@ એ સાતમ - આઠમ ક્યાં ગઈ? @
મહિનાઓથી રાહ જોતા, મામાને ઘરે જાતા;
નવા કપડાઓ પહેરી હોંશે હોંશે મહાલતા..
એ સાતમ - આઠમ ક્યાં ગઈ?
ઘેર - ઘેર મહેમાનોના ધાડા ઉતરતાં,
નવ પરણેતર દિકરીઓના હૈયાં હરખાતાં,
એ સાતમ - આઠમ ક્યાં ગઈ?
ત્રણ - ચાર દિવસ પહેલાં રાંધણ થાતાં,
ફરસાણ, મિઠાઈઓ, પકવાન હોંશેથી ખવાતાં,
એ સાતમ - આઠમ ક્યાં ગઈ?
નહીં હાર - જીત કે નહીં કોઈ ઊંચ - નીચ કરતાં,
અવનવી રમતોને શ્રાવણીયા જુગાર રમાતા,
એ સાતમ - આઠમ ક્યાં ગઈ?
ધૂન - કિર્તનને શેરીએ શેરીએ રાસડા રમાતા,
કૃષ્ણ - યશોદાના મંગલ ગીતો ગવાતાં,
એ સાતમ - આઠમ ક્યાં ગઈ?
વિક્રમ સોલંકી 'જનાબ'