ચિંતન લેખ: પ્રિયતમ
મોહનભાઈ પરમાર " આનંદ
પ્રિય શબ્દની અનુભૂતિ મધુર ચૈતન્યમય રસાનુભૂતિ કરાવે છે. આ સંપૂર્ણ વિશ્વ માધુર્ય ભાવ ઊર્મિથી, પરિપૂર્ણ છે.પરંતુ બધાને મધુરભાવની પ્રાપ્તિ થતી નથી. વંચિત રહી જાય છે શામાટે?
આપણાં રોજિંદા જીવન વ્યવહારમાં પણ, પ્રિય-અપ્રિયનો દ્વન્દ્વ ચાલુ જ છે. આપણી મનોવૃત્તિને અનુકૂળ વસ્તુ વ્યક્તિ પદાર્થ પ્રિય લાગે છે, પ્રતિકૂળતા અપ્રિય લાગે છે. સૌનો અનુભવ છે, એમાંથી બધા પસાર થાયછે.
આપણે કોઈ પ્રિય ક્યારે લાગીશું ?આપણે કોઈ પ્રિયપાત્ર બની શકીએ? આ જગતમાં પ્રેમનું ઝરણું દોડ્યું જ જાય છે એમાં આપણે પવિત્ર થવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું છે. પણ આપણને એ દ્રષ્ટિગોચર થતું કેમ નથી? શું પ્રેમ વગર જીવન શક્ય છે ખરું?
માધુર્ય ભાવ એ ભક્તિ રસ છે , ભક્તિ યોગ છે .પ્રેમ યોગ છે. જ્યાં એનું ઉદ્ઘાટન છે ,ત્યાં દ્રષ્ટિ પ્રેમમય રસમય હોય છે.આ દિવ્યતા સભર અનુભૂતિ માટે, શ્રીકૃષ્ણ ગીતામાં જવાબ છે કે ભગવાન ને પ્રિય કોણ છે? એનો સરસ ઉત્તર આપણે ને મળે છે. જે આપણને સમાધાન આપે છે.
अनपेक्ष: शुचिर्दक्ष उदासीनो गतव्यथ: ।
सर्वारम्भपरित्यागी यो मद्भक्त: स मे प्रिय: ।।१२.१६।।
जो पुरुष आकांक्षा से रहित, बाहर-भीतर से शुद्ध, चतुर, पक्षपात से रहित और दु:खों से छूटा हुआ है- वह सब आरम्भों का त्यागी मेरा भक्त मुझको प्रिय है।
પ્રિય કોણ બની શકે? એનો જવાબ છે અનપેક્ષ.
જેને સંબંધો માં કોઈ અપેક્ષાઓ રાખી જ નથી. સદાય વિનમ્રતાથી નિત્ય નિરંતર પોતાની ફરજો બજાવી રહ્યા છે તેઓ પ્રિય છે. એટલે જ " માં " શબ્દ સૌથી પ્રિય છે.
માં કશું માંગતી નથી. માટે પ્રિય છે.
માં પછી પિતા પણ પ્રિય છે કારણકે અપેક્ષા રાખ્યા વગર સંતાનો અને કુટુંબ માટે જાત ઘસી નાંખે છે. બધાજ દુઃખ તકલીફ પોતાની ઉપર લઇ લે છે માટે પ્રિય છે.
ગુરુ સૌથી પ્રિય છે, કારણકે ગુરુ જ્ઞાન એકલું આપતા નથી, તમારા અનંત જન્મોના કર્મો કાપી નાખવામાં મદદ રૂપ થાય છે.તમને તમારા સ્વરૂપની અનુભૂતિ કરાવે છે
એના બદલામાં તમે શું આપી શકો? ગુરુ જેવા અનપેક્ષ આ બ્રહ્માંડમાં કોઈ નથી
આ ઉપરાંત સહોદર, કોટુબિક સંબંધો અને મિત્રો પણ અનપેક્ષ હોય છે ત્યારે સુખાનુભૂતિ થાય છે. પરંતુ પ્રિય શબ્દ નું માહાત્મ્ય અને માધુર્ય ભાવ એ દામ્પત્યજીવન માં
વિશેષ જોવા મળે છે. એ શબ્દાનુભૂતિ નથી ,એ ત્યાગ સમર્પણ અને શરણાગતિના પરમોચ્ચ શિખરની પ્રાપ્તિ માં
આદર્શ પ્રેમની અનુભૂતિ છે.
શ્રી રામ સીતા, શ્રીકૃષ્ણ -રાધાજી દિવ્યતા સભર અનુભૂતિ ના ઉદાહરણ છે.પ્રિયભાવ એ રસાયણ છે.ભક્તિ એ મધુર ચૈતન્યમય રસાનુભૂતિ છે.જ્યા અપેક્ષા નથી ત્યાં ફળીભૂત થાય છે .ઉદાહરણ માટે ચૈતન્ય મહાપ્રભુનું નામ સર્વોપરિ છે.
પ્રેમ એટલે જ પરમાત્માનું સ્વરૂપ સ્વરૂપ, આપણે હંમેશા એને મૂર્તિઓમાં જોવાનો પ્રયત્ન કર્યો છે. જરા નજર
નારાયણ માંથી હટાવી નર માં કરીએ, ત્યારે સત્ય ના દર્શન થશે. પ્રિયતમ રાજી થશે.સાચી રીતે જો તમે પ્રેમ કરતા શીખી જાવ તો પ્રિયતમ રાજી થઈ જાય. તમે અવશ્ય પ્રેમાસ્પદ બની જાવ.
જ્યાં દયા અને કરુણા છે, ત્યાં પ્રેમ હોય છે.મહાવીરના સ્વરૂપને જુઓ ,કેવી કરૂણા છે,.ગૌતમ બુદ્ધને જુઓ, ઈસુને જુઓ .બધા મહાપુરુષોના જીવનમાં પ્રેમ ત્યાગ અને બલિદાન છે માટે જ પ્રિતી પાત્ર બન્યા છે.ચાલો
આપણે પ્રેમ સ્વરૂપ બની ,પારદર્શકતા લાવી જીવનમાં રસાનુભૂતિ લાવીએ.. ૐ