લાગણી બાંટતી થાય હિસ્સા પછી
કોઇને નહીં ગમે કોઇ દીઠા પછી !
આભ ખુંદી વળી હોય પાંખો છતાં
થાય પાંખી, ખરી જાય પીંછા પછી
રેતમાફક સરે હાથમાંથી સમય
કાલ થઇ જાય છે આજ, વીત્યા પછી
થઇ જતાં હોય ખુદ વર્તુળો સંકુચિત
વ્યાસ ક્યાં થઇ શકે કોઇ ત્રિજ્યા પછી !
મૂળ ચહેરા ઉઘાડા પડી જાય તો
સહુ બતાવે પરસ્પર "અરીસા" પછી
વ્હાણ ડૂબી રહ્યાંની ખબર સાંભળી
કોણ કોની કરે છે "પ્રતીક્ષા" પછી !
પ્રશ્ન છે માત્ર ભીતરના ઝબકારનો
લાગવાનું જગત,સાવ મિથ્યા પછી