....." હૈયું મારું ઠરે છે "
હસતી તને જોઈ, હૈયું મારું ઠરે છે.
તારી એક મુસ્કાન દવાનું કામ કરે છે.
આંખો તારી, અનોખું કામણ કરે છે.
ઘાયલ દિલ પણ ઊંડી આહો ભરે છે.
લચકાતી કમરે, જ્યારે તું ચાલે છે.
સજદામાં શીશ પણ સલામ ધરે છે.
ભીંજાયેલ અંગે આમતેમ તું ફરે છે.
બદનથી તારા ઝાકળ બિંદુ ઝરે છે.
લહેરાય ભીનાં કેશ જ્યારે હવામાં,
સ્પર્શાતી બુંદે દિલમાં ટાઢક વળે છે.
આંખો છે નશીલી ને હોઠ ગુલાબી,
હર એક આહે, ઉર ખૂબ ઊભરે છે.
નમણાશ તારી અદાઓની જોઈને,
મન મારું સતત તારામાં વિચરે છે.
ઓ દિલરૂબા તું કોઈ હૂરથી કમ નથી,
ઈન્દ્રની અપ્સરાઓયે પાણી ભરે છે.
તારી સુંદરતાનું વર્ણન શું કરે "વ્યોમ"?
તારા હુસ્નની ચર્ચા તો હર ઘરે ઘરે છે.
✍... વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
જેટકો (જીઈબી), મુ. રાપર.