જીવન ની ભાગદોડ નો અર્થ સમજાવતી આજ ની વાત
એક વેપારીએ કુતરો પાળેલો હતો. કુતરાને હંમેશા છુટો જ રાખવામાં આવતો હતો. વેપારીના ઘરની બહાર બેસે અને ચોકી કરે. આ કુતરાને એક વિચિત્ર ટેવ હતી. એ બહાર બેઠો હોય ત્યારે જે વાહન રસ્તા પરથી નીકળે એ વાહનને પકડવા વાહનની પાછળ દોટ મુકે. વાહન ચલાવનાર પણ ગભરાઇને વધુ ઝડપથી વાહન ચલાવે. કુતરો થોડીવાર વાહન પાછળ દોડે અને વાહન ન પકડી શકવાને કારણે પાછો પોતાની મૂળ જગ્યાએ આવીને બેસી જાય.
રોજ બનતી આ ઘટના જોનારો વેપારીનો પાડોશી એકદિવસ વેપારીને મળવા માટે એના ઘરે ગયો. એણે વેપારીને કહ્યુ , " હું રોજ જોવ છું કે તમારો આ કુતરો રસ્તા પરથી પસાર થતા બધા જ વાહનને પકડવાનો પ્રયાસ કરે છે.જેવુ વાહન પસાર થાય કે તેની પાછળ દોટ મુકે છે. તમને એવુ લાગે છે કે એ ક્યારેય કોઇ વાહનને પકડી શકશે ? "
વેપારીએ કહ્યુ , " ભાઇ, તમે તો વાહન પકડવાની વાત કરો છો હું તો વિચારુ છું કે એ કદાચ કોઇ વાહનને પકડી લેશે તો પણ વાહનને પકડીને એ કરશે શું ? મને તો એ જ નથી સમજાતું કે વાહનને પકડવા એ શા માટે દોડાદોડી કરે છે જે પકડાયા પછી પણ એના માટે કોઇ કામનું નથી."
મિત્રો , આપણી પરિસ્થિતી પણ ક્યાંક આ કુતરા જેવી તો નથી ને ? સતત દોડા-દોડી કરીએ છીએ પણ શા માટે દોડા-દોડી કરીએ છીએ એ ખબર જ ન હોય ? જીવનમાં એવા #ધ્યેયો પાછળ દોટ નહી મુકવી જે પ્રાપ્ત કર્યા પછી સમજાય કે મારે આની તો કોઇ જરુર જ નથી !