માતાજી નો થાળ તૈયાર થયો એટલે પ્રભાએ રસોડામાંથી બહાર સંભળાય એટલા અવાજે કિશનને બૂમ પાડી,"સાંભળો છો! માતાજીનો થાળ તૈયાર છે, ધરાવી દો." પ્રભાના સૂરમાં હૂકમ હોય અને સાહેબના અવાજથી પટાવાળો હાજર થાય એમ કિશન તરત રસોડામાં હાજર થયો. થાળમાં બે રોટલી, ભીંડાનું શાક, દહીંની વાટકી, કચુંબર અને પાણી નો પ્યાલો મૂકેલો હતો. માતાજીનું સ્થાનક આગળના ઓરડામાં હતું અને એ જ ઓરડામાં એક ખૂણામાં કિશનના બા અંબા નો ખાટલો હતો. શરીરને ઉંમર ઘેરી વળે એટલે એ અશક્ત થાય ને ખાટલો શરીરની દુનિયા થઈ જાય. કિશન થાળ લઈને રસોડામાંથી આગળના ઓરડામાં આવ્યો, ત્યાં થાળમાં ઉભેલા પ્યાલા સાથે નજર મળતાં અંબા બા ખાટલામાંથી બેઠા થયા અને સુકાયેલા પાંદડા જેવો અવાજ કિશનના કાને પડ્યો, " બેટા, પાણી." કોઈ અપ્રિય અવાજ સાંભળી લીધો હોય તેમ એને ડામી દેવા કિશનનો તોછડો જવાબ ઓરડામાં ગુંજ્યો, "પવાલું જોયું નથી કે તરસ્યા થયા નથી, આખો દિવસ લોહી પી જાવ છો. ઘડીકવાર જંપવા દેતા નથી. આખો દિવસ પાણી પી પી ને મુતરવા જા જા." થાળ ધરાવતા કીશનનો લવારો ચાલુ હતો ને અંબા બા ની નજર પ્યાલા પર સ્થિર થઈ ગઈ હતી. આંખમાંથી નીકળેલા આસું વ્યર્થ થઈ જમીન પર પડવાને બદલે, માં ની વેદના સમજતા હોય તેમ ભેખડોમાંથી રસ્તો કરી નીકળતી સરિતાની માફક મોં પરની કરચલીઓમાં થઈ સૂકા હોઠમાં સમાઈ રહ્યા. હોઠમાં અટકી ગયેલ આસું પોતાની વિવશતા પર લાચાર હતા, કારણ કે એમની પાસે માંની તરસ છીપાવી શકે એટલું પાણી ન મળ્યું.