આહો છુપાવી બેઠી છે તુ મુસ્કાનમાં,
આ રૂપનો શ્રાપ મળ્યો તને વરદાનમાં.
અનેક આંખો વચ્ચે નીકળવું કઠિન છે,
બોલું સામે તો કહે આ ચારિત્રહીન છે.
કથની અને કરની ના ક્યારે તાલ બેસે,
શબ્દો અને વિચારો પણ જેના ભિન્ન છે.
નજરો નાચી રહી છે વાસનાના તાનમાં...
નીકળે બજારમાં તો શરમસાર થાય છે,
ને હરેકની આંખમાં કામના જ દેખાય છે.
છાતી પર ચોંટી જાય છે નજરો પુરુષની,
ભાર નજરનો લાગે હૃદય પણ ગભરાય છે.
હવે ફરક નથી રહ્યો માણસ અને શ્વાનમાં...
નાની હોઈ કે મોટી હોઈ સ્ત્રી હોવી જોઈએ,
સાચી હોઈ કે ખોટી હોઈ સ્ત્રી હોવી જોઈએ.
કિંમત અહીંયા ચામડાની લગાવવામાં આવે,
નગ્ન હોય કે લંગોટિ હોઈ સ્ત્રી હોવી જોઈએ.
મનોજ આજ દેવી આવી ગઈ છે બાનમાં...
મનોજ સંતોકી માનસ