થઈ જ્યાં કન્યા વિદાય અંતર કેટકેટલું રોયું હશે.
કસોટી આકરી થૈ જાણે સર્વસ્વ એણે ખોયું હશે.
સંભાળ લેનારી પિતાની ડગલેનેપગલે એ દીકરી,
પિતા બન્યા હશે પ્રેમવિહ્વળ માનું રૂપ જોયું હશે.
કાલે ખેલતી હતી આંગણામાં જતી અગોચરમાં,
છોડી મમતા માવતર સાસરામાં મન પરોવ્યું હશે.
ભાવના અને કર્તવ્ય વચ્ચેની ખેંચમતાણ કેટલીને,
કાઠું કરીને મન પોતાનું એણે કર્તવ્યને અનુસર્યું હશે.
એકલા અટૂલા જાણે કે નિરાધાર મનમારી જીવતા,
હશે હૃદય રડતું પિતાનુંને મુખે સ્મિત એણે ધર્યું હશે.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.