પાંખો નથી પણ સતત ઊડતું રહે છે મન.
પગ નથી પણ અવિરત ચાલતું રહે છે મન.
ક્યારેક,કોઈક સ્થળે આવીને અચાનક
થંભી જાય આ મન.
સમયનો કાંટો ચાલતો રહે છે.
જીવનની ઘટમાળ પણ એની મોજમાં
ચાલતી રહે છે.
માણસ ક્યાંયથી ક્યાંય પહોંચી જાય છે.
પણ અચરજ તો ત્યારે થાય છે
કે આગળ દોડતું મન કયારેક વીતેલી ક્ષણોમાં
પહોંચી જાય છે.
એ ક્ષણોમાં ખોવાઈને અંતરમાં કોઈ
ખૂણે સમેટી રાખેલાં યાદોનાં પોટલાને
વેરવિખેર કરી નાંખે છે.
કેટલીક મધુર યાદો બેશક હોંઠો
પર સ્મિત ખીલવી દે છે
પણ કેટલીક કડવી યાદો જાણે
ઘા પર આવેલી રુઝને પછીથી
વખોડી દે છે.
ઉંમર ભલે ગમે તેટલી હોય પણ
યાદોની એ ક્ષણો માણસને ક્યારેક બાળક તો
ક્યારેક યુવાન બનાવી દે છે.
આ બધી કરામત તો "મીરાં"
આ માસુમ અને ભોળાં મનની છે.
મીરાં...