બક્ષી દો (ગધ્યોપધ્ય)
અદ્રશ્ય બાણશય્યા પર જુઓ,
એ કણસતુ પડ્યું...
પણ તમને ન દેખાશે.
હજું પણ બાણોનો વરસાદ!
નથી એ ભીષ્મ, હવે તો જરા થોભો.
રહો ઉભા ચૂપચાપ એક ખૂણો પકડી,
હવે, એનો અંતિમ શ્વાસ બક્ષી દો.
એનું છોડો.
ક્રૂરતા કેટલી આદરી તમે?!
જરા હિસાબ તો માંડો!
દાનવો પણ સારા સાબિત થયાં તમારાં કર્મોથી,
થાય રસાતાળ ધરતી એ પહેલાં,
બસ કરો. હવે પોતાની જાત બક્ષી દો.
કરો સંકલ્પ કે નથી જવું અમારે એ દિશામાં હવે,
વળી જાઓ પાછાં, કોતરી લો નવી કેડી,
ભલે હો એકલાં પણ વિહરો સ્વતંત્ર થઈ.
છોડો ભીડને, પોતે પોતાનું પ્રારબ્ધ બક્ષી દો.
દિવસને બહું દુભાવ્યો આકરાં શબ્દોનાં બાણોથી,
બસ, બહું થયું હવે તો; એની રાત બક્ષી દો.
હ્રદય, ઘાયલ હ્રદય છે, છલ્લી ને મહીં રૂધિરની દુર્ગંધ,
બહું સહ્યું એણે, હવે એને એનું એકાંત બક્ષી દો.
વજ્રસમ થઈ જવાનું વરદાન કે અભિશાપ મળે એને એ પહેલાં.
શ્રધ્ધાંજલિનાં ફૂલોનો આઘાત બક્ષી દો.
- મૃગતૃષ્ણા
🌷🌷🌷
(સમજૂતી: અહીં વાત થઈ છે પોતાની નિર્દોષતા કે ભોળપણ ભરેલી લાગણીઓની.... ભીડ સાથે ચાલવા આપણે જ ખુદ પર કેટલાં અત્યાચાર કરીએ છીએ... સમય છે પોતાને પોતાની રીતે કે પોતાની વિચારધારા અનુસાર જીવવા દેવાનો... ભીડમાં કદી પણ બુદ્ધિ નથી હોતી કે નથી હોતી લાગણી પરંતુ વ્યક્તિમાં તો હોય છે ને! તો શું કામ વ્યક્તિએ એક બુદ્ધિહીન, લાગણી વિહિન સિસ્ટમને અનુસરવું જોઈએ?)