ખોજ પ્રભુની અંતરમાં કરજો, ઈશ્વર શોધશે તમને.
એના વિયોગે નૈનાશ્રુને સારજો, ઈશ્વર શોધશે તમને.
નથી જરુરત મા સરસ્વતિને આરાધવા શ્લોકો તણી
કોઈ અભણને અક્ષરજ્ઞાન દેજો, ઈશ્વર શોધશે તમને
નથી જરુરત મહાલક્ષ્મીના રાજોપચાર પૂજન તણી,
કોઈ દીનદુઃખીને સહાય કરજો, ઈશ્વર શોધશે તમને.
નથી જરુરત માનભોગને મેવા હરિવરને ધરાવવાની,
કોઈ ભૂખ્યાંનો જઠરાગ્નિ ઠારજો,ઈશ્વર શોધશે તમને
નથી જરુરત અઢળક દાન આપી તક્તી લગાડવાની
કોઈ બીમારને દવા અપાવજો, ઈશ્વર શોધશે તમને.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.