“સાહેબ”
એક શબ્દ નહોતો, મારી ઓળખ હતો,
હવે એ જ શબ્દ બોલું છું,
અને હું જ અજાણી બની જાઉં છું.
તમે ગયા.
હું પડી નથી, ઊભી છું હજી,
પણ અંદર કંઈક સદાકાળ માટે સૂનું પડી ગયું છે.
બે દીકરીઓની આંખોમાં પ્રશ્ન છે,
હું આંસુ નહીં, હિંમત પહેરું છું,
મા છું.
એટલે સત્ય ગળી જાઉં છું.
તમે હતા ત્યારે બળ હતું,
હવે હું જ બળ બનવાની ફરજ છે,
દુઃખને છાતીમાં દાટી,
હાસ્યને હોઠે બાંધી રાખું છું.
દરેક ખૂણો આજે પણ તમારી યાદથી ધબકે છે,
પણ હું મૌનને જ ઉત્તર બનાવું છું.
“સાહેબ”
હવે અવાજમાં વિનંતી નથી,
એક નિશ્ચય છે.
તમે નહીં આવો, એ કડવો સ્વીકાર છે.
હું તૂટી નથી હવે,
હું કઠોર બની ગઈ છું.
દર્દને હૃદયમાં રાખી,
જીવવાનું યુદ્ધ લડી રહી છું.