આપી અમૃત દેવોને વિષધરનાર સદાશિવ તમે.
આપી અભય સર્વને ભયહરનાર સદાશિવ તમે.
જટામાં જ્ઞાનગંગાધરી મૃગચર્મ દેહે ધર્યાં શિવજી,
કોટે નાગપાશને મુંડમાળ રાખનાર સદાશિવ તમે.
કૈલાસગિરિ પર વાસ તમારો નંદીની ચોકી જ્યાં,
ત્રિનેત્રધારી ગિરિવિહારી ૐકાર સદાશિવ તમે.
ડાક ડમરૂ ભાંગભોગી સંગ ભૂતપ્રેતની હો ટોળી,
સ્મરણમાત્રથી રીઝતા જગદાતાર સદાશિવ તમે
બિલ્વપત્ર જળધારને અભિષેક શિવલિગે થનારો,
પંચાક્ષરે પાવનકારી સંકટ હરનાર સદાશિવ તમે.
મનચાહ્યું મહાદેવ દેનાર ઈચ્છાપૂર્તિ સૌની કરનાર,
સ્વીકારો વંદન, શિવરાત્રિ તહેવાર સદાશિવ તમે.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.