શિર્ષક: ગુજરાતની અસ્મિતા, પ્રકાર:(અછાંદસ કવિતા)
જ્યાં સૂરજ પહેલું કિરણ વેરે છે પશ્ચિમના આંગણે,
એ છે મારી મરદ કસુંબલ ભોમકા - ગુજરાત!
અહીં ગિરનારના પથ્થરોમાં ગુંજે છે શૌર્યની ગાથા,
ને સોમનાથના ડમરુમાં સંભળાય છે શિવની આસ્થા.
ધોળાવીરાની ધૂળમાં સંતાયેલું છે વિશ્વનું પ્રાચીન નગર,
ને લોથલના બંદરે હિલોળા લે છે ઈતિહાસનો સાગર.
સાબરમતીના સંતે જ્યાં અહિંસાનું શસ્ત્ર ઉઠાવ્યું,
ને સરદારે અખંડ ભારતનું સપનું સાચું બનાવ્યું.
અહીં નરસિંહની ઝાંઝરી વાગે ને મીરાંનો એકતારો,
દયાનંદનો વેદ મંત્ર ને પ્રેમાનંદનો માણ-ધબકારો!
સિંહની ગર્જનામાં જ્યાં ગીરનું ગૌરવ ગાજે છે,
ને સ્ટેચ્યુ ઓફ યુનિટી દુનિયાના નકશે સાજે છે.
અમદાવાદી પોળ હોય કે સુરતનું જમણ,
કચ્છનું રણ હોય કે પાવાગઢનું શિખર;
વિશ્વના ખૂણે ખૂણે જ્યાં ગુજરાતી પાક્યો,
ત્યાં ત્યાં એણે પ્રગતિનો "સ્વયમ્'ભૂ" પરચમ રાખ્યો!
અશ્વિન રાઠોડ "સ્વયમ્'ભૂ"
"જેની ભાષામાં મિઠાશ છે, ને લોહીમાં વેપાર છે,
જેની છાતીમાં ખમીર છે, ને હૈયામાં સત્કાર છે.
એવા ગરવી ગુજરાતની આ ધરાને મારા શત-શત પ્રણામ છે!"