..." ખોવાયો ખુદને મળ્યાં પછી "
ખોવાઈ ગયો છું હું, ખુદને મળ્યાં પછી;
ને પડછાયો મળ્યો, સૂર્ય આથમ્યાં પછી;
ઉંચકીને ખભે અહમ્ દોડતો રહ્યો સદા,
આંખો ખુલી ઘણી ઠોકરો લાગ્યાં પછી;
ફૂલની ફોરમ જેમ પ્રસરી ગયો છું ચોમેર,
હું પણાને આ તનમાં જ દફનાવ્યાં પછી;
દાટી દીધાં ખોટાં પ્રતિબિંબને મેં ખુણામાં,
કોઈ એક જણને ખુદમાં, સમાવ્યાં પછી;
ઊપસી રહી હસ્તરેખાઓ ચહેરા ઉપર,
મહેંદી મહેનતની હાથમાં, લગાવ્યાં પછી;
ઝંખવાણો પડી ગયો છે ચાંદ આભમાં,
માથા પર ચમકીલી સફેદી આવ્યાં પછી;
બનીને ઊભો છું ઠૂંઠું, આયખાનાં મારગે,
ખરી ગયાં છે પાંદડાં, વસંત આવ્યાં પછી;
કિંમત મારી છતાં કમ ના આંકતાં "વ્યોમ"
ખબર પડશે તમને એય, મારા ગયાં પછી;
✍... વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
GETCO (GEB),
મુ. રાપર