' નિજ' રચિત એક હાસ્ય રચના:
'Gujlish ' midium
પપ્પાને ચિંતા થઈ કે મારો પુત્ર ઈંગ્લીશ મિડિયમમાં ભણે છે, પણ એને ગુજરાતી ખબર પડે છે ખરી?...
એટલે પપ્પાએ એની પરીક્ષા લીધી...
પપ્પા: ' બેટા, એપલ ભાવે કે સફરજન?'
' પપ્પા, મને તો એપલ જ ભાવે.'
પપ્પાએ માથું કૂટ્યું. હજી થોડી વધારે પરીક્ષા લેવા દે. હવે પપ્પાએ એને ગુજરાતી છાપું આપ્યું: ' હવે વાંચીને મને કહે કે તને શું સમજ પડી?'
પુત્રએ ધીરે ધીરે ગુજરાતી વાંચવાનું ચાલુ કર્યું:
_સમાચાર: ચાંદીમાં આંચકા પચાવી ભાવ ઉંચકાયા.
:' પપ્પા, ચાંદી એટલે સિલ્વર એટલી તો સમજ પડી ગઈ પણ સિલ્વર આંચકા પચાવી એટલે પેટમાં જમવાનું પચાવ્યું એવું સમજવાનું કે ટ્રેઈનમાં આંચકા આવે એની વાત છે ?'
_સમાચાર: નિફ્ટી સ્પોટ 308 પોઈન્ટની છલાંગે...
:'પપ્પા, આ છલાંગ એટલે તો કૂદકો મારવો તે ને, તો પપ્પા 308 આંકડાની છલાંગ એટલે 308 ફીટનો કૂદકો માર્યો એવું જ ને? પપ્પા આ તો વર્લ્ડ રેકોર્ડ કહેવાય.'
_સમાચાર: સાયબર ક્રાઈમ પર સકંજો...
:' પપ્પા શિકંજી શરબત તો ખબર છે. સમરમાં પીવાય પણ આ સકંજો એટલે તો ફાંસીને? તો સાયબર ક્રાઈમને ગળું હોય?'
_સમચાર: એક સંચાલકની ભાષણ દરમિયાન જીભ લપસી.
: ' પપ્પા જીભ બહાર નીકળે ખરી? અને લપસી એટલે કેવી રીતે? ક્યાં? કોની ઉપર લપસી?'
_સમાચાર: ચણા, મસૂરની ટેકાના ભાવે ખરીદી કરવા મંજુરી .
:' પપ્પા ,ચણા તો સમજી ગયો અને મસૂર કદાચ મમ્મી મસૂરની દાળ બનાવે છે તે, રાઈટ?, પણ પપ્પા મારો ક્વેશ્ચન એ છે કે ટેકા મિન્સ સપોર્ટ ,બરાબર? તો પપ્પા કોના કોના સપોર્ટ લીધા અને એ સપોર્ટના ભાવની મંજુરી એટલે શું સમજવાનું?'
_સમાચાર: વિકી કૌશલનો વિજયરથ પૂરપાટ દોડી રહ્યો છે.
: ' પપ્પા, વિકી કૌશલ તો એક્ટર છે ને? તો આ વિકી કૌશલે ક્યારથી એક્ટિંગ છોડીને વિકટરી કેરીઓટ ચલાવવાનું ચાલું કર્યું?'
પપ્પાએ તાત્કાલિક ગુજરાતીનું ટ્યુશન લેવડાવ્યું...
.
.
જતીન ભટ્ટ 'નિજ '