ફૂલને ફૂલથી મળવા તો દે,
પાનને ઝાકળ અડવા તો દે ,
સોનેરી કિરણો પડવા તો દે ,
મળે મારી ચાહને સાથ તારો
તો વનવગડે વસંત ખીલે .
કુમળી કુંપળો ખીલવા તો દે ,
કેસૂડે રંગ ભરવા તો દે ,
પલાશને મોકળાશે ખીલવા તો દે ,
મળે મારી પ્રીતને હાથ તારો
તો વનવગડે વસંત ખીલે
કેડીઓને પીળાશ પકડવા તો દે ,
સલૂણી સંધ્યાને લાલાશ મળવા તો દે ,
સૂકી ધરાને લીલાશ ધરવા તો દે,
મળે મારાં સ્નેહને શ્વાસ તારો
તો ખીલે વનવગડે વસંત .
પારિજાત, ચંપાને ખીલવા તો દે ,
વીણાના સૂર છેડાવા તો દે ,
કોકિલાને કૂજન કરવા તો દે ,
મળે મારા પ્રેમને સ્પર્શ તારો
તો વનવગડે વસંત ખીલે .
મને એકવાર કેફિયત કરવા તો દે ,
મારાં રૂદિયાનાં હાલ જણાવા તો દે ,
મનભરી પ્રણયના ફાગ ખેલવા તો દે મળે મારી ઈચ્છાઓને તારો સહારો
તો વનવગડે વસંત ખીલે.
હેતલ પટેલ . (નિજાનંદી )