હું જન્મો-જન્મથી ઈશ્વરને શોધતો હતો. ક્યારેક દૂર કોઈ તારા પાસે મે એક પ્રતિબિંબ જોયું અને હું તેની બાજુ ભાગ્યો પણ જ્યારે હું એ તારા પાસે પહોંચ્યો ત્યાં સુધી ઈશ્વર ઘણો આગળ નીકળી ગયો હતો. ક્યારેક દુર સૂર્ય ની બાજુમાં તેમનો સુવર્ણ રથ મને ચમકતો દેખાયો પણ જ્યાં સુધી હું ત્યાં પહોંચુ ત્યાં સુધી તે દૂર નીકળી ગયો હતો. આવું મારી સાથે વારંવાર થવા લાગ્યું પણ હું તક ચૂકતો રહ્યો અને વારંવાર ચુકતો રહ્યો.
પછી એક દિવસ કઈંક એવી ઘટના બની કે હું એ દરવાજા પાસે પહોંચી ગયો જ્યાં લખેલુ હતું કે "અહીંયા ઈશ્વર રહે છે" (તમે મારા આનંદની કલ્પના કરો) હું દોડીને સીડીઓ ચઢી ગયો અને સાંકળ હાથમાં પકડીને દરવાજો ખખડાવવા જઇ જ રહ્યો હતો ત્યાં જ મને એક વિચાર આવ્યો કે જો સાચે દરવાજો ખુલી ગયો અને મને ઇશ્વર મળી ગયો તો પછી હું શું કરીશ ?
તેની શોધ જ તો આ મારી જીંદગી છે. તેની શોધ જ તો મારી મજા છે. બસ આ રીતે જ તો હું અનેક જન્મો થી તેને શોધતા શોધતા જીવતો આવ્યો છું. જો ઈશ્વર મને મળી ગયો અને તે મને ભેટી પડ્યો તો પછી મારા માટે કંઈપણ કરવાનુ બાકી જ નહીં રહે. કારણકે ઈશ્વર મળી ગયા પછી બીજું કંઈ કરવાનું રહેતું જ નથી. જો મને ઇશ્વર મળી જશે અને મારા કરવા માટે કઈ નહિ બચે તો પછી હું શુ કરીશ ? આ વિચારે મને એટલો ગભરાવી નાખ્યો કે તરત જ મે સાંકળ ધીરેથી મુકી દીધી. મે સાંકળ એટલી ધીમે થી મુકી કે ક્યાંક અવાજ ના આવી જાય. જૂતા પણ પગમાંથી ઉતારી નાખ્યા એ વિચારી ને કે ક્યાંક સીડી ઉતરતા અવાજ ના આવી જાય. જો અવાજ આવી જશે તો ઈશ્વર દરવાજો ખોલી નાખશે. પછી જૂતા હાથમાં લઈને હું એવુ ભાગ્યો કે પછી પાછળ વળીને મે જોયું જ નહી.
હું હજુ પણ ઇશ્વર ને શોધુ છું અને રોજ શોધુ છુ. જોકે હવે મને ખબર છે કે ઈશ્વર ક્યાં રહે છે. બસ એટલે જ એ જગ્યાને છોડી ને હું બાકી બધે જ તેને શોધું છું.
(રવીન્દ્રનાથ ટાગોર)