વિરહ વેદનાનાં ખળભળતાં વલોપાતને,
ચૂપચાપ હર્દયમાં શમાવતાં શીખી ગયા.
આંખોનો ઊંબરો ઓળંગવા ઉતાવળા,
આંસુ છુપાવી, સ્મિત આપતાં શીખી ગયા.
હું-તું, મારું- તારુંની સઘળી દલીલો છોડી,
તમે કહ્યું એ સાચું, સ્વીકારતાં શીખી ગયા.
તમે રહો જોડે કે પછી મુજને તરછોડો,
તમારા વિનાય તમને ચાહતા શીખી ગયા.
ને કોણે કહ્યું કે,સૂરજ ડૂબશે ને રાત થશે,
સાથ છૂટ્યો, અંધારામાં જીવતાં શીખી ગયા.
વિચાર વલોણાની 'હા-ના'ની ફરતી' તી દોરી,
તમારી 'હા' પર અભિમાન કરતાં શીખી ગયા.
ન પૂછો તમારાં વિના કેટલી અધૂરી છું હું ?,
તમારા વિચાર વલોણામાં ગઝલ લખતાં શીખી ગયા.
-- સરગમ
-Priyanka Chauhan