ઘડપણ કોણે મોકલ્યું, જાણ્યું જોબન રહે સહુકાળ.. ઘડપણ꠶ ટેક
ઉંબરા તો ડુંગરા થયા રે, પાદર થયા પરદેશ,
ગોળી તો ગંગા થઈ રે, અંગે ઊજળા થયા છે કેશ... ઘડપણ꠶ ૧
નહોતું જોઈતું તે શીદ આવિયું રે, નહોતી જોઈ તારી વાટ,
ઘરમાંથી હળવા થયા રે, કહેશે ખૂણે ઢાળો એના ખાટ... ઘડપણ꠶ ૨
નાનપણે ભાવે લાડવા રે, ઘડપણે ભાવે સેવ,
રોજ ને રોજ જોઈએ રાબડી રે, એવી બળી રે ઘડપણની ટેવ... ઘડપણ꠶ ૩
આંખે તો સૂઝે નહીં રે, થર થર ધ્રુજે કાય,
ખાધું તો અન્ન પચે નહીં રે, વળી બેઠા તો નવ રહેવાય... ઘડપણ꠶ ૪
પ્રાતઃકાળે પ્રાણ માહરા રે, અન્ન વિના અકળાય,
ઘરના કહે છે મરતો નથી રે, તને બેસી રહેતાં શું થાય... ઘડપણ꠶ ૫
દિકરા તો જુજવા થયા રે, વહુઅર દે છે ગાળ,
દિકરીઓને જમાઈ લઈ ગયા રે, હવે ઘડપણના શ્યા રે હાલ... ઘડપણ꠶ ૬
નવ નાડી જુજવી પડી રે, આવી પહોંચ્યો ત્યાં કાળ,
બઈરાં છોકરાં ફટ ફટ કરે રે, નાનાં મોટાં મળી દે છે ગાળ... ઘડપણ꠶ ૭
આવી વેળા અંતકાળની રે, ત્યારે દિકરા પધાર્યા દ્વાર,
પાંસળીએથી છોડી વાંસળી રે, તેણે લઈ લીધી તેણીવાર... ઘડપણ꠶ ૮
એવું જાણી હરિ ભજજો રે, સાંભળજો સૌ સાથ,
પર ઉપકાર કરી પામશો રે, જે કાંઈ કીધું હશે જમણે હાથ... ઘડપણ꠶ ૯
એવું નફટ છે આ વૃદ્ધપણું રે, મૂકી દો સહુ અહંકાર,
ધર્મના સત્ય વચનથી રે, મહેતા નરસિંહ ઊતર્યા ભવ પાર... ઘડપણ꠶ ૧૦
🙏🏻