લાગે..!
તારા આગમને મને અવસર જેવું લાગે.
તારા આગમને મને માતબર જેવું લાગે.
શું કહું વાત દિલની શબ્દોથી મઠારીને,
તને જોઈને દિલ મને સમંદર જેવું લાગે.
રક્ષાઈ ગઈ મનની મુરાદ હવે જીવવાની,
તારા આગમને એને તો બખ્તર જેવું લાગે.
છોને હોઉં ધરા પર તેથી શું થઈ ગયું આજે!
મુલાકાત તારી મનભરીને અંબર જેવું લાગે.
આજે નવેનવ અગિયારમે જઈ બેઠા ગ્રહો,
મન તો વાસંતી એને મધસાકર જેવું લાગે.
સંભળાય હરરાગમાં મને વસંતબહાર જ,
રખેને એ તારા દિલના આવકાર જેવું લાગે.
બજી ઊઠ્યા દિલતારને રોમેરોમ પુલકિત,
તું ભલે એકલી, મને એકે હજાર જેવું લાગે.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.