કહેવત છે કે, " નાણાં વગરનો નાથિયો અને નાણે નાથાલાલ "
માણસ જિંદગીમાં ગમે એટલી ઈજ્જત ભેગી કરે પરંતુ એની જોડે પૈસા ન હોય તો એ ઇજ્જતનું કોઈ મૂલ્ય હોતું નથી. હા, પહેલાના જમાનામાં પૈસા કરતાં માનવીની ઈજ્જતનું વધારે મહત્વ હતું. પાંચ લોકો બેઠા હોય ત્યારે કોઈ વડીલ માણસ કંઈપણ બોલે તો એના શબ્દોનું વજન પડતું પરંતુ હાલના જમાનામાં પૈસા વાળાની બહુ બોલબાલા છે અને લક્ષ્મીની કૃપા પણ તેની પર તો અપરંપાર થાય છે. આપે છે તો ખોબેને ખોબે આપે છે અને જેને નથી આપતો એને એક પાઈ પણ આપતો નથી.
લક્ષ્મીજી હોય કે ન હોય એ કર્મને આધીન છે અને મહેનતને આભારી છે. આપણે જોઈએ છે કે જ્યાં પૈસો છે ત્યાં પૈસો,પૈસાને ખેંચી લાવે છે. કારણ કે ઘરની મૂડી હોય ત્યારે જે પણ નફો થાય એ ઘરમાં રહે છે. પૈસો પૈસાને એટલે તો કહેવાય છે કે ખેંચી લાવે છે, બિચારો ઉછીના પૈસા લઈને ધંધો કરતો માણસ કમાણી તો કરે જ છે પરંતુ એનો બધો જ કમાણીનો અડધો ભાગ વ્યાજ ચૂકવવામાં પૂરો થઈ જાય છે અને પૈસાવાળા માણસને તો એક પેઢી ફાઇનાન્સની હોય અને બીજી પેઢી શરૂ થતી હોય છે તેમજ એક કંપનીમાંથી બીજી, બીજી માંથી વધુને વધુ પરંતુ તો પણ માનવને સંતોષ તો નથી.
મનુષ્ય જીવનમાં પૈસાને એટલું વધુ મહત્વ આપી દીધું છે કે જ્યાં પૈસો છે તે ત્રાજવાનું વજન વધી રહ્યું છે અને દરેક વ્યક્તિ પણ જ્યાં પૈસો હોય ત્યાં કામ કરવા પણ વધારે તત્પર થાય છે. સામાન્ય લોકોને મજુર જોઈએ છે તો ત્યાં નથી જતા પરંતુ પૈસાવાળા ત્યાં પ્રથમ જાય છે કેમ કે મજૂરી મળી જાય. માનવતા મરી પરવારી હોય એવું નથી લાગતું.
દુનિયામાં દરેક વસ્તુનું મૂલ્ય પૈસાથી જ કરવામાં આવશે. લક્ષ્મીજીની કૃપા તો જુઓ! આપણે જોઈએ છે કે અત્યારે ધનાઢ્ય લોકો જોડે કેટલી લક્ષ્મી છે એની ગણતરી પણ તે કરી શકતા નથી અને કરી શકે પણ નહીં.
લક્ષ્મીજીની કૃપા બધા પર એક સરખી તો રહેવાની નથી એટલે તો જ્યારે પૈસા હોય ત્યારે ગમે તેમ ખર્ચ ના કરવો જોઈએ. વધારે પડતા પૈસાનો ખર્ચ કરવાથી લક્ષ્મી ટકતી નથી. તમારી જોડે લક્ષ્મી વધે તેવા પ્રયત્ન કરવા એટલે બચત અને કરકસર કરવી. કારણ કે પૈસો જ પૈસા ને ખેંચી આવે છે. સમાજમાં ઇચ્છતા આપે છે અને તમે સ્વમાનભેર જીવી શકો છો.
ભાનુબેન બી પ્રજાપતિ