ક્લાસરૂમમાં એક વિદ્યાર્થીએ તેના સહાધ્યાયીની મજાક કરવા તેની પીઠ પાછળ તેની જાણ બહાર એક કાગળનો ટુકડો ચોંટાડી દીધો જેના પર લખ્યું હતું ' હું મૂર્ખ છું'
ક્લાસના બીજા છોકરાઓને તેણે આ બાબતે કંઈ ન જણાવવાનુ કહ્યું.આખા પીરીયડ દરમિયાન છોકરાઓ સ્ટીકર જોઈને વચ્ચે વચ્ચે હસતાં રહ્યા.
તે બપોરે ગણિતના શિક્ષકે એ એક અઘરો પ્રશ્ન બોર્ડ પર લખ્યો અને ક્લાસ ને તેનો જવાબ પૂછ્યો.
પેલા સ્ટીકર ચોંટાડેલા છોકરા સિવાય કોઈએ હાથ ઉંચો ના કર્યો.
છોકરો બોર્ડ તરફ આગળ વધી રહ્યો હતો ત્યારે બધાં છોકરાઓ તેની પાછળ હસી રહ્યા હતાં. છોકરાએ તરત જ પ્રશ્ન ઉકેલી દીધો
શિક્ષકે આખા ક્લાસને તે છોકરાને તાળીઓ પાડીને વધાવવાનું કહ્યું અને તેની પીઠ પરનું સ્ટીકર કાઢી નાખ્યું. શિક્ષકે પેલા છોકરાને કહ્યું," એવું લાગે છે કે તારી પીઠ પર જે સ્ટીકર લગાવી દીધું છે તેની તને ખબર નથી."
શિક્ષકે પછી ક્લાસ ના બીજા છોકરાઓ તરફ જોઈ ને કહ્યું." હું તમને શિક્ષા કરું તે પહેલા મારે બે વાત કહેવી છે.
" પહેલી વાત, જીવનમાં ઘણા લોકો હંમેશા તમારા પર લેબલ લગાડશે ,તમને હતોત્સાહ કરવા પ્રયત્ન કરશે. તમારા આ સહાધ્યાયીને જો આ સ્ટીકરની ખબર પડી ગઈ હોત તો તે કદાચ નાસીપાસ થઈને આ પ્રશ્નનો જવાબ આપવા ઊભો જ થયો ન હોત. જીવન માં લોકોના બિનજરૂરી અભિપ્રાયો, ટીકાઓથી તમારો આત્મવિશ્વાસ ન ગુમાવતા.તમારી માન્યતા, તમારા ધ્યેય થી ચલિત ન થતા "
"અને બીજી વાત. એ સ્પષ્ટ છે કે આ ક્લાસમાં તમારામાંથી કોઈ તેનો વિશ્વાસુ મિત્ર નથી કે જે આ સ્ટીકર વિશે તેને કહી શક્યો હોત"
"જીવનમાં તમારે મિત્રો હોય તે બહુ જરૂરી છે પરંતુ મિત્રો ની પસંદગી એવી કરવી જે તમારા હિતેચ્છુ હોય,તમને સંકટ સમયે સાથ આપતા હોય."
(તસવીર પ્રતીકાત્મક છે.)
🍁