સંકેત તમારા સમજવામાં અમે ઊણા ઊતર્યા.
સ્નેહ તમારો પરખવામાં અમે ઊણા ઊતર્યા.
ન સમજી શક્યા તમારો ઈશારો કદી હરિવર,
વાત જે તમારી સમજવામાં અમે ઊણા ઊતર્યા.
આફતને અમે અડચણ માનીને ઊકળતા રહ્યા,
તમારી મૌન ભાષા ઉકેલવામાં અમે ઊણા ઊતર્યા.
તમે તો વિચાર્યું હતું હરિ જે હોય અમારા હિતનું,
તમારાં ગૂઢ પગલાં ઓળખવામાં અમે ઊણા ઊતર્યા.
સ્વાર્થની સંકુચિતતામાં અટવાતા રહેતા અવિરત,
તમારી વત્સલતાને વિચારવામાં અમે ઊણા ઊતર્યા.
ક્ષમા કરજો હરિવર માનવમગતરાં અમને ગણીને,
માત્ર મંદિરોમાં તમને શોધવામાં અમે ઊણા ઊતર્યા.
- ચૈતન્ય જોષી. " દીપક " પોરબંદર.