પવન સાથે દિશા બદલાય એવું હું નથી કહેતો,
બધું મારું જ ધાર્યું થાય એવું હું નથી કહેતો.
સતત બોલ્યા કરું બસ હું જ આ આખ્ખીય બાબતમાં,
તમારે કંઈ જ ના કહેવાય એવું હું નથી કહેતો.
અહીં આ જે રીતે ને જેટલી થઈ છે ઉથલપાથલ,
સ્થિતિ એવી જ ત્યાં સર્જાય એવું હું નથી કહેતો.
હૃદયની રિક્તતામાં રણ હજી તો વિસ્તરે છે ત્યાં,
હવે સાગર ઉછાળા ખાય એવું હું નથી કહેતો.