સાદ પાડું હનુમાન તમે આવજો રે.
સાથે રામલક્ષ્મણને લાવજો રે....
બળબુધ્ધિ તમારાં અદભુત છે,
કૃપા રામની તમે વરસાવજો રે..1
અંજનીનંદન અધિકારી તમે,
રામભક્તિ અમને અપાવજો રે..2
વિષય વિકારો અમને સંતાપતા રે,
દયા લાવીને દેવ ઉગારજો રે...3
કામ રામનાં કેટલાં કર્યાં તમે,
કેસરીનંદન કષ્ટ તમે હરજો રે..4
ચરણ પડીને વિનવીએ તમને,
સદાચાર જીવનમાં આપજો રે..5
દીનતા અમારી દેવ સ્વીકારજો,
શરણાગતને સદાયે સ્વીકારજો રે..6
રામ દરશનની મનની ઝંખના છે,
આર્ત ઉરની હનુમાન સુણજો રે..7
નથી કોઈ આધાર અવરનો રે,
હાથ ઝાલીને હનુમત તારજો રે..8
ચૈતન્ય જોષી. " દીપક " પોરબંદર.