આજે સ્કૂલેથી છૂટીને ફરી ફરીને ઘરે આવવાનું નક્કી કર્યું હતું. નક્કી કર્યું હતું કે ફરતાં ફરતાં રસ્તામાં જેટલાં પણ ગણેશ મંડપ દેખાય એ બધે દુંદાળા દેવના દર્શન કરતી જાઉં. એક બાજુ વિચાર એ પણ આવતો હતો કે આ ભર બપોરે બાપ્પા જાગતા હશે ખરા? એટલે, આમ તો એઓ જાગતા જ હોય છે પણ મંડપ બંધ કરીને એ સુઈ ગયા એવી આપણી માન્યતા પણ વચ્ચે આવે ને!
પણ જે મોટા મોટા આયોજકો હતાં એમનાં બાપ્પા જાગતા હતા અને દર્શન ભક્તો માટે ખુલ્લા હતાં. તકલીફ એક જ વાતની હતી કે દર્શન કરવા જવા પહેલાં ઘણું બધું ચાલીને ત્યાં કરેલું ડેકોરેશન જોવું ફરજીયાત હતું, અને આ ડેકોરેશન એ રીતે કર્યું હોય છે કે બાપ્પા તો એકદમ બાજુએ હોય છે, મંડપની બહાર ઉભા રહીને દર્શન કરવા હોય અને બહારથી જ જતા રહેવું હોય તો એ શક્ય નથી. આવા પાંચેક મંડપ જતા કર્યા પછી નક્કી કર્યું કે હવે સીધી ઘરે જ જતી રહું. મારે તો માત્ર દેવ દર્શન કરવા હતાં.
આથી મનોમન દર્શન કરી ઘરે પાછી ફરી. હવે તમે એમ કહેશો કે મંડપના ડેકોરેશનમાં પણ ઘણી સરસ થીમ હોય છે, જોવા તો જવું જોઈએ? પણ મારો જવાબ એ જ હશે કે ભલે તોતિંગ ખર્ચાઓ કરીને મોટા પાયે ગણેશોત્સવનું આયોજન કરો પણ જો ભગવાનનાં દર્શન સીધાં નહીં કરાવી શકતાં હો અને પહેલાં ડેકોરેશન જોવાની જ ફરજ પાડવામાં આવતી હોય તો એ નકામું છે. આમાં મને ભક્તિભાવ દેખાતો નથી. ભવ્ય ડેકોરેશનની સાથે સાથે ગણેશજીનાં દર્શન પણ તરત જ થવા જોઈએ.
આ લખવા પાછળ કોઈની લાગણી દૂભવવાનો આશય નથી, પરંતુ આ પ્રકારનાં આયોજનને કારણે જે લોકો મર્યાદિત સમય જ ફાળવી શકે એમ હોય એઓએ તો માત્ર ડેકોરેશનથી જ સંતોષ માનવો પડે.
આભાર.
જય ગણેશ.🙏