આર્થિક જવાબદારી સંભાળું છું કેમ કે હું પુરુષ છું.
ઠંડું ટિફીન જમી ગરમ જમાડું છું કેમ કે હું પુરુષ છું.
ખૂબ જ ટીકાટિપ્પણ થાય છે મારા જીવન ઉપર તો,
તોયે ક્યાં કદીએ જરા ગણકારું છું કેમ કે હું પુરુષ છું
બાળકોને ઘરથી શેરી બતાવી સંસ્કાર આપું દરરોજ,
એના ભણતરનો ખર્ચ કમાઈ પૂરું છું કેમ કે હું પુરુષ છું.
વેદનાઓ સહેવાની પણ આંસુ સારવાની મનાઈ છે.
દામ્પત્ય જીવનરથનું ચક્ર થૈ ફરું છું કેમ કે હું પુરુષ છું
નથી પરવા મને કોઈ વખાણે કે વખોડે મારા જીવનને,
કુટુંબને પોષીને પ્રેમને સમય આપું છું કેમ કે હું પુરુષ છું.
લાગણીના નામે મારો છેદ ના ઉડાડશો કોઈ ક્યારેય,
હું પણ એક ધબકતું હૃદય ધરાવું છું કેમ કે હું પુરુષ છું.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.