પ્રેમ ક્યારેય સમાધાન નથી કરતો, સંઘર્ષો કરે છે. કોઈ તર્ક કે સમજણમાં નથી માનતો, એ સમર્પણમાં માને છે. જે વ્યક્તિ પોતાને અખંડ રાખવા માંગે છે, એ કદાચ સાચો પ્રેમ ક્યારેય નહીં કરી શકે. કોઈ બીજી વ્યક્તિમાં પોતાની જાત ઓગાળી દઈને, પોતાના અસ્તિત્વને મિટાવી દેવાની તૈયારીનું નામ મહોબ્બત છે. પ્રેમનો લાલ રંગ એ રક્તનો છે જે લાગણીઓ વાગ્યા પછી શરીરમાંથી વહી નથી શક્યું. એ લાલ રંગમાં ડૂબવા માટે, કપાળ પર કેસરી રંગ હોવો જરૂરી છે.
જેઓ નિષ્ફળતા કે હાર્ટબ્રેકથી ડરે છે, તેઓ કિનારા પર બેસીને ભીની રેતીના ઘર બનાવતા હોય છે. ઘૂઘવતા સમુદ્રમાં જવાની હિંમત તો જ કરી શકાય જો સંપૂર્ણપણે ડૂબી જવાની તૈયારી હોય. દરિયા કિનારે ઉભા રહીને પગ બોળવાથી પ્રેમમાં ન પડી શકાય. કારણકે જ્યાં ઊંડાણ નથી, ત્યાં પ્રેમ ક્યારેય શક્ય નથી.
-ડૉ. નિમિત્ત ઓઝા