સ્નેહવારિ પ્રેમ ને મિત્રતા મહીં..
મિત્રતા કે પ્રેમ મનની લાગણીઓથી થાય છે..મતલબથી નહીં..
સૌજન્ય : શ્રી બીના શાહ
FROM: સંવેદના..
મિત્રતા કે પ્રેમ આ બંને માનવજીવનની એવી ઉત્કૃષ્ટ અવસ્થા છે..તેમાં આત્મીયતા, પોતાની મનભાવન પ્રવૃત્તિનું આકર્ષણ, એક વિચાર, એક આચાર ને એકબીજા પ્રત્યેનું આત્મીયસભર ઢળવું.
આ દરેક સબંધને તેના પ્રત્યાઘાતમાં લાગણી જ એવું માધ્યમ છે જે દરેક સબંધ ને જીવંત રાખે છે, તેને કાર્યરત રાખે છે તેના અસ્તિત્વને અકબંધ રાખે છે...
મિત્રતામાં ક્યારેય એકબીજાનો દોષ જોવાતો નથી..તે જેવો છે તેવો તેના ગુણ દોષ સાથે તેનો સ્વીકાર ભાવ એને મિત્રતા કહેવાય.. બંનેના વ્યવહારમાં પ્રેમ, લાગણી, વિશ્વાસ, વફાદારી, ઈમાનદારી ને પ્રામાણિકતા, એક બીજા પ્રત્યે સન્માનની ભાવના ને વચનબદ્ધતા.. આ તેનું બંધારણ છે..આ તેની વ્યાખ્યા છે..મિત્રતા માં સ્વાર્થ નહીં પણ સદભાવ, હક નહીં પણ ફરજ, પ્રભાવ નહીં પણ નિખાલસતા, આગ્રહ નહીં પણ લાગણીસભર સલાહ, જ્યાં દૂર હોવા છતાં પણ પાસે હોવાનો એહસાસ.. સાથે ચાલવાનો સંકલ્પ ને જીવનભર દોસ્તી નિભાવવાની પ્રતિબદ્ધતા..આ મિત્રતાની ઓળખ છે
જ્યારે પ્રેમ વિશે તો શું કહું ? પ્રેમ એ તો ભાવજીવનનો વૈભવ છે..એ વેરાન રણમાં મીઠી વીરડી છે..એ નિખાલસ હૃદયનો મંગલઘોષ છે ને ભાવસબંધનું સ્નેહસભર, પ્રકાશમય,તેજોમય રૂપ છે..એ લાગણીથી તરબતર, રણઝણતું એવું સ્નેહ ઝરણું છે જેના કિનારે બેસી, સ્વપ્નોની દુનિયામાં ખોવાઈ જઈ, પોતાના પ્રિયજનના સાંનિધ્યમાં પ્રણયોત્સવ ઉજવતા રહેવાનું..
યૌવનની પગથારે પગથારે સાયુજય વડે ઉત્સાહિત બની, હૈયામાં ઉમંગ લઇને એ પ્રણય યાત્રાનું પ્રસ્થાન ને એ પ્રણયજીવનની ધન્ય પળોને મનના યાદોના પટારામાં સંગ્રહિત કરવાની ..આ બધું ત્યારે જ શક્ય છે જ્યાં ઉભય પક્ષમાં વહેતી અસીમ લાગણી એ પ્રથમ લક્ષણ બની તેમની સમજણમાં સ્થપાઈ ગઈ હોય..
આ લાગણીનું હોવું એટલે સેવા, સમર્પણ, ત્યાગ, વાત્સલ્ય, ધુપસળીની માફક જાતને જલાવી અન્યને સુગંધિત કરવાની ભાવના, ક્ષમાવૃત્તિ ને મરી ફિટવાની તમન્ના આ બધું મનની લાગણીનું પરિણામ છે..
મિત્રતા કે પ્રેમ બંનેમાં આ સ્નેહવારિ વહેતા હોય છે..જે તેને સંબંધોની દુનિયામાં ભાવવિભોર બનાવે છે...
સુપ્રભાત..
જય જીનેન્દ્ર..
ખૂબ સરસ પોસ્ટ..બીનાબહેન..
👌
- Umakant