" આંખ આડા કાન ના કરશો કદી "
આંખ આડા કાન ના કરશો કદી.
જ્ઞાનનું અભિમાન ના કરશો કદી.
પારખી સાચું, ને નિર્ણય લ્યો તમે,
એકલું અનુમાન ના કરશો કદી.
માન ના આપી શકો તો કૈં નહીં,
પણ તમે અપમાન ના કરશો કદી.
આયખામાં દુખ નથી ઓછાં, જુવો!
દુખ તરફ તો ધ્યાન ના કરશો કદી.
યુદ્ધ છે જીવન, અહીં લડવું પડે,
તો, ખડગને મ્યાન ના કરશો કદી.
ખૂબસૂરત જિંદગી છે "વ્યોમ", તો-
ઝાંઝવે કુરબાન ના કરશો કદી.
નામ:-✍... વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
જેટકો (જીઈબી), મુ. રાપર.