દર વર્ષે અષાઢ સુદ બીજના દિવસે અમદાવાદમાં ભગવાન જગન્નાથ નીજ મંદિરમાંથી બહાર આવી નગરચર્યા પર જાય છે. ભગવાનના મોસાળ સરસપુરમાં ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે જગન્નાથજીનું મામેરું થાય છે. લાખો સંતો- ભક્તો સરસપુરની પોળમાં જમણવાર કરે છે અને ત્યારબાદ રથયાત્રા નીજ મંદિર પરત આવવા પ્રસ્થાન થાય છે. આમ સમગ્ર રથયાત્રા ભક્તિ સાથે આનંદ અને ઉલ્લાસનો પર્વ બની રહે છે. પરંતુ ગુજરાતની પહેલી રથયાત્રા અમદાવાદમાં નહિ, પરંતું ભરૂચમાં નીકળી હતી. એવુ કહેવામાં આવે છે કે, ગુજરાતમાં સૌપ્રથમવાર ભગવાન જગન્નાથની યાત્રા ભરૂચમાંથી નીકળી હતી. 300 વર્ષ પૂર્વે ભરૂચના ફૂરજા બંદરેથી ભગવાન જગન્નાથની રથયાત્રા કાઢવામાં આવી હતી. આમ, ભગવાન જગન્નાથની રથયાત્રાનો અનેરો ઇતિહાસ નર્મદા કિનારે આવેલા ભરૂચમાં વસેલો છે.
રથયાત્રાનો ઈતિહાસ
એવું કહેવાય છે કે, 460 વર્ષ પહેલાં અમદાવાદમાં જગન્નાથ મંદિર જ્યાં આવેલું છે, તે સાબરમતી નદીના પૂર્વ કિનારે જંગલ હતું. હનુમાનદાસજી નામના એક સંન્યાસી આ જંગલ વિસ્તારમાં સ્થાયી થયા અને તેમણે ભગવાન હનુમાનજીની મૂર્તિ સ્થાપિત કરી હતી. ઓડિશામાં પુરી જગન્નાથ મંદિરની તેમની એક મુલાકાત દરમિયાન તેમણે ભગવાન જગન્નાથ, તેમના મોટા ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાની પવિત્ર મૂર્તિઓ સ્થાપિત કરાવી હતી. વર્ષ 1878માં મહંત નરસિંહદાસજી મંદિરના ચોથા મહારાજ બન્યા. તેમને એક દિવસ સપનામાં ભગવાન જગન્નાથજીના દર્શન થયા. તેમણે પુરીની તર્જ પર અમદવાદમાં રથયાત્રાની શરૂઆત કરવી, આમ 2 જુલાઈ 1878ના રોજ અમદાવાદ સૌ પ્રથમ રથયાત્રા નીકળી હતી. આમ વર્ષો બાદ આજે પણ ભવ્ય રીતે રથયાત્રા નિકળે છે અને ભગવાન સ્વયં નગરચર્યાએ નિકળી નગરજનોને દર્શન આપે છે. અમદાવાદનું સરસપુર ભગવાન જગન્નાથનું મોસાળ કહેવાય છે. મોસાળમાં ભગવાનનું મામેરુ થાય છે. મામેરામાં ભગવાનને સુંદર વાધા અને દાગીના ભેટ ધરવામાં આવે છે. ઉપરાંત રથયાત્રામાં આવેલા સંત - ભક્તો અને ભજન મંડળીના લોકો માટે સરસપુરની પોળમાં જમણવારનું આયોજન કરવામાં આવે છે. જેમા મોટી સંખ્યામા ભક્તો પ્રસાદ ગ્રહણ કરીને ધન્યતા અનુભવે છે.
સૌથી પહેલી રથયાત્રા ભરૂચમાં નીકળી હતી
લગભગ અઢીસો વર્ષ પહેલાં ગુજરાતમાં પહેલી રથયાત્રા કાઢવામાં આવી હતી. સૌ પહેલાં ભરૂચના ભોઈ સમાજે રથયાત્રા કાઢી હતી અને આ પરંપરા આજે પણ જળવાઈ રહી છે. અમદાવાદના જગન્નાથ મંદિરની સત્તાવાર શરૂઆત વર્ષ 1878માં તત્કાલીન મહંત નરસિંહદાસજી મહારાજ દ્વારા રથયાત્રાની શરૂઆત કરવામાં આવી હતી. પ્રારંભિક વર્ષો દરમિયાન બળદગાડાંમાં રથયાત્રા કાઢવામાં આવતી. આના માટે ભરૂચના ખલાસીઓએ અમદાવાદની રથયાત્રા માટે રથ બનાવી આપ્યા હતા. જેનું નિર્માણ નાળિયેરના ઝાડના થડમાંથી કરવામાં આવ્યું હતું. નાળિયેરનું થડ પ્રમાણમાં હળવું હોવા છતાં રથનું વજન 300 કિલો જેટલું હોવાનું કહેવાય છે.
મંદિરના 13 ગાદીપતિ થયા છે
અત્યાર સુધી જગન્નાથ મંદિરના 13 ગાદીપતિ થયા છે, જેમાંથી વર્તમાન મહંત દિલીપદાસજી અને નરસિંહદાસજી સિવાયના તમામ પરપ્રાંતીય હિંદીભાષી હતા. દિલીપદાસજી અમદાવાદમાં જ જન્મયા અને મોટા થયા છે, તેમના દાદાની મંદિરપરિસરમાં ચાની કિટલી હતી.