થાય સરખામણી તો ઊતરતા છીએ
તે છતાં આબરુને દીપાવી દીધી.
એમના મહેલને રોશની આપવા
ઝૂંપડી પણ અમારી જલાવી દીધી.
બીક એક જ બધાને હતી કે
અમે ક્યાંક પહોંચી ન જઈએ બુલંદી ઉપર,
કોઈએ પીંજરાની વ્યવસ્થા કરી
કોઈએ જાળ પંથે બિછાવી દીધી.
કોઈ અમને નડ્યા તો ઊભા રહી ગયા
પણ ઊભા રહી અમે કોઈને ના નડ્યા.
ખુદ અમે તો ન પહોંચી શક્યા મંઝિલે,
વાટ કિંતુ બીજાને બતાવી દીધી.
દિલ જવા તો દીધું કોઈના હાથમાં
દિલ ગયા બાદ અમને ખરી જાણ થઈ.
સાચવી રાખવાની જે વસ્તુ હતી,
એ જ વસ્તુ અમે તો લૂંટાવી દીધી.
-બેફામ.