સોનેરી દાયકો (૧૯૮૫ થી ૧૯૯૫ની છેલ્લી પેઢી)
વર્ષ ૧૯૮૫ થી ૧૯૯૫ વચ્ચે જન્મેલાં કદાચ એવી છેલ્લી પેઢી હશે સાહેબ,
જેણે મોસાળના વેકેશનનો સાચો આનંદ માણ્યો છે,
શેરીઓમાં ધૂળ ઉડાડીને સાચું બાળપણ જીવ્યું છે,
ધાબે ખુલ્લા આકાશ નીચે તારાઓ ગણીને ઊંઘ્યા હશે,
અને લખોટી, ગિલ્લી-દંડા ને માટીમાં પોતાના સપનાં વાવ્યા છે!
નદીઓ અમારે મન કોઈ પિકનિક સ્પોટ નહોતી,
પહાડો માત્ર ને માત્ર ફોટા પાડવાની કોઈ જગ્યા નહોતા,
અને વરસાદ કોઈ 'રીલ' કે વિડીયો નહોતો—જીવંત જિંદગી હતી!
નહોતા સ્માર્ટફોન કે નહોતા રીલ્સના દેખાડા,
માટીની સુગંધમાં જ હતા અમારા અસલ બાળપણના વાડા!
આજે તો લોકો રજાઓ પાડીને કુદરત શોધવા નીકળે છે,
અમે તો એ પેઢી છીએ જેણે ગામના તળાવે પોતાની જિંદગી ખીલવી છે!
ન કોઈએ કેમેરામાં પોતાનું બાળપણ રેકોર્ડ કર્યું,
ન કોઈએ સોશિયલ મીડિયા પર એની યાદો અપલોડ કરી,
બસ, ક્ષણ-ક્ષણને દિલ ખોલીને જીવી લીધી!
એટલે જ આલ્બમમાં બાળપણના ફોટા ભલે ઓછા હોય,
પણ હૃદયમાં એ સોનેરી યાદો આજેય બેહિસાબ છે!
નહોતા સ્ક્રીનના બંધન, નહોતો લાઈક્સનો મોહ,
માટી સંગ રમીને માણ્યો અમે બાળપણનો અસલ છોહ!
૧૯૮૫-૧૯૯૫: યાદો ઓછી કેમેરામાં, પણ દિલમાં અખૂટ ભંડાર છે,
૯૦ના દાયકામાં જીવ્યાનો એક અલગ જ વટ ને પ્રતાપ છે!
– ઉમાકાંત 'ઉન્મેષ'