કહ્યું હતું કે મારે કોઈ પાપનું પ્રાયશ્ચિત આ જન્મમાં કરવાનું છે. પરંતુ એ વિશે મને વધારે કંઈ કહ્યું ન હતું. " અભિષેક બોલ્યો.
" એટલા માટે તો એ મહાત્માજીએ તને અહીં મોકલ્યો છે. બે વસ્તુ મારે તને કહેવાની છે. તારા પૂર્વ જન્મમાં તું રાજકોટમાં હતો અને એક શ્રીમંત પરિવારનો નબીરો હતો. નાનપણથી જ ગાડીઓનો તને શોખ હતો. ગયા જન્મમાં તારા પિતા ગાયત્રી ઉપાસક હતા અને એમણે તને પણ ગાયત્રી મંત્ર આપ્યો હતો પરંતુ તેં કદી પણ માળા કરી ન હતી. " યોગીજી બોલી રહ્યા હતા.
" ગયા જન્મમાં ઓવરસ્પીડમાં ગાડી ચલાવીને બજાજ સ્કૂટર ઉપર જઈ રહેલા એક નવદંપત્તિને તેં ટક્કર મારી હતી. યુવાન સ્થળ ઉપર જ મૃત્યુ પામ્યો હતો જ્યારે સ્કૂટરની પાછળ બેઠેલી એની ગર્ભવતી પત્ની બચી ગઈ હતી પરંતુ ત્યાં જ એનો ગર્ભપાત થઈ ગયો હતો. બંનેનાં લગ્ન એક વર્ષ પહેલાં જ થયાં હતાં. એ યુવાન સ્ત્રીના ઘણા નિઃસાસા તને લાગેલા છે. " યોગીજી બોલી રહ્યા હતા.
"તારી બેદરકારીના કારણે 'હિટ એન્ડ રન' નો આ કેસ બન્યો હોવાથી તને બે વર્ષની જેલ થઈ હતી. દુન્યવી સજા તો પૂરી થઈ ગઈ પરંતુ તારાથી જે પાપકર્મ થયું અને પેલી સ્ત્રીના જે નિઃસાસા લાગ્યા એની સજા તો બાકી જ છે. ઉપરવાળાની સજા માત્ર જેલ નથી પરંતુ એ કર્મ દ્વારા ચૂકવવી પડે છે. " યોગીજી બોલ્યા.
" હું સમજી શકું છું ગુરુજી. હવે મારે આ પાપનું પ્રાયશ્ચિત કેવી રીતે કરવાનું છે ? " અભિષેક બોલ્યો.
" તેં અકસ્માત કર્યો એ વખતે તારી ઉંમર ૩૦ વર્ષની હતી. એ પછી ૧૦ વર્ષ જીવીને વધુ પડતો દારૂ પીવાના કારણે લીવર ફેઈલ થવાથી ૪૦ મા વર્ષે તારું અવસાન થઈ ગયું હતું. તારો તો નવો જન્મ થઈ ગયો પરંતુ પેલી સ્ત્રી હજુ જીવે છે અને એની ઉંમર લગભગ ૭૫ વર્ષ છે. એ બિચારી એકલી છે. એનું આયુષ્ય દોઢ વર્ષમાં પૂરું થઈ જશે. તારે એનો દીકરો બનીને એની સેવા કરવાની છે એ પછી જ તારા લગ્નજીવન ઉપર લાગેલો એનો અભિશાપ દૂર થશે." યોગીજી બોલ્યા.
"પરંતુ ગુરુજી મારું ઘર મુંબઈમાં છે. મારી નોકરી મુંબઈમાં છે. હું રાજકોટ જઈને એમની સેવા કેવી રીતે કરી શકું ?" અભિષેક બોલ્યો.
" તારે થોડાક મહિનાઓ માટે મુંબઈ છોડવું જ પડશે. દોઢ બે વર્ષ માટે રાજકોટ જઈને એ સ્ત્રીના ઘરે જ દીકરાની જેમ રહેવું પડશે. મકાન મોટું છે એટલે ભાડુઆત તરીકે એક રૂમ તું રાખી લેજે. રાજકોટ રઘુવીરપરામાં શેરી નંબર પાંચમાં ભારતીબેન રહે છે. ત્યાં જઈને એમનું નામ દઈશ તો કોઈ પણ બતાવશે." યોગીજી બોલ્યા.
" અને જ્યાં સુધી તારું આ પ્રાયશ્ચિત પુરુ ન થાય ત્યાં સુધી તારે લગ્ન કરવાનાં નથી. નહીં તો તારી પત્નીને ઘાત આવી શકે છે ! જેણે શાપ આપ્યો હોય એ જ આશીર્વાદ આપીને શાપ દૂર કરી શકે. તું એમના છેલ્લા દિવસોમાં દીકરાની જેમ સેવા કરે અને એના આશીર્વાદ તને મળે તો જ એણે તને વર્ષો પહેલાં આપેલો અભિશાપ નાશ પામે ! રાજા દશરથને શ્રવણના માતા પિતાએ જે રીતે શાપ આપ્યો હતો એના જેવી જ તારી કથા છે ! " યોગીજી બોલ્યા.
" જી ગુરુજી આપ કહો છો તો થોડાક મહિના પછી હું રાજકોટ જતો રહીશ અને દિલથી એ ભારતી આન્ટીની સેવા કરીશ. અને તમે બીજી પણ એક વાત કરવાના હતા ! " અભિષેક બોલ્યો.
" જી હા. મારી એક બીજી વાત તારે કાળજુ કઠણ કરીને સાંભળવી પડશે. આ વાત સાંભળ્યા પછી તારા મનમાં કોઈ પણ પ્રકારની કટુતા આવવી જોઈએ નહીં." યોગીજી બોલ્યા.
" જી ગુરુજી. જે હોય તે તમે કહી શકો છો. મારા મનમાં કોઈના પ્રત્યે કોઈ કડવાશ નહીં આવે." અભિષેક બોલ્યો.
" તારા પિતાનું નામ રજનીકાંત હતું અને એ રેલવેમાં નોકરી કરતા હતા એ તો મેં તને ગયા વખતે કહ્યું હતું. તારા પિતા ખૂબ જ દેખાવડા હતા અને એ એક અતિ શ્રીમંત વિધવા યુવતીના પરિચયમાં આવેલા. બંનેનો સંબંધ બહુ ગાઢ થઈ ગયેલો. એ યુવતીએ તારા પપ્પાને સાચા દિલથી પ્રેમ કરેલો. તારા પપ્પાનું લગ્નજીવન એ તોડવા માગતી ન હતી એટલે એ સંબંધો ગુપ્ત જ રહ્યા." યોગીજી બોલી રહ્યા હતા. એમણે થોડું પાણી પીધું અને પછી વાત આગળ ચલાવી.
" એ સ્ત્રીનું નામ વનિતા દલાલ હતું અને એને કોઈ જ સંતાન ન હતું. પતિ દ્વારા મળેલી અઢળક મિલકતનો કોઈ વારસદાર પણ ન હતો. તું જે વિશાળ ફ્લેટમાં રહે છે એ ફ્લેટની તમામ રકમ વનિતાએ ચૂકવી હતી. તારા પપ્પાને એ પતિ જ માનતી હતી એટલે એણે તારા પપ્પાના અવસાન પછી એક વીલ બનાવ્યું હતું જેમાં વારસદાર તરીકે તારું નામ લખેલું છે. ગયા વર્ષે જ વનિતાનું ૬૫ વર્ષે અવસાન થઈ ગયું છે. " યોગીજી બોલ્યા.
વીલ અને વારસદારની વાત સાંભળીને અભિષેકને ખૂબ જ આશ્ચર્ય થયું. આ વાત આજ સુધી મમ્મી પણ જાણતી નહોતી કે પોતાને પણ કોઈ ખબર ન હતી. પપ્પાના આવા આડા સંબંધો હતા એની ગંધ આજ સુધી ઘરમાં કોઈને ન હતી. અરે પોતે રહે છે એ ફ્લેટ પણ વનિતા આન્ટીએ પપ્પાને આપેલી ગિફ્ટ છે એ પણ એને આજે ખબર પડી.
" ગુરુજી એ વનિતા આન્ટીએ મારા નામનું વીલ કેમ બનાવ્યું ? હું તો એમને મળ્યો પણ નથી અને એ પણ મને નથી ઓળખતાં. " અભિષેકે પૂછ્યું.
યોગીજી ખડખડાટ હસી પડ્યા.
" કેવી વાત કરે છે અભિષેક ? તું ભલે એને ના મળ્યો હોય પરંતુ એ તને ના ઓળખતી હોય એ કેવી રીતે બને ? રજનીકાંતભાઈને અભિષેક નામનો દીકરો છે એ તો એને ખબર હોય જ ને ! એ બંને વચ્ચે તારા વિશે વાત થતી જ હોય ! એ તને પણ પોતાના દીકરા જેવો જ માનતી હતી. વનિતા તમને લોકોને દુઃખી કરવા નહોતી માગતી એટલે તારા પપ્પાના મૃત્યુ પછી એક વાર પણ એ તારા ઘરે આવી ન હતી. એનું પોતાનું કોઈ સંતાન ન હતું એટલા માટે તારા નામનું વીલ એણે બનાવી દીધું. " યોગીજી બોલ્યા.
યોગીજીએ તો આજે એક પછી એક રહસ્યો ખોલીને અભિષેકને ચમકાવી દીધો હતો. એને એવું લાગ્યું કે આજથી જાણે એની જિંદગી જ બદલાઈ ગઈ. પૂર્વ જન્મમાં પોતે કરેલું પાપ, રાજકોટ જઈને ભારતી આન્ટીની સેવા કરવાનો આદેશ, ૧૫ વર્ષ પહેલાં ગુજરી ગયેલા પિતાના આડા સંબંધો અને વનિતા આન્ટીનું વીલ અને વારસો.... શું બની રહ્યું છે આ બધું મારા જીવનમાં !!
" ગુરુજી એક સવાલ પૂછું ? " અભિષેક બોલ્યો.
" જરૂર પૂછી શકે છે બેટા " યોગીજી બોલ્યા.
" પૂર્વજન્મ વાળી વાત તો જાણે બરાબર. મારા પપ્પાના વનિતા આન્ટી સાથેના સંબંધો વિશે તમને ધ્યાનમાં ખ્યાલ આવી ગયો હોય એ પણ હું સમજી શકું છું. પરંતુ હું રહું છું એ ફ્લેટના પૈસા વનિતા આન્ટીએ આપેલા એ વાત અને આન્ટીએ મારા નામનું વીલ બનાવ્યું છે એ વાત ધ્યાન દ્વારા જાણી શકાય જ નહીં. ગુરુજી માફ કરજો." અભિષેક બોલ્યો.
અભિષેકને યોગીજીની છેલ્લી બે વાતો ગળે ના ઉતરી. ગમે તેવી સિદ્ધિ હોય તો પણ અમુક વાતો ના જાણી શકાય એવું એનું માનવું હતું.
" તું એક ડોક્ટર છે બેટા. બુદ્ધિજીવી છે. સાયન્સનો સ્ટુડન્ટ છે એટલે તારી વાત હું સમજી શકું છું. પરંતુ મેં તને ક્યારે કહ્યું કે આ વાત હું ધ્યાન દ્વારા જાણી શક્યો છું ? મેં શરૂઆતમાં જ તને કહ્યું કે મારે તને બીજી પણ એક વાત કહેવાની છે. વનિતા અંગેની જે પણ ચર્ચા મેં તારી સાથે કરી એ એકદમ સત્ય છે અને એ બધી વાત મને વનિતાએ જ કહેલી છે. એણે મારી પાસેથી મંત્ર દીક્ષા લીધી હતી અને અવારનવાર મારી પાસે આવતી હતી. એના દ્વારા જ હું તારા પિતાને ઓળખતો હતો પણ મળ્યો ન હતો. " યોગીજી બોલી રહ્યા હતા.
" ત્રણેક મહિના પહેલાં તું મારી પાસે આવેલો ત્યારે મેં તને કહેલું કે બે ત્રણ મહિના જવા દે. કારતક સુદ એકાદશીના દિવસે આપણે મળીશું. એનું એક કારણ તો એ હતું કે તારા પૂર્વજન્મ વિશે બધી વાત મારે મારા ઈષ્ટદેવ હનુમાનજી પાસેથી જાણવી હતી જે આજે વહેલી સવારે મને ધ્યાનમાં જાણવા મળી." યોગીજી બોલી રહ્યા હતા.
" અને બે અઢી મહિના પછીનો સમય મેં તને એટલા માટે પણ કહ્યો હતો કે તારું વીલ વનિતાએ જે એડવોકેટને આપ્યું હતું એ એડવોકેટ દોશી સાહેબ દેશમાં ગયા હતા અને દિવાળી પછી તરત આવી જવાના હતા. એમની ઉંમર પણ ૭૦ આસપાસ છે. વનિતાનો આગ્રહ હતો કે એ વીલ મારે તારા સુધી પહોંચાડવું એટલે હું તને શોધતો હતો. હવે મેં ત્રણ દિવસ પહેલાં જ વીલ મંગાવી લીધું છે. મારા દોશી સાહેબ સાથે સારા સંબંધો છે. " યોગીજી બોલ્યા.
" જી ગુરુજી. મારા ખોટા સવાલ બદલ હું માફી ચાહું છું." અભિષેક બોલ્યો.
" માફી માગવાની જરૂર નથી બેટા. આવો સવાલ મનમાં ઊભો થાય એ સ્વાભાવિક છે. વનિતાનો વારસદાર મને મળી ગયો છે એ બદલ મને પણ ખુશી થઈ છે. તારા ઉપર થયેલી આ બધી જ કૃપા આપણા મહાયોગી નિર્મલાનંદજીની છે ! હું તો માત્ર નિમિત્ત બન્યો છું. " યોગીજી હસીને બોલ્યા.
અને અભિષેકને ઋષિકેશમાં મળેલા સ્વામી નિર્મલાનંદજીનો હસતો ચહેરો યાદ આવી ગયો ! એણે મનોમન ગુરુજીનો આભાર માન્યો -
- હિમાલયમાં બેઠા બેઠા પણ પોતાના શિષ્યોનું આટલું બધું ધ્યાન રાખો છો ગુરુજી !!
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)