*મચ્યો હાહાકાર*
જગ થયો સુનકાર
બની ગઈ શું વાત,
આજ ઢળી પડ્યો છે જગતનો તાત,
મચ્યો હાહાકાર.....
ગોડસે આવ્યો વેરી બની,
ગાંધીજી સામે બંદુક ધરી,
પળમાં કીધાં ઠાર.
મચ્યો છે હાહાકાર.....
જગ આખુ હિબકે ચઢયું છે,
હે રામ બોલી ઢળી પડ્યો છે,
જગનો તારણહાર.
મચ્યો છે હાહાકાર...
કેમ આવી સજા બાપુને કરી છે?
બધે એક જ સવાલ ગુંજે છે.
નથુરામ બન્યો આજે જગતનો ગુનેગાર.
મચ્યો છે હાહાકાર.....
ચૌદેભુવન અશ્રુ વહેવડાવે,
ધરતી આજ લોહીયાળ બની છે,
બ્રહ્માંડમાં થયો સુનકાર,
મચ્યો છે હાહાકાર.....
સ્વર્ગમાં જાણે ઉત્સવ યોજાયો,
દેવોએ પુષ્પવૃષ્ટિ વરસાવી,
ચિતા પર ચઢી ગયો છે
સત્યને માર્ગે ચાલનાર
મચ્યો છે હાહાકાર.....
નિયતિ નિમિત બની છે,
પંચમહાભુતમાં વિલિન થયો છે,
હિંદુસ્તાનને આઝાદી અપાવનાર,
મચ્યો છે હાહાકાર..
જીજ્ઞા કપુરિયા"નિયતી"
30/1/2023
કવિતા 2
ઓ જિંદગી તું કમાલ કરે છે!
સમય સાથે શીખવી ધમાલ કરે છે,
સત્યને પણ સાબિતીની હવે જરૂર છે,
ઓ જિંદગી તું કમાલ કરે છે!
કેટલાં ખૂશ હતાં આપણે એકબીજા સંગે,
હવે તો ખોટી તકરાર કરે છે.
એ જિંદગી તું કમાલ કરે છે!
નિર્મલ આભામંડળમાં વિહરી રહી હતી,
શાંત સરોવરમાં કાંકરીચાળો કરે છે,
એ જિંદગી તું કમાલ કરે છે.
સુખ પછી દુઃખ એ તો જીવનનો ક્રમ છે,
દુઃખમાં કેવું તાંડવ કરે છે,
એ જિંદગી તું કમાલ કરે છે!
જે હતાં પોતીકા હૃદયનાં સ્થાને વિરાજેલા,
કાનભંભેરણીમાં આવીને સવાલો કરે છે,
એ જિંદગી તું કમાલ કરે છે!
એક દિવસ ભૂલ સમજાશે જ,
ભલે આજે આંખે પટ્ટી પહેરી છે,
એ જિંદગી તું કમાલ કરે છે!
મૌન ધારણ કર
આજ સમયની માંગ છે,
તુ તારું કર્મ કરે છે,
એ જિંદગી તું કમાલ કરે છે!
હશે! ઈશ પર શ્રધ્ધા રાખ એ નિયતી,
કદાચિત પ્રભુ પરીક્ષા કરે છે,
એ જિંદગી તું કમાલ કરે છે!
જીજ્ઞા કપુરિયા"નિયતી"