વિષય: નવજીવન
શીર્ષક: "કૂંપળનો વિશ્વાસ"
પ્રકાર: અછાંદસ કાવ્ય
ખરી પડ્યાં છે પાનખરના જીર્ણ વસ્ત્રો,
હવે ડાળીઓ સાવ નિર્વસ્ત્ર છે,
પણ...લાચાર નથી.
કારણ કે આ ખાલીપો જ તો આમંત્રણ છે, નવી મોસમનું...!
નવજીવન એટલે શું?
ફક્ત શ્વાસનું ચાલવું? ના.
નવજીવન એટલે...!
ગઈકાલના કાટમાળ નીચે દબાયેલા હોવા છતાં,
સૂરજના કિરણને પકડવા માટે,
સિમેન્ટની તિરાડ ચીરીને બહાર આવતી,
એક નાનકડી લીલી કૂંપળનો જીદભર્યો પ્રયાસ!
જૂની ડાયરીનાં પાનાં હવે ભરાઈ ગયાં છે,
એને પસ્તીમાં આપી દેવી છે.
હવે હાથમાં છે એક કોરો કાગળ,
અને કલમમાં છે...અનુભવની નવી શાહી.
રાખમાંથી બેઠા થવું એ ચમત્કાર નથી,
પણ રાખને જ ખાતર બનાવી,
એમાં સ્વપ્નનું નવું બીજ રોપવું,
અને એના પર ભરોસો કરવો,
બસ, એ જ તો છે સાચું "સ્વયમ્'ભૂ" નવજીવન!
અશ્વિન રાઠોડ "સ્વયમ્'ભૂ"