નામ લખું જો તમારું , એક શેર લોહી વધી જાય
આંગળી ના ટેરવે જાણે કોઈ કંકુ ચોંટાડી જાય.
હતો પાલવ હજુ પણ હવા ના તોરણે ઝુલતો,
જરાક હાથવેંતમાં સમયનું હલેશુ મારતો જાય.
આંખ ના ખુણે કેટલાય સિંદૂર ની લાલાશ રેલાણી,
એક ઈશારે તારા કેટલાય યુદ્ધો ખેલાય જાય.
અટકતી અને ખટકતી પગરવ ની ડણક તમારી,
પાછી વળતા કોઈક ગભરું નો માંહ્યલો ખેંચી જાય.
સઘળી સોળ કળાઓ જાણે ઈશ્વરત્વ પામી હોય,
કુદરત પણ હવે નવસર્જન માં થાપ ખાઈ જાય.