મહેંદીનાં રંગ કરતાં તો
એમાં લખેલાં તારાં નામનો
રંગ ગાઢ આવ્યો છે જો !
મહેંદીની ભાત કરતાં તો
તારાં નામનાં મરોડદાર અક્ષરો
મનને મોહે છે જો !
મારી ખાલી હથેળી પણ
આજે તારું નામ ચિતરાવીને કેટલી
ખુશ છે જો !
જયારે જયારે હથેળી પર તારું
નામ જોઉં છું ત્યારે મારો આ
ચહેરો કેવો ખીલે છે જો !
મહેંદીની મહેક તો ભરમાવે જ છે
પણ તારાં નામની સોડમ તો મને
મદહોશ બનાવે છે જો !
હથેળીમાં તારાં નામને વાંચતાં વાંચતાં
મારી આ ધડકન કેટલી જોરથી
ધડકે છે જો !
મહેંદીને આંખો પર રાખીને હું
તારાં શમણામાં જ ખોવાઈ
ગઈ કેવી જો!
"મીરાં"આ તો મહેંદીનો કમાલ છે
જેમ હથેળી મહેકાવે છે એમ
જીવન પણ મહેંકાવશે જોજે.
ચૌહાણ ભાવના "મીરાં"
સાવલી.