નાવિક વળતો બોલિયો સાંભળો મારા સ્વામ,
સાથ સહુકો નાવે બેસો નહિ બેસારું રામ.
વાર્તા મે સાંભળી છે - ચરણરેણથી અપાર,
અહલ્યા તા થય સ્ત્રી સહી, પાષાણ ફિટી નાર.
આજીવિકા મારી એહે છે, જુઓ મન વિવેક,
સ્ત્રી થાતાં વાર ન લાગે, કાષ્ઠ પાષાણ એક.
આજીવિકા ભાગે મારી, આગે એક સ્ત્રી છે ઘેર,
બે મળી ને શું જમે? હું શી કરું તા પેર?
હસી વિશ્વામિત્ર બોલિયા ચરણરેણે સ્ત્રી થાય,
તે માટે ગંગાજળ લઈને પખાલો હરી પાય!
હસી ને હરી હેઠા બેઠા રામ અશરણશર્ણ,
નાવીકે ગંગાજળ લઈને પખળ્યા તા ચર્ણ.