આંખોમાં આંસુ, હોંઠ પર હાસ્ય રેલાય રે,
હૈયું ભીંજાયે લાગણીની ધીમી ધારે રે,
જીવનની તપતી રેતી પર ચાલે એકલી રે
પગમાં કાંટા, મનમાં ઝંઝાવાત દેખાય રે.
ક્યારેક દીકરી બની ઘર આંગણે આવે રે,
ખેડે ખેતર, ક્યારેક રસોડે રંધાય રે,
દુનિયા ઊંઘે ત્યારે જાગતી એકલી રે,
પોતાના સપનાં દફનાવી ને ખુશ થતી રે,
ઝુલમની ચાદર ઓઢાડી આ દુનિયાએ,
અવાજ દબાવ્યો, શ્વાસ રુંધાયો રે ,
છતાં એના હાથે દીવો પ્રગટાવ્યો રે,
અંધારે પણ પ્રેમની જ્યોત જલાવતી રે,
ક્યાંથી લાવે એ હિંમતનો અખૂટ સ્રોત રે,
જ્યારે દરેક ડગલેને પગલે દગો મળે રે,
બંધનોની દીવાલો ઊંચી થતી જાય રે,
તોયે એ પંખી ઉંચે ઊડવા ઝંખતું રે.
એક નારીની કથની નથી આ વેદનાં
લાખોની આંખોનું દર્દ છે આ વેદના,
સદીઓથી સળગે છે એનું અંતર રે,
હજી એનો અવાજ નથી જાગ્યો રે.
ક્યારેક બળતી ચિતામાં ઝોકાઈ રે
ક્યારેક અપમાનની આગે બળતી રે,
તોયે એની ભીતર શીતળ નદી વહેતી રે,
પ્રેમ અને કરુણાનું ઝરણું સદા વહેતું રે
ઓ નારી, તું તો દેવી શક્તિનું રૂપ રે,
દુઃખની ગાથા, પણ જીવનનું ધૂપ રે,
તારા આંસુઓની કિંમત નથી રે છતાં,
તું જાણે છે, તું અભિમાન દેશનું રે.
🌹 કલમ મારી પ્રતિસાદ તમારો 🌹