**મારો અરીસો, મારો ભાઈ...** (અછાંદસ કાવ્ય)
કોઈ અપેક્ષા વગર જે વરસે,
એ લાગણીનું અવિરત ચોમાસું એટલે એ, ભાઈ!
ભલે રોજ વાતો નથી થતી આપણી,
પણ હૃદયના દરેક ધબકારામાં તારી હાજરી વરતાય છે.
યાદ છે પેલું નાનપણ?
જ્યારે મારી નાની ભૂલોને તું તારા પ્રેમાળ ભાવ થી છુપાવી લેતો,
અને જગત સામે ઢાલ બનીને ઊભો રહી જતો.
આજે સમયની દોડધામમાં આપણે મોટા થઈ ગયા,
ચહેરા પર જવાબદારીઓના મુખવટા આવી ગયા,
પણ તારી આંખોમાં આજેય મને મારો એ જ નિર્દોષ બાળપણનો ચહેરો દેખાય છે.
જ્યારે આખું જગત સામે સવાલ કરતું ઊભું હોય,
ત્યારે તારો ખભા પર મુકેલો એ એક હાથ...
હા, માત્ર એ એક સ્પર્શ જ કાફી છે,
મને ફરીથી બેઠા કરવા માટે, મને જીતાડવા માટે.
લોહીનો સંબંધ તો કુદરતે આપ્યો છે,
પણ એ સંબંધમાં દોસ્તીનો રંગ તેં પૂર્યો છે.
તું મારો પડછાયો નથી, તું તો મારો આત્મા છે,
જે ગમે તેવા અંધારામાં પણ ક્યારેય સાથ નથી છોડતો.
ઈશ્વર પાસે રોજ શું માંગુ?
બસ એટલી જ દુઆ છે કે તારા ચહેરાનું સ્મિત ક્યારેય "સ્વયમ્'ભૂ'," આછું ના થાય.
તું ખુશ તો આખું જગત ખુશ!
અશ્વિન રાઠોડ— "સ્વયમ્'ભૂ,"